પેકેટમાં બંધ ફૂડ ખાતાં લોકો ચેતજો! ICMRએ ખાંડ અને મીઠાને લઈને આપી ગાઈડલાઇન

Updated: May 30th, 2024


Google NewsGoogle News
પેકેટમાં બંધ ફૂડ ખાતાં લોકો ચેતજો! ICMRએ ખાંડ અને મીઠાને લઈને આપી ગાઈડલાઇન 1 - image


ICMR New Guidelines: જો તમે પણ પેકેજડ ફૂડ ખાઓ છો તો સવ્ધાર થઈ જજો. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ અને મીઠું વધારે પ્રમાણમાં હોય છે આથી તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. નિષ્ણાત સમિતિએ કહ્યું છે કે લોકોએ ખાંડ, ફેટ અને મીઠું વધુ હોય તેવા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તેમજ પેક્ડ ફૂડમાં ખાંડની માત્રા નક્કી કરવી જોઈએ.

નિષ્ણાત સમિતિએ કર્યું સૂચન 

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN)ની નિષ્ણાત સમિતિએ સૂચન કર્યું છે કે પેક્ડ ફૂડ અને બેવરેજિસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવામાં આવે. વધારે ખાંડ, ફેટ અને મીઠું ધરાવતા ખોરાક ટાળવો જોઈએ. તેના નિયમિત સેવનથી ડાયાબિટીસ, હાયપરટેન્શન, હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. 

ઘણા લોકો કેલરીથી ભરપૂર અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું પસંદ કરે છે, આવા ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે અને ખાંડનું પ્રમાણ જરૂરી કરતાં વધુ હોય છે. વધુ તળેલા ઉત્પાદનો પણ ટાળવા જોઈએ. 

વધુ ખાંડ ધરાવતી ખાદ્ય વસ્તુઓ ન ખાવી જોઈએ 

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPF)માં સામાન્ય રીતે ખાંડ અને મીઠું વધુ માત્રામાં હોય છે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું હતું કે જામ, ફ્રૂટ પલ્પ, કાર્બોનેટેડ પીણાં, હેલ્થ ડ્રિંક્સ સહિત આવી ખાદ્ય ચીજોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. વધારે ફેટ, ખાંડ અને મીઠું ધરાવતી ખાદ્ય વસ્તુઓ ઘરમાં પણ ન લેવી જોઈએ.

પેક્ડ ફૂડમાં ખાંડનું પ્રમાણ નિશ્ચિત હોવું જોઈએ

પેકેજ્ડ ફૂડમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવું જોઈએ. જેમાં ઠંડા પીણાં, પેકેજ્ડ જ્યુસ, કૂકીઝ, કેક, હેલ્થ ડ્રિંક્સ જેવા ખાદ્ય પદાર્થોમાં ખાંડની માત્રાની મર્યાદા નક્કી કરવાની ભલામણ કરવામાં આવી છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસ, ફેટી લિવર, બ્લડપ્રેશર જેવી બીમારીઓથી બચી શકાય છે.

વધારે ખાંડ, ફેટ અને મીઠું ધરાવતા ખાદ્ય પદાર્થ ખાવાનું ટાળો 

વધુ પ્રમાણમાં લોકો હાલ ફેટી લીવરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જ્યારે લીવરમાં વધુ પડતી ચરબી જમા થઈ જાય છે ત્યારે આ સમસ્યા સર્જાય છે. આથી વધારે તેલ, મીઠું અને ખાંડ ધરાવતા પેકેટ ફૂડ ટાળવા જોઈએ. 

બાળકોમાં પેકેટ ફૂડની આદત સમસ્યા બની રહી છે. ફેટ, ખાંડ અને મીઠું વધારે હોય તેવા ખોરાકનું સેવન કરવાથી વજન વધવું, હૃદયરોગ, ચામડીના રોગો, ડાયાબિટીસ, કિડની અને લીવર સહિત અનેક રોગો થઈ શકે છે. 

ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ બને તેટલો તાજો ખોરાક લેવો જોઈએ. પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ ઘટાડવું જોઈએ. તમારા આહારમાં બાજરી, કઠોળ, તાજા ફળો અને તાજા શાકભાજીનો ઉપયોગ વધારવો પડશે.

પેકેટમાં બંધ ફૂડ ખાતાં લોકો ચેતજો! ICMRએ ખાંડ અને મીઠાને લઈને આપી ગાઈડલાઇન 2 - image


Google NewsGoogle News