વધારે વજન આ દેશમાં તમારા માટે ઊભી કરશે મુશ્કેલી, જાણો કેવી છે સજાની જોગવાઈ
Metabo Law in Japan: દુનિયાના ઘણાં દેશોમાં વિચિત્ર કાયદાઓ છે. જેનાથી આપણને આશ્ચર્ય થાય કે આવા પણ કાયદાઓ હોઈ શકે. એવોજ એક કાયદો જાપાનમાં છે. આમતો જાપાનના લોકો આયુષ્ય લાંબુ હોય છે અને અહીંના લોકો ખૂબ ફિટ હોય છે. જાપાનના લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત કેટલીક શારીરિક રમત રમે છે. આ બધાંની પાછળનું કારણ છે મેટાબો કાયદો. જે લોકોનું વજન વધવા દેતું નથી.
જાપાનના લોકોમાં ચાલવાની ટેવ
આ અજીબોગરીબ કાયદાને લીધે જ વિશ્વમાં સૌથી ઓછો સ્થૂળતા દર અહીં જ જોવા મળે છે. જાપાનનો ફિટનેસ ઈન્ડેક્સ પણ ખૂબ સારો છે. અહીંના લોકોનો સંતુલિત આહાર અને પરિવહન વ્યવસ્થા પણ લોકોને ફિટ રહેવામાં મદદરૂપ બને છે. તથા આહારમાં શાકભાજી, માછલી અને ભાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાપાનના લોકોમાં ચાલવાની ટેવના કારણે પણ લોકોમાં મેદસ્વીતા વધુ જોવા મળતી નથી.
શું છે આ વિચિત્ર કાયદો?
સ્થૂળતાના વધતા દરને કાબુમાં લેવાના પ્રયાસમાં જાપાનના આરોગ્ય શ્રમ અને કલ્યાણ મંત્રાલય દ્વારા 2008માં મેટાબો કાયદો લાવવામાં આવ્યો. જેમાં 40થી 74 વર્ષના પુરુષો અને મહિલાઓની કમરનું માપ દર વર્ષે લેવામાં આવે છે. પુરુષોની કમરનું કદ 33.5 ઈંચ છે અને મહિલાઓ માટે તે 35.4 ઈંચ નક્કી કરવામાં આવી. નોકરીદાતા અને સ્થાનિક સરકારની ભૂમિકા અને ઓછામાં ઓછી 65% ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી અને સ્થૂળતાના દરમાં 25% ઘટાડો કરવાનો લક્ષ્ય નક્કી કર્યો. જો કોઈ આ લક્ષ્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો દંડની પણ જોગવાઈ છે. જો કે, આનો અર્થ ભૂલથી એવો લેવામાં આવ્યો કે 'મેટાબો' કાયદો સ્થૂળતાને ગેરકાયદે બનાવે છે.
શું કામ જરૂર પડી મેટાબો કાયદાની?
જાપાનની કુલ 12.5 કરોડની વસ્તીમાંથી 29.1% લોકોની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ છે. એટલે કે જાપાનમાં ખૂબ મોટા પ્રમાણમાં વૃદ્ધોની સંખ્યા છે. તેમનાં સ્વાસ્થ્યની જવાબદારી સરકારની છે. જેથી જાપાનની સરકાર નથી ઇચ્છતી કે સ્થૂળતાને કારણે લોકોમાં ડાયાબીટીસ તથા હ્યદયને લગતી બીમારીઓનું પ્રમાણ વધે. સરકારે સ્વાસ્થ્ય પર ખૂબ વધારે ખર્ચ કરવો પડે.
મેદસ્વીતા માટે શું છે સજાની જોગવાઈ?
આધિકારિક રીતે કોઈ મોટી સજાની જોગવાઈ નથી. પરંતુ અમુક નિયમોનું જરૂરથી પાલન કરવું પડે છે. જો નક્કી કરેલા નિયમ કરતા વધારે વજન ધરાવતા હોવાનું જણાય તો લોકોને ઘણાં નિયમોનું પાલન કરવું પડે છે અને કેટલાક કિસ્સામાં દંડ પણ ભરવો પડે છે. ઘણી કંપનીઓ મેદસ્વી કર્મચારીઓ માટે ફિટનેસ ક્લાસનું આયોજન કરે છે. જેમાં તેમને વજન ઘટાડવામાટેના ઉપાયો અને કસરતો પણ કરવામાં આવે છે.