એકલા રહેતા લોકો કરતા કપલમાં ભૂલી જવાની બીમારી વધુ, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
Health News: જ્યારે બે લોકો લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે એકબીજાને સુખ દુઃખમાં સાથ આપવાના વચનો આપતા હોય છે. અત્યાર સુધી પરણિત લોકોને સિંગલ લોકો કરતા વધુ સ્વસ્થ માનવામાં આવતા હતા. જોકે હવે એક અભ્યાસમાં દાવો કરાયો છે કે, પરણિત કપલમાં સિંગલ લોકોની સરખામણીએ ડિમેંશિયાની બીમારીની જાણકારી વહેલા મળી જાય છે.
પરિણિત કે કપલમાં ડિમેંશિયાનું જોખમ વધુ
અલ્ઝાઈમર અસોસિએશનના અલ્ઝાઇમર એન્ડ ડિમેંશિયા જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં જણાવાયું છે કે, જે લોકો સિંગલ, છૂટાછેડા લીધેલા કે પછી વિધવા અથવા વિધુર જીવન જીવતા હોય છે તેમનામાં ડિમેંશિયાનું જોખમ 50 ટકા ઓછુ નોંધાય છે. જ્યારે તેની સરખામણીએ પરણિત લોકોમાં આ બીમારીનું જોખમ વધુ નોંધાય છે. આ અભ્યાસ આશરે 25 હજાર લોકો પર હાથ ધરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદનો ચોંકાવનારો મામલો, ઈજાગ્રસ્ત કારીગરને મૃત માની કપચીના ઢગલામાં દાટી દેતાં મોત
ડિમેંશિયા મગજ સાથે જોડાયેલી બીમારી છે, જેમાં યાદશક્તી ઘટી જાય છે. કેટલાંક કેસોમાં ઘરનો રસ્તો પણ યાદ નથી રહેતો. ભ્રમ પેદા થવાનું પ્રમાણ વધી જાય છે. નિર્ણય લેવાની ક્ષમતા પણ ઘટી જાય છે. ભારતમાં 40 લાખથી વધુ લોકો આ બીમારીથી પીડિત છે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી કોલેજ ઑફ મેડિસિનના સંશોધનકર્તાઓના દાવા મુજબ પરણિત કપલ્સમાં ડિમેંશિયાની બીમારી વધુ એટલા માટે પણ જોવા મળે છે કેમ કે પરણિત લોકોમાં પાર્ટનર એકબીજાને લઈને સતર્ક રહેતા હોય છે સાથે જ નિયમિત સ્વાસ્થ્યની ચકાસણી કરતા હોય છે. જ્યારે સિંગલ લોકો સ્વાસ્થ્યની નિયમિત ચકાસણી કરવામાં મોડુ કરી નાખતા હોય છે. સામાન્ય રીતે ભૂલવાની બીમારી, કન્ફ્યૂઝન, મૂડ સ્વિંગ્સ વગેરેથી જે લોકો પીડિત છે તેમને ખુદ તેનો ખ્યાલ નથી આવતો, આ પ્રકારની બીમારીના લક્ષણો અન્ય કોઈ બીજી વ્યક્તિ જ ધ્યાન પર લેતી હોય છે.