જો તમારા શરીરમાં આવી કોઈ સમસ્યાઓ જોવા મળે તો ચેતી જજો, હોય શકે છે વિટામીન B12ની ઉણપ
આજકાલની લાઇફસ્ટાઇલમાં લોકોની ખાણીપીણીના કારણે શરીરમાં ઘણા વિટામીન અને પોષકતત્વોની ઉણપ જોવા મળતી હોય છે
જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ સર્જાતી જોવા મળે છે
વર્તમાન સમયમાં લોકોની લાઇફસ્ટાઇલમાં ઘણું પરિવર્તન આવ્યું છે ત્યારે તેમની જીવન જીવવાની શૈલી અને ખાણીપીણીના કારણે શરીરમાં જરુરી વિટામીન અને પોષકતત્વોની ઉણપ થતી જોવા મળે છે. શરીરની ચયાપચયની ક્રિયાથી લઈને DNA સિન્થેસિસ તેમજ રેડ બ્લડ સેલ માટે વિટામીન B12 જરૂરી છે. વિટામિન B12 ની ઉણપ ઘણી તકલીફોનું કારણ બની શકે છે. નર્વ સિસ્ટમને સ્વસ્થ રાખવા માટે વિટામિન B12 ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં વિટામિન B12 ની ઉણપ છે, તો તમારે તેની ઉણપથી થતા રોગો અને તેના લક્ષણો વિશે જાણવું જ જોઈએ.
હાયપરપીગમેન્ટેશન
હાઈપરપીગ્મેન્ટેશનમાં, ચામડી પર ફોલ્લીઓ, ચક્કા અથવા ત્વચાનો રંગ ઘાટો થઈ જાય છે. આ ડાર્ક પેચ તમારા ચહેરા અથવા શરીરના કોઈપણ ભાગ પર થઈ શકે છે. ત્વચામાં મેલેનિન પિગમેન્ટેશનની વધુ માત્રા બનવા લાગે ત્યારે આ સમસ્યા સર્જાય છે. વધતી જતી ઉંમરના કારણે અથવા જેઓ લાંબા સમય સુધી તડકામાં રહે છે તે લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. શરીરના કોઈપણ ભાગ પર બ્રાઉન કે કાળા ડાઘ થઇ શકે છે.
પાંડુરોગ
પાંડુરોગ જેને સફેદ દાગ પણ કહેવામાં આવે છે. જે હાયપરપીગ્મેન્ટેશનની સમસ્યા કરતા વિરુદ્ધ છે. આમાં શરીરમાં મેલેનિનની ઉણપ સર્જાતી હોય છે. જેના પરિણામે સફેદ દાગ થાય છે. પાંડુરોગની સમસ્યા સામાન્ય રીતે શરીરના એવા ભાગો પર થાય છે જે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા હોય છે. ચહેરા, હાથ, પગ અને ગરદનને પર તેની અસર વધુ જોવા મળે છે.
એન્ગ્યુલર ચેઇલિટિસ
આ રોગમાં મોઢાના ખૂણે લાલાશ અને સોજો આવી જાય છે. ડોકટરોના જણાવ્યા મુજબ, એન્ગ્યુલર ચેઇલીટીસના કિસ્સામાં, લાલાશ અને સોજો પહેલા થાય છે. જયારે ગંભીર કિસ્સાઓમાં ચેકામાં પીડા, ક્રસ્ટિંગ, ઓજીંગ અને લોહી નીકળવાની સમસ્યા પણ થાય છે.
વાળ ખરવાની સમસ્યા
તંદુરસ્ત વાળ માટે, શરીરમાં વિટામિન B12 ની પૂરતી માત્રા હોવી જરૂરી છે. વિટામિન B12 ની ઉણપના કારણે વાળ ખરવાની સમસ્યા સર્જાય છે. આવી સ્થિતિમાં, જો વાળ ખરવાની સમસ્યા તીવ્ર જણાય તો શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોઈ શકે છે.
અન્ય લક્ષણો
વિટામિન B12 ની ઉણપને લીધે, ઘણા લોકોને સ્કીનનો કલર ડલ થવો, જીભનો રંગ પીળો કે લાલ થઈ જવો, મોઢામાં ચાંદા પડવા, નબળી દૃષ્ટિ, ચીડિયાપણું, ડિપ્રેશન વગેરે જેવી અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
વિટામિન B12 ની ઉણપ આ વસ્તુઓથી પૂરી કરી શકાય છે
વિટામિન B12 ની વધુ પડતી ઉણપના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વિટામિન B12 ના સપ્લીમેન્ટ્સ લઇ શકાય છે. આ સિવાય જો તમે નોન-વેજ ખાઓ છો તો તમે માછલી, ઈંડા, માંસ, શેલફિશથી વિટામિન B12 ની ઉણપ પૂરી કરી શકો છો. આ ઉપરાંત શાકાહારી લોકો દૂધ, દહીં, પનીર કે ચીઝ ખાઈ શકે છે. આ પ્રકારનો ખોરાક ખાવાથી તમને કુદરતી રીતે વિટામિન B12 મળી રહેશે.