ડૉક્ટરો પુત્રીની બિમારી દૂર ના કરી શક્યા, તો માતાએ સંશોધન કરીને સારવાર શોધી અને સાજી પણ કરી

Updated: May 14th, 2024


Google NewsGoogle News
ડૉક્ટરો પુત્રીની બિમારી દૂર ના કરી શક્યા, તો માતાએ સંશોધન કરીને સારવાર શોધી અને સાજી પણ કરી 1 - image


Mother’s Day Special Story: કહેવત છે કે, “માની ગરજ કોઈથી ન સારે”. અર્થાત માનું સ્થાન કોઈ લઈ શકે નહીં. તે પોતાના બાળકો માટે આખી દુનિયાથી લડી જાય છે. તેના ઉપકારનો બદલો ક્યારેય પાછો વાળી શકાય નહીં. એવી જ એક મા છે ટ્રેસી ડિક્સોન-સાલાઝાર... આ મહિલાએ પોતાની બાળકીનુ દર્દ અને બીમારીથી કંટાળીને હાર સ્વીકારવાના બદલે તેની સામે લડત આપી જાતે સારવાર શોધી બાળકીને સાજી કરી છે.

મોટાભાગના ડોક્ટર્સ તેની દીકરી સવાન્નાહની આંચકીના હુમલા પાછળનું કારણ શોધી શક્યા ન હતા. તેની સારવાર પણ કરવામાં અસમર્થ રહ્યા હતાં. પરંતુ તેની માતા ડિક્સોન-સાલાઝારે હાર ન માની અને પોતાની દીકરીની બીમારીનું કારણ શોધવા માટે ફરીથી અભ્યાસ શરૂ કર્યો, પીએચડી કરી દીકરીની બીમારીનું કારણ શોધ્યું અને તેનો ઉકેલ શોધી જાતે સારવાર શરૂ કરી.

રોજના 100થી વધુ આંચકીના હુમલા

કેલિફોર્નિયાના સાન ડિઆગો શહેરમાં રહેતી ડિક્સોન સાલાઝારે (ઉ.વ. 52)એ જણાવ્યું હતું કે, મારી દીકરી જન્મી ત્યારે સામાન્ય બાળકની જેમ જ હસતી રમતી હતી. પરંતુ જ્યારે તે 3 વર્ષની થઈ ત્યારે અચાનક તેની તબિયત બગડવા લાગી. રોજના તેને 100થી વધુ આંચકીના હુમલા આવવા લાગ્યા. અમે ગભરાઈ ગયા. અમે ડોક્ટર પાસે લઈ ગયા, તો ડોક્ટરને પણ ખબર નથી પડી રહી કે, સવાન્નાહને શા માટે અને કેવી રીતે આંચકીના હુમલા આવી રહ્યા છે. પરંતુ બાદમાં ડિક્સોન-સાલાઝાર અને તેના પતિને ખબર પડી કે, સવાન્નાહને વાઈ નામની બીમારી છે. પરંતુ ડોક્ટર્સે તેના વિશે અમને જણાવ્યું ન હતું.

માતાએ બીમારીને દૂર કરવા સંશોધન કર્યું

સવાન્નાહ જેમ-જેમ મોટી થઈ રહી હતી તેમ તેની હાલત બગડી રહી હતી. આંચકીના હુમલાના લીધે તેનો માનસિક વિકાસ અટકી પડ્યો હતો. તે દિવ્યાંગ બાળક બની ગઈ હતી. સરખુ બોલી-વાંચી કે સમજી શકતી ન હતી. દીકરીની આ દયનીય પરિસ્થિતિનો કોઈ ઉકેલ ન આવવાની તમામ આશા પર પાણી ફરી વળતાં અંતે શાળા સુધીનો જ અભ્યાસ કરેલી ડિક્સોન-સાલાઝારે ફરીથી અભ્યાસ શરૂ કર્યો. તેણે કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી પીએચડીની ડિગ્રી મેળવી રિસર્ચ શરૂ કર્યું.

સંશોધન કરીને ઉપચાર શોધ્યો

વાઈનો રોગ વારસાગત આવતો હોય છે. પરંતુ તેમના પરિવારમાં કોઈને અગાઉ આંચકીના હુમલા આવ્યા ન હતા. તેણે વિવિધ ડોક્ટર્સ દ્વારા અપાયેલા તમામ મેડિકલ રેકોર્ડ અને તેની દીકરીની સ્થિતિનું એનાલિસિસ અને રિસર્ચ કર્યું. સવાન્નાહ 11 વર્ષની ઉંમર સુધી 40 હજારથી વધુ આંચકીના હુમલાનો ભોગ બની ચૂકી હતી.

સાલાઝારે શોધી કાઢ્યું કે, તેની દીકરીને કેલ્શિયમ ચેનલ મ્યુટેશનનો ભોગ બની છે. એટલે કે તેની નળીઓમાંથી વધુ પ્રમાણમાં કેલ્શિયમ પસાર થઈ રહ્યું હોવાથી આંચકીના હુમલા આવી રહ્યા છે. વર્ષોથી સવાન્નાહને એવી દવાઓ આપવામાં આવી જેનાથી તેના હાડકામાંથી કેલ્શિયમ દૂર થઈ ગયું. અને બાદમાં ડોક્ટર્સે વધુને વધુ કેલ્શિયમની દવાઓ આપી, જેના લીધે સવાન્નાહ વાઈની ગંભીર બીમારીથી પિડાઈ રહી હતી.

ડોક્ટર્સ સમક્ષ સંશોધન રજૂ કરી સારવારની આજીજી 

ડિક્સોન-સાલાઝારે આ તારણો ડોક્ટર્સ સમક્ષ રજૂ કરી સવાન્નાહને કેલ્શિયમ બ્લોકર આપવા આજીજી કરી. જેનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશર અને એરિથમિયા માટે થાય છે. કેલ્શિયમ બ્લોકર દવાથી ચોક્કસ કેલ્શિયમ ચેનલોને અવરોધિત કરવામાં આવી. અને ખૂબ જ ઓછા સમયમાં સવાન્નાહની સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો. આંચકીના હુમલાનું પ્રમાણ 95 ટકા ઘટ્યું. 

આખરે માતા જ પુત્રીની સ્થિતિ સુધારી

આ દવા શરૂ કરી ત્યારથી, સવાન્નાહની માનસિક સ્થિતિ પણ સુધરી છે. તેનુ મગજ હજી સંપૂર્ણપણે વિકસિત નથી થયું પરંતુ તેને સમજણ પડવા લાગી છે. તે હવે જાતે પોતાનું કામ કરી શકે છે. અગાઉ તે 3 વર્ષની બાળકીની જેમ વર્તન કરતી હતી. પરંતુ હવે તે ધીમે-ધીમે તે તેની વય મુજબ વર્તન કરી રહી છે.

  ડૉક્ટરો પુત્રીની બિમારી દૂર ના કરી શક્યા, તો માતાએ સંશોધન કરીને સારવાર શોધી અને સાજી પણ કરી 2 - image


Google NewsGoogle News