Get The App

2016 પછી ભારતના કોઇ પ્રધાન પાકિસ્તાન નથી ગયા

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
2016 પછી ભારતના કોઇ પ્રધાન પાકિસ્તાન નથી ગયા 1 - image


- માલદિવના વડા સાથે પણ મંત્રણા

- ઇનસાઇડ સ્ટોરી

- SCO બેઠકમાં ભાગ લેવા વિદેશ પ્રધાન પાકિસ્તાન જશે પણ અન્ય કોઇ દ્વિપક્ષીય ચર્ચા નહીં કરે

અઠવાડિયા પછી વિદેશ પ્રધાન એસ.જયશંકર પાકિસ્તાનની મુલાકાતે જઇ રહ્યા છે. શાંગહાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની ૧૫-૧૬ ઓક્ટોબરની બેઠકમાં તે ભાગ લેવા જઇ રહ્યા છે. ભારત પોતાની ત્રાસવાદ વિરોધી પોલીસીને  વળગી રહ્યું છે. 

૨૦૧૬ પછી ભારતના કોઇ પ્રધાન પાકિસ્તાન ગયા નથી કેમકે ભારત તેના ત્રાસવાદ ખતમ કરવાના મુદ્દાને પ્રાધાન્ય આપી રહ્યું છે. ૨૦૧૬માં સાર્કની બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે હાજરી આપી હતી. ત્યારબાદ પાડોશી દેશ પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય વ્યવહારો તેમજ  અન્ય કોઇ વાટકી વ્યવહારો પર પૂર્ણ વિરામ મુકી દેવાયું હતું.

 પહેલાં ત્રાસવાદને અપાતું ફંડીંગ અને સરહદ પરની ત્રાસવાદની પ્રવૃત્તિ બંધ કરો પછીજ પાકિસ્તાન સાથે ચર્ચા શક્ય છે તે વાતને ભારત સરકાર ચુસ્ત પણે અમલી બનાવી રહી છે. જ્યારે વિદેશ પ્રધાન પાકિસ્તાન જશે તે પહેલાં  માલદિવના વડાપ્રધાન મોઇઝૂ ભારતની મુલાકાતે આવી ચૂક્યા હશે.

વિદેશ પ્રધાનની પાકિસ્તાન મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક થાય તેવી કોઇ શક્યતા હાલના તબક્કે દેખાતી નથી. પાકિસ્તાન ખાતેની SCO બેઠકમાં ચીનના વિદેશ પ્રધાન હાજર રહેવાના છે. ભારત હવે પાકિસ્તાને ગેરકાયદે પચાવી પાડેલા પ્રદેશને પાછો લેવાની વાત કરે છે અને સાથે સાથે ત્રાસવાદને પાકિસ્તાન તરફથી મળતા પ્રોત્સાહનનો અંત લાવવા માંગે છે એવું વિદેશ પ્રધાને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું હતું. ભારતના પાડોશી દેશ માલદિવના વડાપ્રધાન તેમની ભારતની મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂને પણ મળવાના છે. તેમની ૧૦મી  ઓક્ટોબર સુધી ચાલનારી મુલાકાતમાં તે વડાપ્રધાન મોદીને પણ મળશે અમને તેમની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે જેમાં પ્રાદેશિક પ્રશ્નોની ચર્ચા કરવાના છે.

માલદિવના વડાપ્રધાન મુંબઇ અને બેંગલૂરૂની મુલાકાતે પણ જવાના છે ્અને ત્યાં બિઝનેસ બેઠકો યોજશે. ટૂંકમાં ભારતે પાડોશી દેશ માલદિવ સાથેના કથળેલા સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે. 

હવે જ્યારે વિદેશ પ્રધાન પાકિસ્તાન જવાના છે ત્યારે પાકિસ્તાન સાથેના ખાડે ગયેલા સંબંધો સુધારવા કેવી વ્યૂહ રચના અપવાનાય છેે તે જોવાનું રહ્યું . કહે છે કે પાકિસાતાન તો ભારત સાથે મંત્રણા કરવા તૈયાર છે પરંતુ ભારત તેને હાથ મુકવા દેતું નથી. જ્મ્મુ-કાશ્મીરના રાજકારણીઓ ખાસ કરીને ફારૂક અબ્દુલ્લા અને મહેુબુબા મુફ્તી જેવા નેતાઓ પાકિસ્તાન સાથે ચર્ચા શરૂ કરવાની તરફેેણ કરી રહ્યા છે. પાકિસ્તાન સાથે જ્યારે જ્યારે મંત્રણા કરવાની વાત આવે છે ત્યારે બંને પક્ષે સંવેદના ઊભી થાય છે.

ભારતને ચિંતા એ વાતની છે કે માલદિવ અને પાકિસ્તાન એમ બંને ચીનના પીઠ્ઠુ બની ગયા છે. ચીને ચાવી દીધેલા રમકડાંની જેમ પાકિસ્તાન વર્તતું હોય એમ દેખાઇ આવે છે. ચીનનું પ્રભુત્વ પાડોશી દેશો પર ના વધે તે માટેની વ્યૂહ રચના ભારતે બનાવી છે. ભારતે માલદિવને એક સમયે સહાય કરીને પીઠબળ પુરૂં પાડયું હતું.

 પાકિસ્તાન ખાતેની SCO બેઠકમાં ભારત પાકિસ્તાન સાથે અન્ય કોઇ મંત્રણા કરવાનું નથી. વિદેશ પ્રધાને પોતે આ બાબતે સ્પષ્ટતા કરી છે. તે જોતાં એમ લાગે છે કે વિદેશ પ્રધાન સળગતા સરહદી મુદ્દાને છંછેડવા નથી માંગતા.


Google NewsGoogle News