Get The App

શું અંજીર નોન-વેજ ફળ છે? જો તમે પણ ખાતા હોવ તો આટલું જાણી લેજો

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
શું અંજીર નોન-વેજ ફળ છે? જો તમે પણ ખાતા હોવ તો આટલું જાણી લેજો 1 - image


Dried fruit Fig : ડ્રાયફ્રૂટ ગણાતા અંજીરથી સૌ પરિચિત જ હશે. પોષક તત્ત્વોથી ભરપૂર એવા આ સ્વાદિષ્ટ સૂકા મેવાના સેવનથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા બધા ફાયદા થાય છે. આમ તો ફળની વાત આવે એટલે બધા એમ જ માની લે છે કે બધા ફળ વેજ એટલે કે શાકાહારી જ હોય છે, પણ અંજીરનો કિસ્સો થોડો અલગ છે. ઘણા લોકો અંજીરને માંસાહારી ગણી છે અને એ નથી ખાતા. હકીકત શું છે એ જાણવા માટે ચાલો આજે આપણે પણ અંજીરની અંદર ઉતરીએ. 

ફળ તો કુદરતી રીતે જ ઊગે છે, પણ…

અંજીરના બીજ અથવા છોડ રોપ્યા પછી ત્રણ વર્ષે એમાં ફળ આવવાના શરુ થાય છે. એના ફળ તો કુદરતી રીતે જ ઊગે છે અને એ સંપૂર્ણ શાકાહારી જ હોય છે, પણ કહાની મેં ટ્વિસ્ટ અંજીર તૈયાર થવાની એક પ્રક્રિયામાં આવે છે. એ પ્રક્રિયાના કારણે જ અનેક લોકો અંજીરને શાકાહારી નથી ગણતા. 

આ પણ વાંચો : વિટામીન A નો ભંડાર છે આ પાંચ ફૂડ્સ, આંખોની રોશની વધારવામાં બને છે મદદરૂપ

કુદરતની અનોખી કળા

અંજીર વેજમાંથી નોનવેજ બની જાય છે એવું કેટલાક લોકો માને છે. તે પાછળનું કારણ છે તેની પોલિનેશન પ્રોસેસ એટલે કે પરાગનયનની પ્રક્રિયા છે. અંજીરનું પરાગનયન એક પ્રકારની નાની ભમરી પર નિર્ભર રહે છે. અંજીરના ફળમાં એક નાનું છિદ્ર હોય છે જેના વાટે ભમરી અંજીરની અંદર પ્રવેશે છે. અંજીરના ફૂલ અંજીરના ફળની અંદર હોય છે, એટલા માટે પરાગનયન માટે ભમરીએ ફળની અંદર જવું પડે છે. 

આવી પ્રક્રિયા થાય છે અંજીરની અંદર

ફળની અંદર દાખલ થયા બાદ નર અને માદા ભમરી પ્રજનન કરે છે. માદા ભમરી ફળની અંદર ઈંડા મૂકે છે. પરાગનયનની પ્રક્રિયા પાર પાડવાના હેતુસર અંજીરના ફૂલની પરાગ(pollen)થી ખરડાયેલા શરીર સાથે ભમરી ફળની બહાર નીકળવાની કોશિશ કરે છે. નર ભમરી માદા ભમરીને ફળની બહાર નીકળવામાં મદદ કરે છે, પરંતુ તેઓ દર વખતે સફળ નથી થતાં. ઘણીવાર માદા ભમરી બહાર નીકળી આવે છે, પણ નર અંદર જ મરી જાય છે. તો ઘણીવાર નર અને માદા બન્ને ફળની અંદર જ મૃત્યુ પામે છે, અને એ ભમરી પૂરતું પરાગનયનનું કામ અધૂરું રહી જાય છે. 

આ પણ વાંચો : મોર્નિંગ વૉક કે જોગિંગની આ રીત જાણી લો, ઘરેથી નીકળ્યા વિના થશે અઢળક ફાયદા, પ્રદૂષણથી બચી જશો

આ રીતે ફળ બને છે ‘નોનવેજ’

અંજીરમાં રહેલું ફિસિન નામનું એન્ઝાઇમ મરી ગયેલી ભમરીના શરીરને ઓગાળી નાંખે છે અને એને ફળના માવામાં ભેળવી દે છે. એ રીતે ભમરીનું મૃત શરીર ફળનો જ ભાગ બની જાય છે. ભમરી દ્વારા મૂકાયેલા ઈંડામાંથી લાર્વા જન્મે છે અને ભમરીનું રૂપ લે છે. એ પણ ફળમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. નીકળી શક્યા તો ઠીક નહીંતર એ પણ પોતાના જનકની જેમ જ ફળની અંદર મરી જઈને અંજીરમાં સમાઈ જાય છે.

ચુસ્ત શાકાહારીઓ અંજીર નથી ખાતા 

અંજીરનું ફળ પાકી જાય પછી એને સૂકવીને ડ્રાયફ્રૂટ બનાવવામાં આવે છે. તેથી અંજીરને કેટલાક લોકો નોનવેજ ફળ ગણે છે. એટલે જ ઘણાં ચુસ્ત શાકાહારીઓ અંજીર નથી ખાતા, તો કેટલાક લોકો અંજીરના પોલિનેશનની આ સમગ્ર પ્રક્રિયાને કુદરતી ગણીને આ ફળને નોનવેજ નથી ગણતા. 




Google NewsGoogle News