પાક્સ્તિાનની કોર્ટમાં દલીલ મી.લોર્ડ પીઓકે આપણું નથી
- સરકારી વકીલના નિવેદનથી વિવાદ
- ઇનસાઇડ સ્ટોરી
- પીઓકે પચાવી લેનાર પાકિસ્તાનની હાલત હાલમાં બેહાલ છે અને ભૂખમરામાં અટવાયેલું છે
કેન્દ્રમાં નવી સરકાર શપથ લેશે ત્યારે કહે છે કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(પીઓકે)નો મુદ્દો સૌથી પહેલાં હાથમાં લેશે. નવી સરકારે પીઓકેના મુદ્દે બહુ સમય બગાડવાની જરૂર નથી કેમકે ચીન પણ ત્યાં ઘૂસેલું છે. લોકસભાના ચૂંટણી જંગ અને તેના એક્ઝીટ પોલના અહેવાલોમાં પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર અંગેનો બહુ મહત્વનો અહેવાલ અટવાઇ ગયો છે. અહેવાલ પાકિસ્તાનથી આવ્યો હતો. જેમાં પાકિસ્તાનની કોર્ટમાં બનેલા એક કેસમાં પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે કાશ્મીર અમારૃં નથી. ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં ચાલતા એક કેસ અનુસાર કેસની તપાસ દરમ્યાન પોલીસે કહ્યું હતું કે અમે આરોપી રજૂ કરી શક્યા નથી કેમકે તે આઝાદ કાશ્મીરમાં ભાગી ગયો છે.
કોર્ટે પૂછ્યું કે તો ત્યાં જઇને પકડી લાવો. પોલીસે કહ્યું કે ત્યાં આપણે ના જઇ શકીએ. કોર્ટ પૂછ્યું હતું કે તો પછી આપણી રેન્જર્સ (સિક્યોરીટી) ત્યાં કેમ છે? કોર્ટમાં એક કવિ નામે અહમદ ફરીદનો કેસ ચાલતો હતો. જેનું અપહરણ કરીને ઉઠાવી જવાયો હતો. તેને કોર્ટમાં રજૃ કરવાનો હતો પરંતુ પોલીસ પીઓકેમાં જવા તૈયાર નહોતા. પોલીસ કોર્ટમાં કહ્યું હતું કે આઝાદ કાશ્મીર વિદેશનો પ્રદેશ છે માટે ત્યાં ના જઇ શકાય. ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં સરકારી વકીલે જ્યારે એમ કહ્યું કે કાશ્મીર આપણો પ્રદેશ નથી ત્યારે ઉહાપોહ થયો હતો. જે કાશ્મીર માટે પાકિસ્તાન ભારત સાથે સંબધો બગાડી ચૂક્યું છે તે કાશ્મીર માટે જ્યારે કોર્ટમાં સરકારી વકીલ એમ કહે કે કાશ્મીર વિદેશી પ્રદેશ છે ત્યારે ઉહાપોહ થાય તે સ્વભાવિક છે.
કાશ્મીરનો મામલો આખા વિશ્વમાં વિવાદાસ્પદ બની ચૂક્યો છે. તેમાં અનેક દેશો મધ્યસ્થી બનવા તૈયાર છે પરંતુ ભારતે ડિપ્લોમેટીક વ્યૂહ અપનાવીને કાશ્મીરનો મુદ્દો વિશ્વના તખ્તા પર પાકિસ્તાનને બદનામ કરવા માટે ઉપયોગ કર્યો છે. પીઓકેના લોકોની કમનસીબી એ છે કે તેમને પાક્સ્તિાનની સરકાર પરેશાન કરે છે. છેલ્લે જ્યારે પીઓકેમાં ખુબ ઊંચા લાઇટબીલો ઇશ્યુ કર્યા ત્યારે ત્યાં પાકિસ્તાનના વિરોધમા ંઆંદોલન થયું હતું. ત્યાંના રેન્જર્સ (સલામતી રક્ષકો)ને ફટકારવામાં આવ્યા હતા. પીઓકેના લોકો ભારત સાથે જોડાવા તેયાર છે અને તે લોકો પાકિસ્તાન મૂર્દાબાદ બોલી રહ્યા છે. છેલ્લે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે પીઓકે સામે ચાલીને ભારત સાથે જોડાઇ જાય તેવી શક્યતા છે. ગૃહપ્રધાન અમિત શાહે પણ વારંવાર સંસદમાં કહ્યુંં છે કે પીઓકે આપણુંજ છે અને તેને મોદી સરકાર ત્રીજી ટર્મમાં લઇ લેશે.
પીઓકે લેવું એ બજારમાં શાક ખરીદવા જેટલું સહેલું નથી. ચીનની નજર પણ આ પ્રદેશ પર છે. ચીનની ત્યાં અવરજવર છે. ભારતમાં ૩૭૦મી કલમ અમલી બનાવાયા પછી પીઓકેના વળતા પાણી શરૂ થયા છે. પીઓકે પચાવી લેનાર પાકિસ્તાનના હાલત હાલમાં બેહાલ છે અને ભૂખમરામાં અટવાયેલું છે. વૈશ્વિક તખ્તા પર પાકિસ્તાન સાથે કોઇ દેશ ઊભો રહેવા તૈયાર નથી. ચીન પાકિસ્તાનને નચાવી રહ્યું છે. પરંતુ બલૂતિસ્તાન અને પીઓકે એમ બંનેમાં ચીનની હાજરીનો વિરોધ થઇ રહ્યો છે. ભારત કોઇ ઉતાવળીયું પગલું ભરવા તૈયાર નથી એમ દેખાઇ આવે છે. કહે છે કે જે સીફતથી મોદી સરકારે ૩૭૦મી કલમ અમલી બનાવી તે રીતે પીઓકે લેવા માંગે છે. લોહીનું એક પણ ટીપું પાડયા વગર ૩૭૦મી કલમ અમલી બની છે એમ પીઓકે માટે પણ સરકાર લોહીનું એક પણ ટીપું પડવા દેવા તૈયાર નથી.કઇંક રંધાઇ રહ્યું છે, તે નક્કી છે.