અચાનક કયા કારણે વધવા લાગ્યા કોરોનાના કેસ? વિશેષજ્ઞોએ જણાવ્યા ત્રણ કારણો, તમારે જાણવા જરૂરી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
અચાનક કયા કારણે વધવા લાગ્યા કોરોનાના કેસ? વિશેષજ્ઞોએ જણાવ્યા ત્રણ કારણો, તમારે જાણવા જરૂરી 1 - image


Covid -19: વિશ્વના કેટલાક દેશો હાલમાં કોરોનાના નવા વેરિયન્ટ FLiRTનો શિકાર બની રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકા, સિંગાપોર અને ભારતમાં છેલ્લા એક મહિનામાં અચાનક સંક્રમણના કેસોમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલમાં સિંગાપોરમાં આ નવા વેરિયન્ટના સૌથી વધુ સંક્રમિત લોકોની ઓળખ કરવામાં આવી છે. ભારતમાં પણ ઘણા રાજ્યોને કોરોનાના વધતા ખતરાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે  છે.

નવો વેરિયન્ટ સરળતાથી શરીરમાં પ્રવેશીને ચેપ વધારી શકે છે

કોરોનાના આ નવા વેરિયન્ટ અંગેનો અભ્યાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે નવા વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં કેટલાક એવા મ્યુટેશન સામે આવ્યા છે જે સરળતાથી શરીરમાં પ્રવેશીને ચેપ વધારી શકે છે. નોંધનીય છે કે, આ વર્ષની શરૂઆતથી જ સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ સ્થિર રહ્યા હતા, અને તેવામાં પ્રશ્ન એ થાય કે સંક્રમણમાં અચાનક વધારો કેમ થવા લાગ્યો?

15 દિવસમાં 90 ટકા સુધી વધ્યા કેસ 

સિંગાપોરના આરોગ્ય મંત્રાલય (MOH) દ્વારા 5 થી 11 મેના અઠવાડિયાના નોંધાયેલા કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 25,900 થી વધુ હતી, જે પાછલા અઠવાડિયાના 13,700 કેસો કરતા 90% વધારે છે. મોટાભાગના કિસ્સાઓમાં FLiRT (ફિલાર્ટ) વેરિયન્ટ (KP.2) મુખ્ય કારણ માનવામાં આવે છે. ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન સિંગાપોરમાં સંક્રમિત લોકોની સંખ્યા એકદમ સ્થિર હતી, તો પછી અચાનક આ આ નવો વેરિયન્ટ કેવી રીતે વધવા લાગ્યો?

શું કહે છે રોગચાળાના નિષ્ણાતો?

ન્યુયોર્કની યુનિવર્સિટી ઓફ બફેલોમાં સંક્રમણ રોગો વિશેના નિષ્ણાત થોમસ એ. રુસોએ કહ્યું, કે કોરોનાના કેસોમાં અચાનક વધારો થવા પાછળ ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે. સૌથી અગત્યનું કારણ એ છે કે, વાયરસ તેમના અસ્તિત્વ જાળવી રાખવા માટે સતત પરિવર્તનશીલ રહે છે. તેમા માત્ર કોરોના જ નહીં, આ દરેક પ્રકારના વાયરસમાં થનારી પ્રક્રિયા છે. કોરોનાનું મૂળ સ્વરૂપ પણ સતત બદલાતું રહે છે. નવા વેરિઅન્ટ ફિલાર્ટ પણ ઓમિક્રોનનું અપડેટેડ સ્વરૂપ છે, પરિવર્તનને કારણે તેના સ્પાઇક પ્રોટીનમાં કેટલાક ફેરફારો જોવા મળી રહ્યા છે, જે તેના સ્વરૂપને બદલી રહ્યા છે.


Google NewsGoogle News