ભારતની રાજકીય બાબતોમાં અમેરિકી ચંચુપાતનો વિરોધ
- ભારતનું વિશ્વમાં પ્રભુત્વ વધ્યું છે
- ઇનસાઇડ સ્ટોરી
- ઉપરાષ્ટ્ર પતિએ ચંચુપાત કરતા દેશોને કહ્યું છે કે અમને શિખવાડવાની જરૂર નથી
ભારતની આંતરીક બાબતોમાં દખલ કરી રહેલા અમેરિકા અને જર્મની જવા દેશોને ભારતે ત્વરીત પ્રત્યાઘાત આપીને નારાજગી બતાવીને બહુ યોગ્ય કામ કર્યું છે. દિલ્હીના મુખ્ય પ્રધાનની ધરપકડ કોર્ટના આદેશ અનુસાર થઇ હોવા છતાં અમેરિકાનું વહિવટી તંત્ર ભારતમાં ચંચુપાત કરે તે આશ્ચર્ય જનક છે. વિદેશ મંત્રાલય પ્રત્યાઘાત આપવામાં બહુ સમય નથી બગાડતી. દિલ્હી સ્થિત અમેરિકાની એલચી કચેરીના ડિપ્લોમેટને બોલાવીને ભારતની રાજકીય ઘટનાઓમાં સલાહ નહીં આપવા જણાવાયું છે. અમેરિકાની ચંચુપાત ભારતના દરેક નેતા વખોડે છે. અમેરિકાને પોતાની સુપ્રિમસી બતાવવાની ટેવ પડી છે. પોતાનાથી નાના દેશો પર ભલે તેનું કોઇ સીધું પ્રભુત્વ નથી પરંતુ તે પોતાનો ઓપિનીયન આપીને સુપ્રીમસી ઉભી કરવા પ્રયાસ કરે છે.
ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ભારતની લોકશાહીની પ્રશંસા પણ થઇ રહી છે. ભારતમાં બનતી રાજકીય ઘટનાઓ સાથે અન્ય દેશોને કોઇ લેવાદેવા ના હોવી જોઇએ એમ ભારત બહુ સ્પષ્ટ રીતે માને છે. કોઇ પણ દેશ અન્ય દેશોની ચંચુપાત સ્વિકારવા તૈયાર ના હોય તે સ્વભાવિક છે.
જ્યારે કેજરીવાલની ધરપકડ કરાઇ ત્યારે જર્મનીએ કહ્યું કે લોકશાહીના સિધ્ધાંતો આધારીત તેમની સામે કામ ચલાવવું જોઇએ. જર્મનીના આવા પ્રત્યાઘાત સામે ભારતે જર્મનીના ડિપ્લોમેટને બાલાવીને સ્પષ્ટ કહ્યું હતું કે અમારી આંતરીક બાબતોમાં પડવાની જરૂર નથી.
ભારત બદલાઇ ચૂક્યું છે. ત્વરીત પ્રત્યાઘાત આપીને ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારત અને અમેરિકી વચ્ચેના સંબંધો બહુ મજબૂત બન્યા છે. અમેરિકા ભારતને પોતાનો આર્થિક વ્યૂહાત્મક પાર્ટનર ગણાવે છે. ચીન અને અમેરિકા વચ્ચના સંબંધો વણસેલા છે. ભારતનું વિશ્વમાં પ્રભુત્વ વધ્યું છે. કોરોના કાળમાં ભારતે વિશ્વના અનેક દેશોને વેક્સીન પહોંચાડીને દરેક સાથે સંબંધો વધારી શક્યું છે. ભારત અને જર્મનીને પણ સારા સંબંધો છે. બંને દેશો ડિફેન્સ ટેકનોલોજી માટે હાથ મિલાવી ચૂક્યા છે.
ભૂતકાળ પર નજર કરીએ તો અમેરિકાના ટોચના પ્રધાનો ભારત આવતા ત્યારે ભારતના વખાણ કરતા હતા અને પરત ફરતી વખતે પાકિસ્તાન જઇને કાશ્મીરનો વિવાદ ઉખેડતા હતા. અમેરિકાની આ ડબલ ઢોલકી નીતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધ કરી દીધી હતી. અમેરિકામાં કામ કરતી કેટલીક ભારત વિરોધી લોબી બાઇડન વહિવટી તંત્ર પર પ્રેશર લાવીને ભારતની લોકશાહી પર ટીકા કરવાનું કહેતા હોવાનું લાગી રહ્યું છે.
ભારતના ઉપરાષ્ટ્રપતિએ ભારતમાં ચંચુપાત કરતા દેશોને કહ્યું છે કે અમને શિખવાડવાની જરૂર નથી. આવું પહેલીવાર જોવા મળ્યું છે કે અમેરિકા જેવી મહાસત્તાને ચંચુપાત નહીં કરવાનું રોકડું પરખાવી દેવાની ભારતની નીતિ પ્રશંસાજનક છે. અમેરિકાએ કેજરીવાલની ધરપકડ સામે ટીકા કરી તે બહુ અયોગ્ય પગલું કહી શકાય.
જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબંધો ગાઢ બન્યા છે ત્યારે અમેરિકમાં રહેલી ભારત વિરોધી લોબી સક્રિય થઇ છે એમ કહી શકાય જ્યારે સામે છેડે ભારતે પણ ત્વરીત જવાબ આપીને પોતે શું ઇચ્છે છે તે બતાવી દીધું છે.