વ્હાઇટ સાડી અને પગે સ્લીપર મમતાની ઓળખ બની ગઇ છે
- મમતા પાસે સંપત્તિ માત્ર ૧૫ લાખ રૂપિયા છે
- ઇનસાઇડ સ્ટોરી
- રોડ શો કરવા લંડન ગયા ત્યારે ત્યાંની ફૂટપાથ પર સિક્યોરીટી વિના સ્લીપર પહેરીને ફરતા હતા
દેશમાં સૌથી વધુ પૈસાદાર મુખ્યપ્રધાનની યાદીમાં ચન્દ્રા બાબુ નાયડુ ટોપ પર હોય તે વાંચીને આશ્ચર્ય નથી થયું પણ મમતા બેનરજી સૌથી વધુ ગરીબ મુખ્યપ્રધાન છે તે વાંચીને લોકોને ગૌરવ સાથે આશ્ચર્ય થાય તે સ્વભાવિક છે. દેશના કોઇ મુખ્યપ્રધાન પાસે ૯૩૧ કરોડ હોય તે શક્ય છે પણ માત્ર ૧૫ લાખ રૂપિયા હોય તે માની ના શકાય એવી વાત છે. પરંતુ તે હકીકત છે કે પ.બંગાળના મુખ્યપ્રધાનની સંપત્તિ માત્ર ૧૫ લાખ છે.
એટલેજ તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રીને કહ્યું હતું કે એશિયાનો કોેઇ નેતા મમતા બેનરજીની જેમ સાદાઇ વાળો અને જમીન સાથે ચીટકેલો જોવા નથી મળતો. મમતા બેનરજી જ્યારે પ.બંગાળમાં રોકાણ માટેનો રોડ શો કરવા લંડન ગયા ત્યારે ત્યાંની ફૂટપાથ પર સિક્યોરીટી વિના સ્લીપર પહેરીને ફરતા હતા. અનેક લોકોએ તેમના સ્લીપરવાળા ફોટાની ટીકા કરી હતી પરંતુ તે બહુ સ્પષ્ટ કહેતા હતા કે જે છે એ દેખાય છે,મને દંભ કરતા નથી આવડતું.
એસોસાયેશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મે દેશના મુખ્યપ્રધાનોની આર્થિક સ્થિતિનું ચિત્ર લોકો સમક્ષ મુકીને ઉત્તમ કામ કર્યું છે. આ સંસ્થાની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા કરીએ તો પણ મમતા બેનરજીની સાદાઇ તો ઉડીને આંખે વળગે એેવી છે. સંસદમાં હોય કે સંસદની બહાર આંદોલન કરનારા સાથે હોય, રાજ્યાપાલને મળે કે રાષ્ટ્રપતિને મળે, લંડનમાં જાય કે કોલક્ત્તાની શેરીમાં જાય પરંતુ મમતા બેનરજી તેમની કાયમી વ્હાઇટ સાડીમાંજ નજરે આવે છે. વ્હાઇટ સાડી અને પગે સ્લીપર એ તેમની ઓળખ બની ગઇ છે.
પૈસાદાર મુખ્યપ્રધાનોમાં ચન્દ્રાબાબુ નાયડુ પછી ૩૩૨ કરોડની સાથે અરૂણાચલના પ્રેમખાંડુ આવે છે, ત્રીજે ૫૧ કરોડ સાથે કર્ણાટકના મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા આવે છે. મુખ્યપ્રધાનો ગમે તેટલા પૈસાદાર હોય પરંતુ પ્રજામાં કેટલા લોકપ્રિય છે તે જોવાનું હોય છે.
મમતા બેનરજીની લોકપ્રિયતા અનોખી છે. બંગાળમાં તેમણે ભાજપને એકલા હાથે પરાજય આપ્યો હતો જ્યારે નેશનલ લેવલ પર તે કોંગ્રેસની સાથે છે પરંતુ પોતાના રાજ્યમાં તે કોંગ્રેસના કાર્યકરોને પરેશાન કરી રહ્યા છે. પ.બંગાળ કોંગ્રેસના કાર્યકરો વારંવાર કોંગી મોવડીમંડળને કહી ચૂક્યા છે કે રાજ્યમાં સ્વતંત્ર રહીને ચૂંટણી લડવી જોઇએ પરંતુ કોંગ્રેસનું મોવડી મંડળ મમતાને છંછેડવા તૈયાર નથી.
આજે પણ તે એકલા હાથે ભાજપને હંફાવી રહ્યા છે. એટલેજ ગયા મહિને વિપક્ષી ગઠબંધનમાં એવો ગણગણાટ શરૂ થયો હતો કે વિપક્ષી ગઠબંધનનમું નેતૃત્વ કોંગ્રેસના રાહુલગાંધી પાસેથી લઇને મમતા બેનરજીને સોંપવું જોઇએ. આ વાતને લાલુ પ્રસાદ યાદવ તેમજ અરવિંદ કેજરીવાલે ટેકો આપતા ગરમાટો આવ્યા હતો પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી સામે આવતી હોઇ આ ચર્ચા પર પડદો પાડી દેવાયો હતો.
તાજેતરમાંજ મમતાએ કહ્યું હતું કેે બાંગ્લાદેશના વધતા ઘૂસણખોરો પાછળનું કારણ સરહદી સુરક્ષા દળો છે. સામાન્ય રીતે કોઇ મુખ્ય પ્રધાન સુરક્ષા દળોનો વાંક નથી કાઢતા પરંતુ મમતાએ બિન્દાસ્ત બનીને પોતાનો ઓપિનીયન આપ્યો હતો. એસોસાયેશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મે આર્થિક સધ્ધરતાનો સર્વે કરવાના બદલે લોકપ્રિયતાની સધ્ધરતા વિશે સર્વે કરવા જેવો હતો. જોકે તેમાં પણ મમતા ટોપ પર આવી શકે છે. મમતાનો એગ્રેસીવ રૂઆબ અને અનિશ્ચિત સ્વભાવના કારણે તે બંગાળના લોકોમાં બહુ લોકપ્રિય છે.