વિશ્વ મધુમેહ દિવસઃ આ વર્ષે ડાયાબિટીસના 67 લાખ દર્દીઓએ ગુમાવ્યો જીવ
- જન્મ લેનારૂં 6માંથી 1 બાળક ગર્ભાવસ્થા દરમિયાન જ હાઈ બ્લડ ગ્લુકોઝથી પ્રભાવિત થાય છે જેને હાઈપરગ્લાઈસેમિયા કહે છે
નવી દિલ્હી, તા. 14 નવેમ્બર, 2021, રવિવાર
કોરોના મહામારી સામે લડી રહેલી દુનિયા માટે ડાયાબિટીસ (મધુમેહ) 21મી સદીની સૌથી ભયાનક હેલ્થ ઈમરજન્સી બનશે અને તેનો સામનો કરવો વિશ્વ માટે ખૂબ જ પડકારજનક બની રહેશે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ) અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વ ડાયાબિટીસ દિવસ પ્રસંગે જણાવ્યું કે, દર વર્ષે સરેરાશ 40 લાખ લોકો મધુમેહના કારણે મૃત્યુ પામે છે. જોકે 2021ના વર્ષમાં મહામારી દરમિયાન 67 લાખ મધુમેહ રોગીઓના મોત થઈ ચુક્યા છે જેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે.
વિશ્વ મધુમેહ દિવસની થીમ
2021થી 2023 માટે વિશ્વ મધુમેહ દિવસની થીમ છે 'એક્સેસ ટુ ડાયાબિટીસ કેર- ઈફ નોટ નાઉ વેન? મતલબ કે, મધુમેહનો ઉપચાર સરળ બને, જો અત્યારે નહીં તો ક્યારે?'
શા માટે ભયાનક?
સમગ્ર વિશ્વમાં 10માંથી 1 વયસ્કને મધુમેહની ફરિયાદ છે. તેમાંથી મોટા ભાગના લોકોને ટાઈપ-2 ડાયાબિટીસ છે. 23.2 કરોડ લોકોને તો પોતાના રોગ વિશે ખબર જ નથી.
તેનું પરિણામ એ છે કે..
લોકોને હૃદય, કિડની, લિવર અને નેત્ર સંબંધી મુશ્કેલીઓ થઈ રહી છે. ગંભીર થયા બાદ આ બીમારી લોકોને અપંગતા તરફ લઈ જાય છે.
6માંથી 1 બાળકને જન્મજાત
જન્મ લેનારૂં 6માંથી 1 બાળક ગર્ભાવસ્થા દરમિયાન જ હાઈ બ્લડ ગ્લુકોઝથી પ્રભાવિત થાય છે જેને હાઈપરગ્લાઈસેમિયા કહે છે.