ભારતીયોની ઊંઘ હરામ, 57% ભારતીય કોર્પોરેટ્સમાં વિટામિન બી-12ની ખામી, સરવેના તારણ
World Sleep Day 2025: આજના સમયમાં મોટાભાગના લોકોની એક જ ફરિયાદ છે, પૂરતી ઊંઘ જ મળતી નથી. આવી સ્થિતિ 59 ટકા ભારતીયોની છે. આટલા ભારતીયોને રોજની સળંગ છ કલાકની ઊંઘ પણ માંડ મળે છે. તેના પરિણામે બ્લડ પ્રેશર, હાઇપર ટેન્શન અને અનિંદ્રાની બીમારીમાં નોંધપાત્ર વધારો થયો છે. દર વર્ષે 21 માર્ચના રોજ વર્લ્ડ સ્લીપ ડે મનાવાય છે અને આ વર્ષે ઘૂળેટીના દિવસે 14 માર્ચ તેની ઉજવણી થઈ.
લગભગ 57 ટકા ભારતીય કોર્પોરેટ્સમાં વિટામિન બી-12ની ખામી
દેશના કુલ 348 જિલ્લામાં 61 ટકા પુરુષ અને 39 ટકા મહિલાઓ સહિત 43 હજાર લોકોને આ સરવેમાં નિંદ્રા અંગેના સવાલ પૂછવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે વીતેલા વર્ષમાં તમે કેટલી રાત પૂરેપૂરું ઊંધ્યા. તેમા 15685 લોકોએ આ સવાલનો જવાબ આપ્યો. તેમા બઘુ થઈને 59 ટકા લોકો એવા મળ્યા જેમણે જણાવ્યું હતું કે અમને છ કલાકની ઊંઘ પણ માંડ-માંડ મળે છે.
સરવેમાં મોટાભાગના લોકોએ જણાવ્યું કે ઊંઘ પૂરી ન થવાનું કારણ અડધી રાતે વોશરૂમ જવું પડે છે તે છે, 72 ટકા લોકોએ આ કારણ જણાવ્યું છે. અન્ય કારણોમાં અનિયમિત દિનચર્યા, શોરબકોર, મચ્છરોથી હેરાનગતિ તેમજ સાથી કે બાળકોના કારણે ઊંઘ તૂટવી તે મુખ્ય કારણ છે. અપૂરતી ઊંઘ કેટલાય રોગને આમંત્રણ આપે છે. તેનાથી ફક્ત થાક અને ડાર્ક સર્કલ્સ જ થતાં નથી, પરંતુ તેની ગંભીર અને દીર્ઘકાલીન અસર થાય છે. અપૂરતી ઊંઘના કારણે કર્મચારીની કાર્યક્ષમતા પર પણ અસર પડી રહી છે.
ઊંઘ ઓછી હોય તેમ બીજું તારણ એવું પણ આવ્યું છે કે લગભગ 57 ટકા પુરુષ ભારતીય કોર્પોરેટ્સ વિટામિન બી-12ની ખામીથી પીડાય છે. મુખ્યત્વે આ શાકાહારીઓને વધારે લાગુ પડે છે. વિટામિન બી-12 શરીરમાં ઊર્જા અને મગજની પ્રવૃત્તિ માટે મહત્ત્વનું પોષક તત્ત્વ છે. આ અભ્યાસમાં 4,400 વ્યક્તિઓને આવરી લેવાયા હતા. તેમા 3,338 પુરુષો અને 1,059 મહિલા કોર્પોરેટ કર્મચારી હતા. મહિલાઓમાં પણ આ પ્રમાણ 57 ટકા સુધીનું જોવા મળ્યું છે. આથી દર વર્ષે વિટામિન બી-12નો ટેસ્ટ કરાવવો જરૂરી છે. કોર્પોરેટ પ્રોફેશનલ્સ તેમના અત્યંત વ્યસ્ત શેડ્યુલ, ઊંચા સ્ટ્રેસ લેવલ તથા ખાવાની અયોગ્ય ટેવોના પગલે કેટલીય વખત પૂરતા પોષણવાળો આહાર લેતા નથી.
ડાયેટિશિયનનું કહેવું છે કે વિટામિન બી-12 એનિમલ પ્રોડક્ટ્સમાંથી મળે છે અને તેથી મોટાભાગના શાકાહારીઓમાં આ વિટામિનની ઉણપ જોવા મળે છે. આ ઉપરાંત વઘુ પડતું પ્રોસેસ્ડ કરેલું ફૂડ, આલ્કોહોલ અને વઘુ પડતા કેફિનના કારણે વિટામિન બી-12ની શરીરમાં શોષાવવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. તેની ખામીના લીધે શરીરમાં થાક લાગે છે.