ઑર્ગન ડોનેશન શા માટે જરૂરી? કેવી રીતે ડોનર કાર્ડ માટે કરી શકાય છે અરજી? જાણો તમામ જવાબ
ઑર્ગન ડોનેશન હાલ ઘણું પ્રચલિત છે
ડોકટર પણ ઑર્ગન ડોનેશનને પ્રોત્સાહન આપતા રહે છે
Organ donation importance: ઑર્ગન ડોનેશનને ઘણી સંસ્થાઓ, હોસ્પિટલો તેમજ ડોકટરો પણ વ્યક્તિગત રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે. ઑર્ગન ડોનેશન એટલે કે અંગદન દ્વારા કોઈ વ્યક્તિનો જીવ પણ બચાવી શકાય છે. ઑર્ગન ડોનેશનના બે પ્રકાર છે. એક તો જીવિત વ્યક્તિ દ્વારા અને બીજું છે વ્યક્તિના મૃત્યુ બાદ કરવામાં આવે તે. જીવિત વ્યક્તિ દ્વારા કરવામાં આવતા ઑર્ગન ડોનેશનમાં વ્યક્તિ જીવતી હોય ત્યારે તેને કિડની કે શરીરના એવા અંગનું દાન કરવામાં આવે છે કે જેથી દાતા જીવિત રહે અને પ્રાપ્ત કરનાર પણ જીવિત રહે. જયારે મૃત્યુ બાદ વ્યક્તિના શરીરમાંથી અંગોનું દાન કરવામાં આવે છે તે માટે પરિવારની પરવાનગી ફરજિયાત છે.
ઑર્ગન ડોનેશન માટે સરકાર દ્વારા જાગૃતતા કાર્યક્રમ
ઑર્ગન ડોનેશન માટે સરકાર દ્વારા લોકોને ઘણા માધ્યમો દ્વારા જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં રાષ્ટ્રીય સ્તર પર નોટો એટલે કે નેશનલ ઑર્ગન ટીશૂ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન કામ કરે છે. જયારે ક્ષેત્રીય સ્તર પર રોટો એટલે કે રિજિયોનલ ઑર્ગન ટીશૂ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન અને રાજ્ય સ્તર પર સોટો એટલે કે સ્ટેટ ઑર્ગન ટીશૂ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન કાર્યરત છે.
ઑર્ગન ડોનેશન શા માટે જરૂરી?
ઑર્ગન ડોનેશનની મદદથી વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. એમાં પણ જો જીવિત વ્યક્તિ દ્વારા ઑર્ગન ડોનેટ કરવામાં આવે છે તો તે તેના સંબંધીઓને જ ઑર્ગન ડોનેટ કરી શકે છે. જયારે મૃત્યુ બાદ કોઈપણ વ્યક્તિ સાથે ઑર્ગન મેચ થાય તો તેવી સ્થિતિમાં જ ઑર્ગન લેવામાં આવે છે. આથી એક વ્યક્તિના મૃત્યુ બાદ તેનું ઑર્ગન અન્યનો જીવ બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે, પછી તે સંબંધી હોય કે નહિ.
કઈ રીતે મેળવી શકાય છે ડોનર કાર્ડ?
ડોનર કાર્ડ મેળવવા માટે તમે ઓનલાઈન માધ્યમથી પણ એપ્લાઇ કરી શકો છો. જેના માટે તમે નોટો કે સોટો વેબસાઈટ વિઝીટ કરી શકો છો. ડોનર કાર્ડ મેળવવા માટે વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે. આ સાથે જ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર પર લિંક હોવો જરૂરી છે. કારણ કે ડોનર કાર્ડ બને તે પહેલા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે અને એ પછી જ ડોનર કાર્ડ બનતું હોય છે. તેમજ 18 વર્ષની ઉંમર પૂરી કરેલો કોઈપણ વ્યક્તિ આ કાર્ડ માટે અરજી કરી શકે છે.