વિપક્ષી જોડાણમાં કોંગ્રેસને કોઇ ગાંઠતું નથી: મમતા સામે પડયા છે
- શાંત અને ઠરેલ નેતા નિતીશ ભાજપમાં ગયા
- ઇનસાઇડ સ્ટોરી
- લાલુ પરિવાર નિતીશનું અપમાન કરતો રહ્યો અને કોંગ્રેસે તમાશો જોયા કર્યો હતો
વિપક્ષના જોડાણ ઇન્ડીયામાંથી કોંગ્રેસનો ખાસ કરીને ગાંધી પરિવારનો પ્રભાવ ઓછો થઇ રહ્યો છે. જે રીતે નિતીશ કુમારે ફટકો માર્યો છે અન ેજે રીતે મમતા બેનરજી શાબ્દિક ચાબખા ફટકારી રહ્યા છે જોતાં એમ લાગે છે કે વિપક્ષી જોડાણ પરથી કોંગ્રેસની પકડ સરકી રહી છે. એક સમયે ગાંધી પરિવાર સામે વિપક્ષનો કોઇ નેતા એક શબ્દ બોલવા તૈયાર નહોતો અને ગાંધી પરિવાર માટે જગ્યા કરી આપતો દેખાતો હતો તે આજે ગાંધી પરિવારને પડકારી રહ્યા છે. આ સ્થિતિનો લાભ ભાજપના નેતૃત્વવાળા એનડીએને કેટલો થશે તે તો ચૂંટણી આવે ખબર પડશે.
સમાચાર માધ્યમો એટલા પાવરધા બની ગયા છે કે વિપક્ષી નેતાઓની બોડી લેન્ગવેજ પરથી કહી શકે છે કે તે શું કરવા માંગે છે. નિતીશ કુમારની વિકેટ લઇને તો ભાજપે ૨૦૨૪ની વિજયની નજીક પહોંચી ગયું છે. નિતીશ કુમાર અને લાલુપ્રસાદ યાદવના પરિવાર વચ્ચેની હૂંસા તૂંસીને કોંગ્રેસ તેમજ વિપક્ષના અન્ય સાથીઓએ મૂંગા મોઢે જોયા કરી હતી. અહીં શિયાળ અને કાગડાની બાળ વાર્તા જેવું થયું હતું. કાગડાના મોંમા પુરી હતી. જોતે કા..કા બેલો તોજ તે પુરી નીચે ઉભેલા શિયાળના હાથમાં આવે એમ હતી. લાલુ પરિવારે નિતીશનું એટલું અપમાન કર્યું કે તે કા..કા.બોલવા લાગ્યા અને મોંમાં રહેલી બિહારની સત્તાની પુરી સીધીજ નીચે ઉભેલા શિયાળ સમાન ભાજપના મોંમા આવી ગઇ હતી.
લાલુપરિવાર અને કોંગ્રેસને એમ હતું કે નિતીશ કોઇ કાળે ભાજપ સાથે હાથ નહીં મિલાવે પંરતુ લાલુ પરિવાર નિતીશ સાથે રફ રહ્યો હતો અને કોંગ્રેસને ખ્યાલ ના આવ્યો કે નાની ભૂલને ભાજપ ઝડપી લેશે. ગઠબંધન સાથે સંકળાયેલા નેતાઓ જોતા રહ્યા અને ભાજપે નિતીશની વિકેટ લઇ લીધી હતી. હાલમાં બિહારના મુખ્યપ્રધાન ભલે નિતીશ હોય પણ સત્તાનું સ્ટીયરીંગ ભાજપના હાથમાં છે. ટૂંકમાં કહીએ તો બિહાર લોકસભાના ૪૦ બેઠકોનો વહિવટ ભાજપ કરશે. વિપક્ષી ગઠબંધનમાંથી નિતીશ નીકળી ગયા જ્યારે તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી કોંગ્રેસને એક પણ બેઠક આપવા તૈયાર નથી તે તો ઠીક પણ કોંગ્રેસને પડકારી રહ્યા છે. વિપક્ષી નેતાઓ પૈકી લાલુ ફેમિલી એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટની ઓફિસના ધક્કા ખાય છે, ઁઝારખંડના હેમંત સોરેનને ભ્રષ્ટાચારને કેસમાં જેલમાં જવું પડયું છે, જ્યારે અરવિંદ કેજરીવાલને ઉપરાછાપરી ઇડી સમંસ મોકલી રહ્યું છે.
જે લોકો ઇડીના રડારમાંથી બહાર છે એવા અખિલેશ યાદવ અને મમતા બેનરજી કોંગ્રેસના પ્રભાવથી દુર છે. બંને કોંગ્રેસને બેઠકો ફાળવવા અંગૂઠો બતાવી રહ્યા છે. મમતા બેનરજી તો એટલે સુધી કહે છે કે કોંગ્રેસને ૪૦ બેઠકો મળે તો પણ બહુ કહેવાશે. મમતા બેનરજી અને કોંગ્રેસ વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા કોઇ નેતા આગળ નથી આવતો. તૃણમૂલના નેતાઓ કહે છેકે અમે બંગાળના ડાબેરી પક્ષો સાથે બેસવા તૈયાર નથી જ્યારે ડાબેરી પક્ષોની સાથે કોંગ્રેસ હાથ મીલાવીને બેઠી છે.મમતા બેનરજી કોંગ્રેસ વિરૂધ્ધ બેફામ બોલે છે છતાં તેમને શાંત પાડવા કોઇ તૈયાર નથી.
આ સ્થિતિ બતાવે છે કે વિપક્ષી જોડાણના નેતાઓ છટકી રહ્યા છે. જેને શાંત અને ઠરેલ નેતા તરીકે ગણવામાં આવતા હતા તે નિતીશ કુમારતો ભાજપના છાવણીમાં જતા રહ્યા છે. ભારતના રાજકારણમાં વિપક્ષી જોડાણવાળી સરકાર અનેકવાર કેન્દ્રમાં આવી છે. દરેક એક થઇને પ્રતિસ્પર્ધીઓ સામે લડીને જીત્યા છે. પરંતુ આવખતેતો ચૂંટણી જાહેર થાય તે પહેલાંજ વિપક્ષી જોડાણમાં ઉંડા ડખા પડયાછે.