Get The App

લિવર ટ્રાન્સપ્લાન્ટના 50% જેટલા કેસ માટે ખરાબ જીવનશૈલી જવાબદાર, 5 વર્ષમાં બીમારીમાં 30%નો વધારો

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
લિવર ટ્રાન્સપ્લાન્ટના 50% જેટલા કેસ માટે ખરાબ જીવનશૈલી જવાબદાર, 5 વર્ષમાં બીમારીમાં 30%નો વધારો 1 - image


World Liver Day: લિવર આપણા શરીરનું પાવરહાઉસ છે. ખોરાકને પચાવવાનું અને એમાંથી વિટામિન્સ, મિનરલ્સને શોષીને શરીરને આપવાનું કામ લિવરનું છે. જ્યારે કોઈ ઝેરી પદાર્થ શરીરમાં પહોંચે છે, ત્યારે એ લિવર દ્વારા ડિટોંક્સ થાય છે. આમ છતાં લિવરની કાળજી રાખવામાં બેદરકારી દાખવવામાં આવતી હોય છે. આ જ કારણ છે કે લિવર ટ્રાન્સપ્લાન્ટના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ચિંતાની બાબત એ પણ છે કે, લિવર ટ્રાન્સપ્લાન્ટના 50 ટકા કેસમાં ખરાબ જીવનશૈલી જવાબદાર હોય છે. દર વર્ષે 19મી એપ્રિલની ઉજવણી ‘વર્લ્ડ લિવર ડે તરીકે કરવામાં આવે છે. લિવર ટ્રાન્સપ્લાન્ટના અનેક દર્દીઓમાં મેટાબોલિક ડિફંક્શન એસોસિયેટેડ સ્ટીટોહેપેટાઇટિસ(મેશ) જોવા મળે છે. 

મેદસ્વિતા ધરાવતી વ્યક્તિમાં મેશ જવાબદાર હોય 

ગુજરાતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટના 60 ટકા કેસમાં મેશને કારણે લિવર ખરાબ થયેલું હોય છે. મેદસ્વિતા ધરાવતી વ્યક્તિમાં મેશ જવાબદાર હોય છે. ખાસ કરીને કોવિડ બાદ મેદસ્વિતાને કારણે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડ્યું હોય તેવા કેસમાં વધારો નોંધાયો છે. લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે મેશ ઉપરાંત વધુ પડતો દારૂ પીવો, હિપેટાઇટિસ ઈન્ફેક્શન જવાબદાર હોય છે. છેલ્લા કેટલાક વર્ષની સરખામણીએ ગુજરાતમાં લિવરની બીમારીના કેસમાં 30 ટકાનો વધારો થયો છે. 

આ પણ વાંચો: ગોંડલમાં પદ્મિની બા અને તેમના બે પુત્રો સહિત 5 સામે FIR, વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યાનો આરોપ

લિવરની બીમારીમાં મુખ્યત્ત્વે ફેટ્ટી લિવરના દર્દીઓ હવે ચિંતાજનક રીતે વધ્યા છે. ગુજરાતમાં હાલ 10માંથી 4 વ્યક્તિ ફેટી લિવરની સમસ્યા ધરાવે છે. લિવર પર પર ચરબી જમા થવા લાગે તેને ફેટી લિવર કહેવામાં આવે છે. તબીબોના મતે જે વ્યક્તિનું બોડી માસ ઈન્ડેક્સ 30થી વધુ હોય તેને ફેટી લિવરનું જોખમ રહે છે. વારંવાર પેટમાં દુઃખાવો, એસીડીટી, ગેસની સમસ્યા હોય તેણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સોનોગ્રાફી ટેસ્ટ કરાવીને ફેટી લિવરનું નિદાન થઇ શકે છે. કસરતનો અભાવ, જંકફૂડના અતિરેક, આઉટડોર સ્પોર્ટ્‌સને સાવ હાંસિયામાં ધકેલી દેવી જેવા પરિબળોથી ફેટી લિવરના દર્દીઓ વધ્યા છે. છેલ્લા કેટલાક વર્ષમાં બાળકોમાં પણ ફેટી લિવરનું પ્રમાણ વધ્યું છે. 

સિવિલમાં 700થી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ

સિવિલ મેડિસિટીમાં આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)માં અત્યારસુધી 700થી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. જેમાં 2021માં 96, 2022માં 186, 2023માં 196, 2024માં 150થી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. 

વધુ પડતી પેઈનકિલર પણ લિવર માટે જોખમી

•દર્દની દવાઓ આપણા શરીર માટે સૌથી મોટી પીડા છે. હકીકતમાં તેઓ લિવરથી કિડની સુધી શરીરનાં તમામ મહવનાં અંગોને નુકસાન પહોંચાડે છે. દર્દથી તાત્કાલિક રાહત મેળવવા માટે પેઈનકિલર ન લો, એ તમારા માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.

•નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રિપોર્ટ અનુસાર, લિવરમાં પોતાની જાતને ફરીથી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. 90% સુધી નુકસાન થયા પછી પણ એ એના મૂળ સ્વરૂપમાં પાછું આવી શકે છે. એના વિશે આશ્ચર્યજનક બાબત એ છે કે જો એ ઇચ્છિત પરિસ્થિતિઓ મેળવે છે તો એ પોતાને રિકવર કરવામાં માત્ર 3થી 4 અઠવાડિયાં લે છે.

લિવર ટ્રાન્સપ્લાન્ટના 50% જેટલા કેસ માટે ખરાબ જીવનશૈલી જવાબદાર, 5 વર્ષમાં બીમારીમાં 30%નો વધારો 2 - image

Tags :