માલદીવથી પણ સુંદર છે લક્ષદ્વીપ, અઢી લાખ ખર્ચ્યા વિના પાંચ ગણી ઓછી કિંમતે અહીં ફરો
લક્ષદ્વીપ એક દ્વીપસમૂહ છે, જેમાં 32 ટાપુઓના વિસ્તારમાં 36 ટાપુ છે
અગાત્તી, બંગારામ, કદમત, કલ્પેની, કવારત્તી અને મિનીકોય મુખ્ય પ્રવાસન સ્થળો છે
Image Twitter |
તા. 9 જાન્યુઆરી 2024, મંગળવાર
ભારત અને માલદીવ વચ્ચે પર્યટનને લઈને વિવાદ વકરતાં હવે ભારતીય યૂઝર્સ સોશિયલ મીડિયા પર જોરદાર ગુસ્સો ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા X પ્લેટફોર્મ પર માલદીવ આઉટ, બાયકોટ માલદીવ જેવા હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રાવેલ સાઈટો પણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માટે લક્ષદ્વીપને પ્રમોટ કરવામાં જોડાઈ ગયા છે.
કેમ ખાસ છે લક્ષદ્વીપ
લક્ષદ્વીપ 36 દ્વીપનો એક સમૂહ છે, જે સમુદ્ર કિનારો અને કુદરતી સૌંદર્યનો ખુબસુરત નજારો માનવામાં આવે છે. મલયાલમ અને સંસ્કૃતમાં લક્ષદ્વીપનું નામ 'એક લાખ દ્વીપ' છે. ભારતના સૌથી નાના સંઘ રાજ્યક્ષેત્ર લક્ષદ્વીપ એક દ્વીપસમુહ છે જેમા 32 દ્વીપોના વિસ્તારમાં 36 દ્વીપ છે. આ ભારત દક્ષિણ-પશ્ચિમી વિસ્તારમાં આવેલ છે. લક્ષદ્વીપમાં અગાતી, બંગારામ, કદમત, કલ્પેની, કવારત્તી અને મિનીકોય મુખ્ય પ્રવાસન સ્થળો છે. સમગ્ર લક્ષદ્વીપ રેતાળ સમુદ્ર કિનારો ધરાવે છે, વિવિધ વનસ્પતિ અને અલગ-અલગ પ્રાણીઓ પ્રવાસીઓને આકર્ષે છે. અહીં વિવિધ પ્રકારની દરિયાઈ એડવેન્ચરનો લાભ ઉઠાવી શકાય છે.
કેવી રીતે પહોચશો લક્ષદ્વીપ
લક્ષદ્વીપ પહોચવા માટે સૌથી પહેલા તમારે કોચી પહોચવું પડશે, કારણ કે કેરાલાના આ શહેરથી લક્ષદ્વીપ માત્ર 220થી 240 કિલોમીટર જ દુર છે. તમે દિલ્હીથી ફ્લાઈટ પકડીને કોચી પહોચી શકો છો અને ત્યાથી હવાઈ અથવા રોડ માર્ગે લક્ષદ્વીપ જઈ શકો છો. લક્ષદ્વીપમાં આવેલા એગાત્તી એરપોર્ટ પર ફ્લાઈટ દ્વારા કોચી પહોચી શકો છો.
માલદીવ કરતા લક્ષદ્વીપ ફરવું સસ્તુ
Easemytrip પર લક્ષદ્વીપ માટેના 7 ટુર પેકેજ ઉપલબ્ધ છે. જેમા 2 રાત્રીના પેકેજની કિંમત 22999 રુપિયા છે. જેમા હોટલ, હરવા-ફરવા, લોકલ ટ્રાન્સપોર્ટ અને ખાવા-પીવાનો ખર્ચ સામેલ છે. જો કે આમાં ફ્લાઈટનો ખર્ચ સામેલ નથી. જ્યારે 4 રાત્રી માટે લક્ષદ્વીપનું ટુર પેકેજ 47199 રુપિયા છે. જેમા તમે દિલ્હીથી કોચીની ફ્લાઈટ ટિકિટનો ખર્ચ 7000 ઉમેરવાનો રહેશે. આમ 4 રાત્રી માટેના ટુર પેકેજમાં બધો ખર્ચ ઉમેરતા આશરે 55,000 રુપિયામાં આ ટુર થઈ શકે છે.
લક્ષદ્વીપ કરતાં માલદીવ ફરવું ઘણુ મોંઘુ છે
જો કે, લક્ષદ્વીપ કરતાં માલદીવ ફરવું ઘણુ મોંઘુ છે. મેક માય ટ્રિપની સાઈટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે 4 રાત્રી/5 દિવસનું પેકેજ 2,52,299 રુપિયામાં ઉપલબ્ધ છે. જેમા ફ્લાઈટનો ખર્ચ સામેલ છે. તેમજ માલદીવ અને લક્ષદ્વીપ બન્ને જ સમુદ્ર કિનારે આવેલા છે અને તે કુદરતી સૌંદર્ય માટે જાણીતા છે. પરંતુ ખર્ચના મામલે જોઈએ તો લક્ષદ્વીપ કરતાં માલદીવનો ખર્ચ 5 ગણો વધી જાય છે.