દિલ્હીમાં દેશના બંને મુખ્ય પક્ષેાને હંફાવતા અરવિંદ કેજરીવાલ
- કોંગ્રેસને એક મોટા સલાહકારની ખોટ
- ઇનસાઇડ સ્ટોરી
- ભાજપની વાત કરીએે તો તેમણે પોતાની વ્યૂહ રચના કરી છે પરંતુ આંતરિક ડખા નજર સામે આવી રહ્યા છે
૨૦૨૫નો આજે પહેલો દિવસ છે પરંતુ ભારતના રાજકારણમાં ૩૬૫ દિવસ સરખા હોય એમ લાગી રહ્યું છે. છાશવારે આવતી નાની મોટી ચૂંટણીઓ અને સતત ૨૪ કલાક ચાલતી આક્ષેપબાજીના કારણે રાજકારણમાં ચાલતી ગંદકી સતત સપાટી પર જોવા મળે છે. ગયા અઠવાડિયે ભારતના આર્થિક પરિવર્તનના ધડવૈયા કહેવાતા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી કોંગ્રેસને એક મોટા સલાહકારની ખોટ પડી છે અને ઘરમાંથી એક વડીલની બાદબાકી થઇ છે.
આશ્ચર્ય એ વાતનું છેકે ભાજપે પણ મૃત્યુનો મલાજો રાખીને કોંગ્રેસની મનમોહન સિંહની યાદગીરી માટેની માંગનો સ્વિકાર કરીને કોઇ વિવાદ ઉભા થવા દીધોે નહોતો. કોંગ્રેસે પણ નરસિંહરાવના નિધન સમયે કરેલી ભૂલોને સુધારી લીધી હોય એમ લાગે છે. મનમોહનસિંહને મળેલું સન્માન પ્રશંસનીય છે. બંને પક્ષે મૃત્યુનો મલાજો સાચવ્યો હતો.
કોંગ્રેસ અને ભાજપ બંનેની નજર સામે દિલ્હી વિધાનસભાનો જંગ છે. આ બંનેએ અરવિંદ કેજરીવાલની પાર્ટીનો સામનેા કરવાનો છે. સામે છેડે અરવિંદ કેજરીવાલ આક્ષેપોનો પટારો ખોલીને બેઠા છે. તે કોંગ્રેસના નેતૃત્વવાળા ઇન્ડિયા ગઠબંધનને કહે છે કે કોંગ્રેસના અજય માકેને આમ આદમી પાર્ટીને અપશબ્દો બોલ્યા છે . તેમને બોલતા રોકો નહીંતર ગઠબંધનમાંથી કોંગ્રેસને મુક્ત કરો.
એમ લાગે છે કે કેજરીવાલ વ્યૂહાત્મક રીતે કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે. પંદરેક દિવસ અગાઉ વિપક્ષી ગઠબંધનનું નેરૂત્વ બદલવાની વાત તૃણમૂલ કોંગ્રેસે કરી ત્યારે કેજરીવાલ અને બિહારના લાલુપ્રસાદે તેને ટેકો આપ્યા હતા. ત્યારે આ વાતને ઉગતી જ દબાવી દેવાઇ હતી.
દિલ્હીમાં સતત ૧૦ વર્ષથી આમ આદમી પાર્ટી દેશના બે મુખ્ય રાજકીય પક્ષોને હંફાવી રહી છે. કેજરીવાલની વ્યૂહરચના આગળ બંને પક્ષેા સતત નિષ્ફળ ગયા છે. કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું શાસન લાવવા મથે છે. આ વખતે તેમને એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરનો સામનો કરવાનો છે. પરતુ આમ આદમી પાર્ટીના નેતાઓ એ જે જોશથી અને વ્યૂહ રચનાથી કામ કરી રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે તે ફરી જંગ જીતી શકે છે.
ભાજપની વાત કરીએ તો તેમણે પોતાની વ્યૂહ રચના કરી છે પરંતુ તેમાં મુખ્યપ્રધાન બનવા અનેક ચહેરાઓ કામ કરી રહ્યા છે તેના કારણે આંતરિક ડખા નજર સામે આવી રહ્યા છે. કેજરીવાલે ચૂંટણી પંચ સહિત અનેક દિશામાં મોરચા ખોલ્યા છે. ઉપરા છાપરી આક્ષેપો કરીને આમ આદમી પાર્ટીએ દેશના બંને મુખ્ય પક્ષોને મૂંઝવી માર્યા છે.
દિલ્હીમાં ટ્રાફ્કિ, ક્રાઇમ, પ્રદૂષણ જેવા મામલે લોકો ત્રસ્ત હોવા છતાં તેમાટે કેન્દ્ર સરકાર પર તેની જવાબદારી નાખી દેવામાં આમ આદમી પાર્ટીને સફળતા મળી રહી છે. ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યું છે અને મતદારોની યાદીમાં ફેરફાર શરૂ કર્યા છે એમ કહીને કેજરીવાલ લોકોને ડરાવે છે કે મને અને મુખ્યપ્રધાન આતીશી સામે કેસ તૈયાર કરાઇ રહ્યા છે અને અમને જેલમાં ધકેલી દેવાશે. દિલ્હીના લોકો આમ આદમી પાર્ટીની વિવિધ જાહેરાતોથી પ્રભાવિત છે. મહિલાઓના ખાતામાં દર મહિને ચોક્કસ રકમ જમા થશે તેવી તેમની ખાતરીને પડકારાઇ છે.જો કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીમાં સરકાર રચી શકશે તો ઇન્ડિયા ગઠબંધનમાં તે ૨૦૨૯ના લોક સભા જંગમાં વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો દાવો કરી શકે છે.