ભારતમાં દર નવમાંથી એક વ્યક્તિને કેન્સર થવાનું જોખમ, તમાકુ અને ખરાબ જીવનશૈલી છે જવાબદાર
World Cancer Day: દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નેશનલ કેન્સર રજિસ્ટ્રીના આંકડાઓ અનુસાર, 2023માં કેન્સરના 14,96,972 દર્દીઓ નોંધાયા હતાં. 2025માં કેન્સરના દર્દીઓની સંખ્યા 10 ટકા વધવાની ભીતિ છે. કેન્સરનો સૌથી વધુ ભોગ યુવાનો બની રહ્યા છે. જેમાં પુરૂષોમાં ફેફસાં અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું છે. આ સિવાય 14 વર્ષ સુધીની વયમાં લિમ્ફોઈડ લ્યૂકેમિયાનું જોખમ વધ્યું છે.
દર નવમાંથી એક વ્યક્તિને કેન્સર થવાની સંભાવના
આજે વર્લ્ડ કેન્સર ડેના ભાગરૂપે જારી કરવામાં આવેલા આઈસીએમઆર રિપોર્ટ અનુસાર, ભારતમાં બદલાતી જીવનશૈલીના કારણે દર નવમાંથી એક વ્યક્તિને કેન્સર થવાની સંભાવના છે. કેન્સરના દર્દીઓની સંખ્યા પણ 10 ટકાના દરે વધવાની ભીતિ છે.
કેન્સરનું સૌથી મોટુ કારણ ધ્રુમપાન
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ભારતમાં 40 ટકા કેન્સર ધ્રુમપાનના લીધે થાય છે. ભારતમાં તમાકુનું સેવન કેન્સરનું સૌથી મોટુ કારણ છે. જો લોકો તમાકુથી અંતર જાળવે તો આશરે 10 ટકા લોકોને કેન્સરના જોખમથી બચાવી શકાય.
મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું
મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ સતત વધી રહ્યું છે. 30 વર્ષ બાદ રૂટિન ચેકઅપના અભાવે તેમજ સામાન્ય દુખાવાની અવગણનાના કારણે બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ પામતી મહિલાઓની સંખ્યા પણ વધી છે. જેની પાછળનું કારણ ખરાબ જીવનશૈલી અને આનુવંશિક છે. બ્રેસ્ટ કેન્સરથી બચવા 25 વર્ષની વયથી જ મહિલાઓએ રેગ્યુલર તપાસ કરાવવી જોઈએ.
આ પણ વાંચોઃ બદલાતી લાઈફ સ્ટાઈલ વચ્ચે સુરતમાં કેન્સરના દર્દીની સંખ્યા ૨૨ હજારથી વધુ
કોલોન કેન્સર
આંતરડાંના સૌથી નીચલા હિસ્સાથી માંડી ગુદામાર્ગ સુધી ફેલાતું કેન્સર કોલોન કેન્સર તરીકે ઓળખાય છે. યુવાનોમાં કોલોન કેન્સરનું જોખમ વધ્યું છે. અલહેલ્ધી લાઈફસ્ટાઈલ, મેદસ્વિતા, કસરતનો અભાવ અને આલ્કોહોલના વધુ પડતાં સેવનના કારણે કોલોન કેન્સર થાય છે.
કેન્સરથી બચવાના ઉપાયો
કેન્સરથી બચવા માટે સ્વાસ્થ્યવર્ધક જીવનશૈલી અપનાવવી જોઈએ. ધ્રુમપાન, આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ. મહિલાઓએ 25 વર્ષની વય બાદ નિયમિતપણે પોતાનું ચેકઅપ કરાવવુ જોઈએ. જેથી કેન્સરનું વહેલું નિદાન થાય. પુરૂષોએ પણ દર છ મહિને પોતાનું ફૂલ બોડી ચેકઅપ કરાવવુ જોઈએ. જેથી કેન્સર ઉપરાંત અન્ય બિમારીઓ વિશે જાણકારી મેળવી સારવાર લઈ શકાય. વધુ માહિતી માટે ડોક્ટર કે આરોગ્ય નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.