World Heart Day | ગુજરાતમાં દરરોજ 197 વ્યક્તિને હાર્ટની સમસ્યા, 48% દર્દી 50થી ઓછી વયના
World Heart Day: કોવિડ હવે ઈતિહાસ બની ગયો છે પણ તેના પાંચ વર્ષ બાદ જીવનશૈલીમાં તો પરિવર્તન આવ્યું જ છે અને તેની સાથે કેટલીક બીમારીમાં પણ ચિંતાજનક વધારો થયો છે, જેમાં હૃદયરોગ શિરમોર છે. વર્ષ 2020માં હૃદયની ઈમરજન્સીના કુલ 38386 કેસ નોંધાયા હતા અને તેની સામે આ વર્ષે 25 સપ્ટેમ્બર સુધીમાં જ 52973 કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, આ વર્ષે પ્રતિ દિવસે હૃદયની ઈમરજન્સીના સરેરાશ 197 કેસ નોંધાય છે. હૃદયની ઈમરજન્સીના આ વર્ષે જે કેસ નોંધાયા છે તેમાં 48 ટકાની ઉંમર 50થી ઓછી વયની છે. આવતીકાલે ‘વિશ્વ હૃદય દિવસ’ છે ત્યારે હૃદયને લગતી ઈમરજન્સીના કેસ સતત ચિંતા વધારી રહ્યા છે.
નાની ઉંમરમાં હાર્ટઅટેકનું જોખમ વધ્યું
ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં 25 સપ્ટેમ્બર સુધી હૃદયની સમસ્યાના જે કુલ કેસ નોંધાયા છે તેમાંથી 27727 દર્દી 50થી વધુ જ્યારે 25741 દર્દી 50થી ઓછી વયના છે. જેની સરખામણીએ ગત વર્ષે 25 સપ્ટેમ્બર સુધી કુલ નોંધાયેલા 46105 કેસમાંથી 23917 દર્દી 50થી વધુ વયના જ્યારે 22238 દર્દી 50થી ઓછી વયના હતા. આમ, આ સ્થિતિએ 50થી ઓછી વયના દર્દીના પ્રમાણમાં એક વર્ષમાં 10 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
ગુજરાતમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસ
(1 થી 25 સપ્ટેમ્બર, 2024 સુધી)
વયજૂથ પ્રમાણે ર્હદયના ઈમરજન્સી કેસ
(*2024 અને 2023માં સપ્ટેમ્બર સુધીના આંકડા)
પુરૂષોમાં હાર્ટઅટેકનું પ્રમાણ વધું
હાર્ટ સંબંધિત ઈમરજન્સીમાં આ વર્ષે અત્યારસુધી નોંધાયેલા કેસમાંથી 29873 પુરુષ અને 23087 મહિલા છે. આમ, ગુજરાતમાં હૃદયની ઈમરજન્સીના સરેરાશ 100માંથી 56 દર્દી પુરુષ હોય છે. આ વર્ષે ઓગસ્ટ માસમાં સૌથી વધુ 6328 કેસ નોંધાયા છે. જેમાં 3168 પુરુષ અને 2764 મહિલાને હૃદયની ઈમરજન્સીને પગલે ‘108’ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગુજરાતમાં વર્ષ 2021માં હૃદયની ઈમરજન્સીના કુલ 42555 કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે સપ્ટેમ્બરમાં જ કુલ કેસનો આંક 53 હજારની નજીક છે.
અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી યુ.એન. મહેતામાં આ વર્ષે અત્યારસુધી 2.41 લાખ આઉટડોર જ્યારે 32960 ઈન્ડોર દર્દી નોંધાયા છે. જેની સરખામણીએ 2023માં 3.35 લાખ આઉટડોર જ્યારે 47230 ઈન્ડોર દર્દી નોંધાયા હતા.