World Hypertension Day: હાઈપર ટેન્શન સાયલન્ટ કિલર સમાન, સમયસર ચેતો નહીં તો હાર્ટ એટેકનું જોખમ

Updated: May 17th, 2024


Google NewsGoogle News
World Hypertension Day: હાઈપર ટેન્શન સાયલન્ટ કિલર સમાન, સમયસર ચેતો નહીં તો હાર્ટ એટેકનું જોખમ 1 - image


World Hypertension Day 2024: અદ્યતન જીવનશૈલીને કારણે સ્ટ્રેસ મહદ્અંશે પ્રત્યેક વ્યક્તિના જીવનનો હિસ્સો બની ચૂક્યો છે. સ્ટ્રેસને કારણે હાઇપર ટેન્શનના દર્દીઓ પણ સતત વધી રહ્યા છે. અગાઉ યુવાનો અને વિદ્યાર્થીઓમાં હાઈપર ટેન્શનનું પ્રમાણ નહીંવત્ હતું. પરંતુ હવે યુવાનો, વિદ્યાર્થીઓમાં હાયપર ટેન્શનનું પ્રમાણ વધી ગયું છે. આજે (17મી મે) વર્લ્ડ હાઈપર ટેન્શન ડે છે, ત્યારે હાઇપર ટેન્શનના વધતાં દર્દીઓ ચિંતાના વિષય સમાન છે. 

હાઈપર ટેન્શનના દર્દીઓમાં વધારો

છેલ્લા કેટલાક સમયમાં યુવાનોમાં હૃદયરોગનો હુમલો આવવાના કેસ વધારે જોવા મળ્યા છે અને તેમાં પણ મોટાભાગના કેસમાં હાઈપર ટેન્શન જવાબદાર રહ્યું છે. ડોક્ટરોના મતે કોરોના બાદ નોકરી, વ્યવસાયને લગતી સમસ્યામાં વધારો થતાં હાઈપર ટેન્શનના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અલબત્ત, આજે પણ હાઇપર ટેન્શન અંગે જાગૃતિનો અભાવ છે અને જેના કારણે તેના લક્ષણો હોવા છતાં સમયસર તેની સારવાર કરાવનારાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. 

હાઈપર ટેન્શન સાયલન્ટ કિલર સમાન

ડોક્ટરોના મતે હાઈપર ટેન્શન સાયલન્ટ કિલર સમાન છે. અનેક લોકો હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા હોવા છતાં તેનાથી વાકેફ નહીં હોવાથી તેની અવગણના કરે છે. જેના કારણે હાઇપર ટેન્શનનું પ્રમાણ વધી જાય ત્યારે દર્દીની ગંભીર સ્થિતિ થઇ જવાના કિસ્સા અવાર-નવાર જોવા મળે છે. હાઈપર ટેન્શન માટે સ્ટ્રેસ ઉપરાંત લાઇફસ્ટાઇલ, ભોજનમાં મીઠાનું વધુ પડતું સેવન, ફાસ્ટફૂડ, કસરતનો અભાવ, અનિયમિત જીવનશૈલી જેવા મહત્ત્વના પરિબળો છે. 

અગાઉ 40થી વધુ વયમાં હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળતી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઇ રહી છે અને 20થી 40ના વયજૂથમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યા છે. હવે 20થી 30ની વયજૂથ તેમજ મેડિકલ, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓમાં પણ હાઈપર ટેન્શન જોવા મળી રહ્યું છે, આ એક ચિંતાજનક તારણ છે. ભારતની ત્રીજા ભાગની વસતીને હાઈ બ્લડ પ્રેશર હોય છે. આ પૈકીના પાંચ ટકા દર્દી 20થી 30ની વયજૂથના હોય છે. આ પ્રમાણ અગાઉ માત્ર બે ટકા હતું. 

લક્ષણો શું હોય છે?

ડોક્ટરોના મતે બ્લડ પ્રેશર હોય તો પણ ઘણાને ખ્યાલ હોતો નથી. સ્ટ્રેસમાં હોય ત્યારે પાછળના ભાગે માથું દુઃખવું, બેચેની અનુભવાય, ચાલે તો થાક લાગે, આંખો ઉપર ભાર લાગે જેવા લક્ષણો સ્ટેજ-1ના હાઈપર ટેન્શનના છે. સ્ટેજ-2માં બ્લડ પ્રેશર વધી જાય ત્યારે વોમિટિંગ થવી, પગમાં સોજો આવવા જેવા ગંભીર લક્ષણો જોવા મળતા હોય છે. હવે 20થી વધુ વયની વ્યક્તિએ પણ નિયમિત બ્લડ પ્રેશર ચકાસણી કરાવવી જોઇએ.

હાઈ બ્લડપ્રેશર છે કે કેમ તેનું માપદંડ શું હોય છે

ઘણા દર્દીઓને એમ હોય છે કે ડોક્ટરને ત્યાં બ્લડ પ્રેશર માપીએ તો વધારે આવે પણ મને તો કોઇ સમસ્યા છે જ નહીં. આ એક ખોટી માન્યતા છે. ડોક્ટરો બ્લડ પ્રેશર માપે તેને જ એકમાત્ર માપદંડ નથી ગણતા હોતા. કિડનીમાં તકલીફ છે કે કેમ, આંખના પડદા-હૃદય ઉપર અસર છે તે ચકાસીને ડોક્ટર બ્લડ પ્રેશરની સ્થિતિનો નિર્ણય લેતા હોય છે. ઘરમાં પ્રમાણિત બીપી મશીન હોય અને તેનું રેકોર્ડિંગ 135-85 ઉપર હોય તો તે હાઇ બ્લડ પ્રેશર કહેવાય. આ સિવાય બ્લડ પ્રેશર માપવા માટે અન્ય એક છે એબીપીએમ. જેમાં મશીન બાંધીને દર્દી પોતાની રોજીંદી ક્રિયા કરતું હોય છે. આ મશિન કલાકમાં બે વાર બીપી માપતું હોય છે. જેમાં 24 કલાકનો ગ્રાફ નીકળતો હોય છે. કોઈ વ્યક્તિ ઘરમાં હોય તો 135-85 અને ઓફિસમાં હોય તો 149ને કટ ઓફ્ ગણવામાં આવે છે.


Google NewsGoogle News