આ વનસ્પતિ ગુજરાતના જંગલોમાંથી લૂપ્ત થતી જાય છે
આ વૃક્ષ હિમ,અતિ ઠંડી અને ગરમી વાળા વિષમ હવામાનને પણ સહન કરી શકે છે
દક્ષિણ ગુજરાતમાં તાપી નદીના સૂકા ભેજવાળા જંગલોમાં પુષ્કળ થતી હતી
ગુજરાતમાં ઔષધિય વૃક્ષો અને છોડ લૂપ્ત થતા જાય છે તેમાં ગેંગડા નામની વનસ્પતિનો પણ સમાવેશ થાય છે.મીંઢળ અને કદમને મળતી આવતી આ વનસ્પતિ એક સમયે દક્ષિણ ગુજરાતમાં તાપી નદીના સૂકા ભેજવાળા જંગલોમાં વિશેષ જોવા મળતી હતી.જે આજે કયાંક છુટીછવાઇ ઉગેલી જોવા મળે છે.આવા અમૂલ્ય વૃક્ષના આયુર્વેદિય ગુણોને અવગણવામાં આવવાથી વિલૂપ્ત થવાના આરે છે.ગેંગડા વૃક્ષનું કાચું લીલ્ંાુ ફળ ઠળિયા વિનાનું,સુવાળી છાલવાળુ ને લાંબુ અંડાકાર હોય છે. ફળનો સફેદ સ્વાદ વગરનો હોય છે.આ વૃક્ષને ફળ ફૂલ એપ્રિલથી સપ્ટેમ્બર માસ દરમિયાન ફળ આવે છે.
ગેંગડા વનસ્પતિના મૂળમાંથી તેના થડથી તદ્ન સ્વતંત્ર રીતે નવો ફણગો ફૂટતો હોય છે.વનસ્પતિશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર રુબિયાસીસ કૂળના આ વૃક્ષની ઉંચાઇ ૭.૫ મીટર અને તેનો ઘેરાવો ૧.૨ મીટર હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગેંગડા વૃક્ષ પર આર્યુવેદિય શોધ સંશોધનો થયા ન હોવાથી તેનું વાનસ્પતિક અસ્તિત્વ ભૂંસાતું જાય છે.આ વૃક્ષ હિમ,અતિશય ઠંડી કે અનાવૃષ્ટીને પણ સહન કરી શકે છે.આથી વિપરીત સંજોગોનો સામનો કરીને પણ વૃધ્ધિ અને વિકાસ થાય છે.ગેૅગડાનો ઉપયોગ આર્યુવેદ અને યુનાની ઉપચારમાં થાય છે.
આર્યુવેદમાં ગેંગડાનું ફળ કફ તથા શરીરના આંતરીક અંગોમાંથી ઝેરી પદાર્થો દૂર કરનારુ માનવામાં આવે છે.પુખ્ત રોગી કે બાળ રોગી માટે ઉત્તમ પિતનાશક છે.મુત્રત્યાગ એટલે કે પેશાબની તકલીફમાં અકસિર ઇલાજ છે.નવાઇની વાત તો એ છે કે ગેંગડાનું કાચું ફળ સ્વાદ વગરનું મોળું હોવા છતાં તેનું એકલું શાક તથા અન્ય મિશ્રીત શાક સાથે સ્વાદિષ્ટ લાગે છે.આ ઉપરાંત કાચા બાફેલા ફળની કઢી અને રાઇતું પણ બનાવી શકાય છે.ગેંગડાનું ફળ લાંબા સમય સુધી બગડતું ન હોવાથી તેનો ઉપયોગ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં આહાર તરીકે ઉપયોગી થઇ શકે છે.આ વૃક્ષના પાનનો ઉકાળો શિયાળાની ઋતુમાં તંદુરસ્તી માટે લઇ શકાય છે.ગેંગડાના પાનનો ઉપયોગ ઢોર ઢાંખરના ચારા તરીકે પણ થઇ શકે છે.