ઉ.પ્રદેશમાં બ્રાહ્મણોને ખેંચવા વિપક્ષો સક્રિય..
- વિપક્ષી એકતા નહીં, તો યોગી રોકાશે નહીં
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
- સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટી બંને જાતિવાદ આધારિત પક્ષ ચલાવે છે
સંસદમાં વિરોધ પક્ષોએ સ્પાયગેટ-ટુના મુદ્દે સરકારને ભીંસમાં લેવા એકતા બતાવી છે પરંતુ હવે એ જોવાનું એ છે કે આગામી છ મહિનામાં ભાજપ યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશનો જંગ લડશે ત્યારે વિપક્ષો કેવા પ્રકારની એકતા બતાવશે તે પર સૌની નજર છે.
ઉત્તર પ્રદેશના બે પ્રાદેશિક પક્ષો તેમના અભિમાન છોડીને એક થાય તો પણ ઘણુંં એમ કહી શકાય. આ બંને મુખ્ય પ્રાદેશિક પક્ષોજ યોગી આદિત્યનાથનો વિજય રથ અટકાવી શકે એમ છે. પરંતુ તે બંને વચ્ચે અનેક મતભેદો છે. બંને પક્ષ ભૂતકાળમાં એક થયેલા છે પરંતુ તેનું પરિણામ બહુ પ્રોત્સાહજનક નથી.
અખિલેશ યાદવ અને માયાવતી એમ બંનેના પાયાના કાર્યકરો એક થવા રાજી નથી તે પણ હકીકત છે. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજદવાદી પાર્ટી બંને જાતિવાદ આધારિત પક્ષ ચલાવે છે. બંને ચોક્ક્સ જ્ઞાાતિઓને સાથે રાખતી આવી છે. આ જ્ઞાાતિઓની પેટા જ્ઞાાતિને પણ આ લોકો પોતાના પક્ષમાં ખેંચી લાવે છે.
બીજી તરફ ભાજપે જાતિવાદને સાઇડમાં રાખીને જંગ લડવાનો સંકેત આપ્યો છે. ભાજપે દરેક જ્ઞાાતિને પોતાની સાથે સમાવી છે. ભાજપે વિવિધ જ્ઞાાતિના નેતાઓને પણ પોતાની સાથે રાખ્યા છે. એ પણ બહુ જાણીતી વાત છે કે મોદી સરકારે તાજેતરમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે તેમાં સૌથી વધુ પ્રાધાન્ય ઓબીસી અને પછાત વર્ગને આપ્યું છે. તેમાં ચૂંટણી જંગમાં જઇ રહેલા ઉત્તર પ્રદેશના ચહેરાઓનો સમાવેશ પણ થાય છે.
એ પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ વિધાન સભા અને અન્ય રાજ્યોની ચૂંટણીઓના પરિણામોની અસરમાં ફર્ક છે. કેમકે ઉત્તર પ્રદેશને આગામી લોકસભાની હાર જીત પર અસર સાથે જોડવામાં આવે છે. જો વિપક્ષ ઉત્તર પ્રદેશમાં જીતશે તો તે લોકસભામાં ચૂંટણી વખતે અનેક વાંધા ઉભા કરી શકે છે. જો વિપક્ષ જીતશે તો વડાપ્રધાન પદનો ઉમેદવાર માટે પણ વિપક્ષમાં જંગ શરૂ થઇ જશે.
જો ભાજપ જીતશે તો ૨૦૨૪ના લોકસભાના જંગમાં તે ઉત્સાહ સાથે ઉતરશે. હાલની સ્થિતિ એ છે કે બ્રાહ્મણોને મનાવવા દરેક પક્ષ પ્રયાસ કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોની સંખ્યા ૧૨ ટકા જેટલી છે. તેમને પોતાની તરફ ખેંચવા દરેક રાજકીય પક્ષ પ્રયાસ કરી રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના ૫૭ જેટલા રેકોર્ડ બ્રાહ્મણ વિધાનસભ્યો ચૂંટાયા છે.
આ ઉપલા વર્ગે ૨૦૧૭ના જંગમાં ભાજપને એક તરફું મતદાન કર્યું હતું. યાદવ અને રાજપુત વચ્ચેની ચાલી આવતી મડાગાંઠમાં બ્રાહ્મણો હંમેશા રાજપૂત તરફ રહ્યા છે. કેમકે જ્યારે બ્રાહ્મણોને જરૂર પડી છે ત્યારે રાજપુતો તેમની સાથે રહેતા આવ્યા છે.
હવે વિપક્ષો એવો આક્ષેપ કરે છે કે યોગી આદિત્યનાથના શાસનમાં બ્રાહ્મણો નારાજ છે. એવો દાવો કરાઇ રહ્યો છે કે પરશુરામ જ્યંતિની રજા યોગી સરકારે કાપી માટે બ્રાહ્મણો નારાજ છે. જોકે એ વાતમાં બહુ દમ નથી. જ્યારે સમાજવાદી પક્ષના લોકોની ગુંડાગીરી હતી ત્યારે અને બહુજન સમાજવાદી પક્ષની જાટવ કોમના પ્રભુત્વ વાળી સરકાર હતી ત્યારે બા્રહ્મણો નારાજ હતા. યાદવ-મુસ્લિમના પ્રભુત્વ વાળા સમાજવાદી પક્ષ હોય કે દલીત-મુસ્લિમના પ્રભુત્વ વાળી બહુજન સમાજવાદી પાર્ટી હોય તે બંને સાથે બ્રાહ્મણોને બહુ ગોઠતું નહોતું.
જ્ઞાાતિવાદને બાજુ પર રાખીને વાત કરીયે તો યોગી આદિત્યનાથે છેેલ્લા છ મહિનાથી પછાત વર્ગને વિવિધ સવલતો આપવી શરૂ કરી દીધી છે. જેમકે વધુ ગેસ સિલિન્ડર્સ અને નાના ખેડૂતોને ૨૦૦૦ રૂપિયાનો રાહતનો હપ્તો પહોંચાડવો વગેરે શરૂ કરી દીધા છે. વડાપ્રધાન ગ્રામીણ યોજના હેઠળ મળતા લાભો લોકો સુધી પહોંચાડવા માટે યોગી સરકારે ખાસ વ્યવસ્થા તંત્ર ઉભું કર્યું છે. જેના કારણે યોગી સરકાર સામે ઉભો થયેલોએન્ટી ઇન્કમબન્સી વેવ ખતમ થઇ જાય. ટૂંકમાં ભાજપે સત્તા ટકાવી રાખવા માટેના પ્રયાસો છ મહિનાથી શરૂ કરી દીધા છે. કેટલાક લોકો યોગી સરકાર માટે વિવાદ ઉભો કરી રહ્યા છે. પરંતુ આજની તારીખમાં યોગીનો હાથ ઉપર છે.