100 રૂપિયે ડુંગળી : વાંચીને આંખમાં પાણી આવી જાય છે
- ખેડૂતોએ 28 રૂપિયે ડુગળી વેચી, બજારમાં 100 રૂપિયાનો ભાવ
- ઇનસાઇડ સ્ટોરી
- પરવળ, કારેલાં, ચોળી, ગવાર વગરે ઊંચા ભાવના કારણે રોજીંદા વપરાશમાં લઇ શકાતા નથી
ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોની સમસ્યા એ છેકે તમણે ૨૮ રૂપિયે ડુગળી વેચી હતી જે બજારમાં ૧૦૦ રૂપિયે કિલો વેચાય છે. ખેડૂત વિચારે છે કે જો અમે છૂટક બજારમાં સીધોજ માલ વેચીએ તો ચાર ગણો નફો મળી શકે છે. કિસાનની કમનસીબી એ છે કે તેની પાસે ડુંગળીનો જથ્થો સંગ્રહ કરી રાખવાની જગ્યા નથી હોતી તેમજ ઉત્પાદનની કિંમત વધે તેની રાહ જોવાની ધીરજ પણ નથી હોતી. કિસાનેાને માર્કેટીંગ નથી ફાવતું તેમજ તે જુના ચીલા પર ચાલ્યા કરવામાં ટેવાયેલો હોય છે. ઉત્પાદન કરનારને કિલોએ ૨૮ રૂપિયા મળે જ્યારે છૂટક બજાર ભાવ ૧૦૦ રૂપિયે કિલો હોય ત્યારે એ વાત વિચાર માંગી લે એવી છે કે માર્કેટમાં વચેટીયાઓ પરસેવો પાડયા વગર તગડી કમાણી કરી લે છે. આ લોકો પાસે રોકાણનો પૈસો છે. ડુંગળીનો સંગ્રહ કરવાના ગોડાઉન પણ છે. ભારતમાં ડુંગળીના ભાવ અનિશ્ચિત જોવા મળે છે.
જીવન જરૂરી રોજીંદી ચીજોમાં ખાસ કરીને શાકભાજીના ભાવોમાં ડુંગળી, ટામેટા અને બટાકા જેવા રોજીંદા વપરાશમાં લેવાતા શાકભાજીના ભાવોમાં એનક વાર બહુ મોટો ઉછાળો જોવા મળે છે. આવો ઉછાળો થવાથી લોકો માટે કેટલાક શાકભાજી જેવાંકે પરવર, કારેલાં, ચોળી, ગવાર વગરે સપનાં સમાન બની જાય છે. બટાકા ઇન્ટરનેશન શાકની યાદીમાં આવે છે જે અન્ય ગમે તે શાક સાથે મેળવી શકાય છે. જ્યારે બટાકાના ભાવમાં ઉછાળો જોવા મળે છે ત્યારે મધ્યમ વર્ગ બહુ મુશ્કેલીમાં મુકાયો હતો. ડુગળીને ગરીબોની કસ્તુરી કહી છે. કેમકે તે પૌષ્ટીક પણ હોય છે તેમજ તેને રોટલા સાથે કાચી પણ ખાવામાં આવે છે. જ્યારે ડુંગળીની શોર્ટેજ ઉભી થઇ ત્યારે પાંઉભાજી બનાવતી દુકાનો તેની જગ્યાએ કોબીજના પાંદડાનો ઉપયોગ કરતા હતા. મોટી હોટલોમાં નાની સાઇઝની આખી કાચી ડુંગળી પીરસાય છે. કચુંબરમાં પણ ડુંગળીનો વિશેષ ઉપયોગ થાય છે. એટલેજ સરકાર ડુંગળીનો બફર સ્ટોક રાખે છે જેથી તેની શોર્ટેજ ઊભી ના થાય.
કેન્દ્ર સરકારે ગયા મહિને કાંદા એક્સપ્રેસ બે સેન્ટરો પર મોકલી હતી.સરકારે ૩૫ રૂપિયે કિલો ડુંગળી વેચવા માટે બફર સ્ટોકમાંથી સ્ટોક મેાકલાવ્યા હતો . આ ડુંગળી લેવા લાઇનો લાગી હતી. સરકારે ડુંગળીનો બફર સ્ટોક ૪૭૦,૦૦૦ ટનનો રાખ્યો છે. તે પૈકી કેટલોક જથ્થો કાંદા એક્સપ્રેસ મારફતે ૧૪ સેન્ટરોને મોકલીને ડુંગળીનો ભાવ વધારો નિયંત્રણમાં રાકવાનો પ્રયાસ કર્યો હતો. જીવન જરૂરી ચીજોમાં ડુંગળી અને બટાકાનો સમાવેશ થાય છે. દેશના કેટલાક શહેરોમાં ૧૦૦ રૂપિયે કિલા ડુંગળી વેચાતા સરકાર ચિંતામાં છે.મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વધુ વરસાદના કારણે ડુંગળીનો પાક ઓછો ઉતર્યો છે. ઓનલાઇન અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પર ડુંગળીનો ભાવ ૧૦૦ રૂપિયે કિલો છે.
ડુંગળીને કાપીને સમારવાથી આંખમાં પાણીની આ વાત નથી પણ તેનો ૧૦૦ રૂપિયા ભાવ છે તે જાણીને આંખમાં પાણી આવે છે. મહારાષ્ટ્રમાં ડુગળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. એવુંજ મધ્ય પ્રદેશમાં પણ છે.મહારાષ્ટ્રમાં ચૂંટણીના કારણે પણ ડુંગળીના ભાવ વધ્યા હોવાનું કહેવાય છે. દિલ્હી, લખનૌ, કોલકત્તા જેવા શહેરોમાં ડુંગળી ૧૦૦ રૂપિયે કિલો વેચાઇ રહી છે. ડુંગળીનો નવો ફાલ તૈયાર થઇ રહ્યો છે. હાલમાં વેચાતી ડુંગળી કોલ્ડ સ્ટોરેજની હોય છે. એક અહેવાલ અનુસાર અલવરમાં તૈયાર થયેલો ડુંગળીનો નવો ફાલ દિલ્હીની માર્કેટમાં આવી ગયો છે. હવે જ્યારે દિલ્હીમાં લગ્નોની મોસમ આવી રહી છે ત્યારે ડુંગળીના ભાવ ઉછળશે તે નક્કી છે. ડિસેમ્બરના મધ્યભાગ સુધી ડુંગળીના ભાવો અનિશ્ચિત રહી શકે છે.