મહિલાઓની તુલનામાં પુરુષોમાં કોવિડ, હૃદયરોગ, કેન્સરના કારણે મૃત્યુનો ખતરો વધુ: લૅન્સેટ સ્ટડી
Lancet study about Health: મહિલાઓની તુલનામાં પુરૂષોમાં અકાળ મૃત્યુનું જોખમ વધારે છે. જો કે, સ્ત્રીઓને તેમના જીવનકાળ દરમિયાન બીમાર થવાનું જોખમ વધારે હોય છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી 2021ના ડેટાના આધારે લેન્સેટ પબ્લિક હેલ્થ જર્નલમાં થયેલા નવા સંશોધનમાં આ વાત સામે આવી છે, જેમાં છેલ્લા 30 વર્ષમાં 20 મોટા રોગોથી પીડિત પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના જોખમમાં મોટો તફાવત દર્શાવે છે.
સ્ત્રીઓ પુરૂષો કરતાં લાંબું જીવન ભોગવે છે
સ્ત્રીઓમાં ઘાતક ન ગણાતા હોવા છતાં, સામાન્ય કહી શકાય એવા મસ્ક્યુલોસ્કેલેટલ રોગો, માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ અને માથાનો દુખાવા જેવા રોગો નબળા સ્વાસ્થ્ય માટે જવાબદાર છે. જે સ્ત્રીઓમાં વધુ સામાન્ય છે. આ બિમારીઓ ઉંમર સાથે વધે છે, તેમજ સ્ત્રીઓ પુરૂષો કરતાં લાંબું જીવન ભોગવતી હોવાથી તે જીવનભર રોગ અને અપંગતાનો ભોગ બની રહે છે.
જયારે કોવિડ-19, રોડ એકસીડન્ટ, હૃદયરોગ, શ્વસન અને લીવરના રોગો પુરુષોમાં અકાળે મૃત્યુનું કારણ બને છે.
ઉંમર અને લિંગ આધારે કરવી જોઈએ સારવાર
યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ખાતે ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHME)ના ડૉ.લુઇસા સોરિયો ફ્લોરે જણાવ્યું હતું કે, "પુરુષો અને સ્ત્રીઓમાં જૈવિક અને સામાજિક તફાવત હોવાથી સમય જતાં વિશ્વભરના વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારના રોગોની અસર તેમનાં પર વધી કે ઘટી શકે છે તેમજ ક્યારેક સમાન પણ થઇ શકે છે. આથી અકાળ મૃત્યુ અટકાવવા માટે તેમની ઉંમર અને લિંગ આધારે તેમની સારવાર કરવી જોઈએ."
મહિલાઓ કરતાં પુરુષોને કોવિડની અસર વધુ
ઇસ્કેમિક હૃદય રોગ, ફેફસાના કેન્સર અને ક્રોનિક કિડની રોગ પુરુષોને નાની ઉંમરે અસર કરે છે અને સમયની સાથે વધતા રહે છે. વર્ષ 2021ના ડેટા અનુસાર, કોવિડથી પુરુષોને મહિલાઓ કરતાં 45 ટકા વધુ અસર થઈ છે.