સ્વાસ્થ્ય જોખમાવતા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો પર હોવો જોઈએ ભારે ટેક્સ? USમાં ભયંકર દુષ્પરિણામ
Ultra-processed foods : વર્ષ 2025 માટેનું કેન્દ્રીય બજેટ શનિવારે રજૂ કરાયું હતું, જેમાં આર્થિક સર્વેના એક મહત્ત્વપૂર્ણ સૂચનની અવગણના કરવામાં આવી હતી. સૂચન હતું, ભારતના નાગરિકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવા માટે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો પર ‘સિન ટેક્સ’ લગાવવાનું.
શું છે ‘સિન ટેક્સ’?
‘સિન ટેક્સ’ એક એક્સાઈઝ ટેક્સ છે, જે માણસો માટે હાનિકારક માનવામાં આવતી વસ્તુઓ, જેમ કે દારૂ, ડ્રગ્સ, તમાકુ, ગુટખા, પાન મસાલા, સિગરેટ, બીડી, જુગાર અને સોફ્ટ ડ્રિંક્સ સહિત તમામ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો પર લાદવામાં આવે છે. અંગ્રેજી શબ્દ ‘સિન’નો અર્થ ‘પાપ’ થાય છે, તેથી ‘સિન ટેક્સ’ને સાદી ભાષામાં ‘પાપ કર’ કહેવામાં આવે છે. લોકો આવા હાનિકારક પદાર્થોના સેવનથી દૂર રહે, એ માટે આ કરને 'પાપ કર' કહેવામાં આવે છે. તેને સમ્પ્ચ્યુરી ટેક્સ (sumptuary tax) અથવા વાઈસ ટેક્સ (vice tax) તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતમાં ‘સિન ટેક્સ’ લાગે છે?
જવાબ છે- હા. ભારતમાં સિન ટેક્સ લાગે તો છે, પણ બધી વસ્તુઓ પર નહીં. નશાકારક પદાર્થો પર ભારત સરકાર 'સિન ટેક્સ' તરીકે 28 ટકા GST વસૂલે છે. ઉદાહરણ તરીકે, હાલમાં સિગરેટ પર 52.7 ટકા, ધૂમ્રપાન રહિત તમાકુ પર 63 ટકા અને બીડી પર 22 ટકા કર વસૂલવામાં આવે છે. જોકે, ‘પાપ કર’ના દાયરામાંથી સ્વાસ્થ્યને હદઉપરાંત નુકશાન કરતા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો બાદ રહી જાય છે.
પાપ કર વધારવાની જરૂર છે
ભારતના નાગરિકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવા માટે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો પર ‘સિન ટેક્સ’ લગાવવાનું અને નશાકારક પદાર્થો પર હાલમાં જે ટેક્સ લાગે છે એને વધારવાના સૂચનો બજેટ પહેલાં મૂકવામાં આવ્યા હતા, પણ બંનેમાંથી એકનો પણ અમલ કરવામાં આવ્યો નથી.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો એટલે શું?
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો એટલે એવા પદાર્થો જેના રૂપ, રંગ, સુગંધ અને શેલ્ફલાઈફ વધારવા માટે તેમના પર ઔદ્યોગિક કારખાનાઓમાં પ્રોસેસ કરવામાં આવે છે. આવા પદાર્થોમાં પ્રિઝર્વેટિવ્સ, સ્વીટનર્સ, ઈમલ્સિફાયર, સિન્થેટીક કલર અને ફ્લેવરિંગ એજન્ટોના ભારે ડોઝ ઉમેરવામાં આવે છે, જે લાંબે ગાળે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે. ઘણા પદાર્થો તો એમાં ઉમેરાતા નુકશાનકારક તત્વોને લીધે ખાનારને માટે વ્યસન જેવા થઈ જાય છે.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો આવી બિમારીઓ નોંતરે છે
ઉપર જણાવ્યા એવા ઉમેરણો સ્થૂળતા, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ લાવે છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં વિક્ષેપ સર્જે છે, હૃદય સંબંધિત સમસ્યાઓ પેદા કરે છે. એને લીધે કેન્સર અને ન્યુરોલોજીકલ રોગ પણ થાય છે. આ તો ફક્ત મોટી બિમારીઓ ગણાવી, બાકી ઉમેરણોને લીધે માનવ સ્વાસ્થ્યને થતા નાના-નાના નુકસાનની યાદી તો ઘણી લાંબી છે.
આ દેશ વેઠી રહ્યો છે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોના દુષ્પરિણામ
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો અમેરિકામાં જીવનશૈલીનો એક ભાગ બની ગયા છે, જેને લીધે ત્યાંના લોકોનું સ્વાસ્થ્ય ભયંકર હદે કથળ્યું છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોને લીધે ઉપર જણાવી તે બિમારીઓ ઉપરાંત અમેરિકનોના પાચન તંત્ર બગડી ગયા છે. એક સર્વે મુજબ અમેરિકામાં ખવાતા ખોરાકમાંથી 60 થી 90 ટકા ખોરાક અલ્ટ્રા પ્રોસેસ્ડ હોય છે. અન્ય બિમારીઓ ઉપરાંત અમેરિકાના બાળકોમાં પણ સ્થૂળતાનો દર ખૂબ વધારે છે.
લાલબત્તી સમાન છે અમેરિકાનો કેસ
જાણીને નવાઈ લાગે એવી હકીકત છે કે, અલ્ટ્રા-પ્રોસેસ્ડ પદાર્થોના વધુ વપરાશને લીધે થતાં રોગોને કારણે અમેરિકામાં દરરોજ લગભગ 1,600 લોકો મોતને ભેટે છે. આ જ કારણસર હવે અમેરિકામાં અને વિશ્વના અન્ય દેશોમાં પણ ખોરાકના અલ્ટ્રા-પ્રોસેસિંગને રોકવા માટેની ચળવળ શરૂ થઈ છે. પરિસ્થિતિની ગંભીરતા પારખીને ફ્રાન્સ, હંગેરી, ડેનમાર્ક અને ફિનલેન્ડ જેવા ઘણા યુરોપિયન દેશોએ સોફ્ટ ડ્રિંક્સ સહિત તમામ પ્રકારના અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ પર ભારે ટેક્સ લગાવવાનું શરૂ કર્યું છે, જેથી લોકો પ્રમાણમાં સસ્તા વિકલ્પ એવા ઓર્ગેનિક ફૂડ તરફ વળે અને સ્વાસ્થ્યને થતાં નુકશાનથી બચે.
ભારતમાં વધી રહ્યું છે જોખમ
છેલ્લા થોડા વર્ષોથી ભારતીયોની ખરીદશક્તિમાં વધારો થયો છે, જેને લીધે લોકો ખાણીપીણી પર વધુ રૂપિયા ખર્ચતા થયા છે. શહેરોમાં તો અગાઉ પણ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો ખવાતા જ હતા, પણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ એનું પ્રમાણ વધી ગયું છે. ભારતીય આહારમાં વર્ષ 2011 થી 2021 ની વચ્ચે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોનો વિકાસ દર 13.7 ટકા હતો. ભારતના શહેરીજનો તેમના ખોરાક પરનો કુલ ખર્ચમાંથી 10.6 ટકા ખર્ચ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકની ખરીદી પર કરે છે, જ્યારે કે ગ્રામીણ ભારતમાં આ ટકાવારી 9.6 ટકા છે. ચિંતાજનક બાબત એ છે કે, આ પ્રમાણ સતત વધતું જાય છે, જેને લીધે આવા નુકશાનકારક પદાર્થો પર ભારે ‘સિન ટેક્સ’ નાંખવાનું સૂચન વાજબી લાગે છે.
સ્વાસ્થ્ય ઉપરાંત આ નુકશાન પણ થાય છે
ફેક્ટરીઓમાં યુદ્ધને ધોરણે તૈયાર થતાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો ફક્ત નાગરિકોના સ્વાસ્થ્યને જ નુકશાન નથી પહોંચાડતા, એને લીધે સ્થાનિક ખાદ્ય અર્થતંત્ર પર પણ પ્રતિકૂળ અસર થાય છે. કોર્પોરેટાઈઝ્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં નાણાં ખર્ચાઈ જતાં એનું સીધું નુકશાન સ્થાનિક ખાદ્ય વિક્રેતાઓ અને ઉત્પાદકોને થાય છે. ઉદાહરણ તરીકે, તમે સ્વાસ્થ્યવર્ધક શેરડીના રસ કે નારિયેળ પાણીને બદલે નુકશાનકારક સોફ્ટ ડ્રિંક પી લેશો, તો એનું નુકશાન તમને અને સ્થાનિક ખાદ્ય વિક્રેતા બંનેને થશે. આમ સ્થાનિક ખાદ્ય અર્થતંત્રને નબળું ન પાડવા માટે પણ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનો ત્યાગ કરવો જરૂરી છે.
ભારતમાં વકરી રહ્યો છે ડાયાબિટીસ
ડાયાબિટીસ એક એવી સમસ્યા છે, જે ભારતમાં ખૂબ ઝડપથી વકરી રહી છે. ભાગ્યેજ કોઈ એવું ઘર હશે જેમાં આ રોગનો કમસેકમ એક દર્દી નહીં હોય. બાળકોમાં પણ હવે ડાયાબિટીસના કેસ વધવા લાગ્યા છે. ડાયાબિટીસને ખોરાક સાથે સીધો સંબંધ છે અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો દેશમાં હવે ફેશન સ્ટેટમેન્ટ બની રહ્યા છે, તેથી ભારતીયોએ આ બાબતે ચેતી જવાની જરૂર છે.
સરકાર શું કરી શકે?
ભારતીયોની ખાદ્ય-શૈલીમાં હકારાત્મક બદલાવ આવે અને લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઓછામાં ઓછી થાય એ માટે સરકાર નીચે મુજબના પગલાં લઈ શકે છે.
- સરકારે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો પર ભારે ‘સિને ટેક્સ’ લગાવવો જોઈએ.
- ઉત્પાદકોને ખોરાકમાં ઈમલ્સિફાયર, પ્રિઝર્વેટિવ્સ, સ્વીટનર્સ, સિન્થેટિક રંગો અને ફ્લેવરિંગ પદાર્થો જેવા હાનિકારક ઉમેરણોનો ઉપયોગ ન કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
- કુદરતી અને રાસાયણિક મુક્ત ખાદ્ય ઉત્પાદકોને ટેક્સમાંથી દૂર કરવા જોઈએ.
આપણે શું કરવું જોઈએ?
આ મુદ્દે સરકાર તો ‘સિન ટેક્સ’ જેવા પગલાં લેશે ત્યારે લેશે, પણ આપણે પોતે જ કામચલાઉ સ્વાદાનંદ આપતા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને આપણા જીવનમાં અને ઘરમાં પ્રવેશતો અટકાવીએ, અને ઓર્ગેનિક ફૂડ તરફ વળીએ, એ ઈચ્છનીય છે.