દેશમાં દરરોજ કેન્સરથી 2100 લોકોના મોત, WHOની આ સામાન્ય સલાહ માનશો તો નહીં થાય કેન્સર
ભારત દેશની વાત કરીએ તો કેન્સરના મામલે ટાઈમ બોમ્બ પર ઉભો છે
વર્તમાન સમયમાં જ ભારતમાં દર વર્ષે 8 લાખ લોકો કેન્સરના કારણે મોતને ભેટે છે
વર્તમાન સમયમાં દુનિયા ખૂબ ઝડપી વિકાસ કરી રહી છે, પરંતુ તેના કરતાં વધારે ઝડપી કેન્સરનો રોગ ફેલાઈ રહ્યો છે. WHOના કહેવા પ્રમાણે આશરે પોણા બે અબજ લોકો કેન્સરના રોગથી પીડાઈ રહ્યા છે, તેમાંથી દર વર્ષે લગભગ 96 લાખ લોકોના મોત થાય છે.
ભારત દેશની વાત કરીએ તો કેન્સરના મામલે ટાઈમ બોમ્બ પર ઉભો છે. તેથી જો ભારતનો દરેક નાગરિક કેન્સર પ્રત્યે જાગૃત નહીં થાય તો આવનારા સમયમાં મોટી વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ શકે છે. કારણ કે વર્તમાન સમયમાં જ ભારતમાં દર વર્ષે 8 લાખ લોકો કેન્સરના કારણે મોતને ભેટે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે માત્ર એકલા ઉત્તર ભારતમાં જ દર વર્ષે 1 લાખથી વધુ લોકોના મોત કેન્સરના કારણે થાય છે. 2022ના આંકડા જોઈએ તો ભારતમાં રોજ સરેરાશ 2191 લોકોના મોત કેન્સરના કારણે થાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવા પ્રમાણે, તેમાંથી અડધાના મોત તો તેમની ખરાબ આદતો છોડાવીને હજુ પણ બચાવી શકાય તેમ છે. જો થોડી પણ જાગૃતિ લાવવામાં આવે તો તેમને આ ખરાબ આદતોથી છોડાવી શકાય તેમ છે. અને તેના માટે વધારે ત્યાગ અને કઠિન તપસ્યા કરવાની જરુર પણ નથી. બસ માત્ર મન મજબૂત કરવાની જરુર છે. આવો જાણીએ કે, આ નાની-નાની કઈ આદતો છોડવાથી કેન્સર સામે આપણો જીવ બચાવી શકાય છે.
આ વસ્તુઓ તમને કેન્સરથી બચાવશે
1. તમાકુ
વિશ્વમાં કેન્સરનું સૌથી મોટું કારણ તમાકુ છે, તમાકુ એટલી ખરાબ વસ્તુ છે કે, જો તમે તેના વિશે જાણો તો તમારો આત્મા કંપી ઉઠશે. તમાકુમાં સાત હજારથી વધારે કેમિકલ હોય છે. તેમાંથી 98 પ્રકારના કેમિકલ સીધા કેન્સર માટે જવાબદાર છે. દર વર્ષે 80 લાખથી વધુ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે. અને આટલું જાણ્યા પછી પણ લોકો તમાકુનું સેવન કરે છે. જેનું વળગણ તાત્કાલિક છોડવું પરિવાર અને સમાજ માટે લાભદાયક છે.
2. આલ્કોહોલ
આલ્કોહોલના કારણે દર વર્ષે કેન્સરના 7. 40 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આલ્કોહોલ સાત પ્રકારે કેન્સર માટે સીધો જવાબદાર ગણાય છે. તેનાથી ગળામાં, લીવર, ગુદામાર્ગ અને સ્તન કેન્સર થવાની શક્યતા રહે છે. દર 20માંથી એક કેસ સ્તન કેન્સર માટે આલ્કોહોલ જવાબદાર ગણાય છે. તેથી આજે દારૂ છોડી દો.
3. શારીરિક પ્રવૃતિ
સ્થૂળ શરીરનું મુખ્ય કારણ શારીરિક આળસ છે. એટલે જે લોકો ફિઝિકલ એક્ટિવિટી નથી કરતાં તે લોકો વારંવાર બીમાર પડે છે. મોટાપા અને શારીરિક પ્રવૃત્તિ ન કરવાથી તે અનેક પ્રકારે કેન્સર માટે જવાબદાર છે. તેથી દરરોજ નાની-મોટી કસરત કરો, યોગ કરો, ધ્યાન કરો અને આનંદમાં રહો. શારીરિક પ્રવૃત્તિ તમને માત્ર કેન્સરથી જ નહીં, પરંતુ અન્ય ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ આપશે.
4. સ્વસ્થ આહાર-
આજે બજારમાં મળતા ખોરાક અનેક પ્રકારના કેમિકલથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. એટલા માટે બિનઆરોગ્યપ્રદ આહાર લેવાનું ટાળો. આ ઉપરાંત પ્રોસેસ્ડ ફૂડ, રેડ મીટ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પેકેજ્ડ ફૂડ, તળેલી ચીજવસ્તુ જેટલી ઓછી ખાશો તેટલા તમે કેન્સર સામે સુરક્ષિત રહેશો. એટલે એવી સલાહ અપાય છે કે કુદરતી, ઘરે બનાવેલો ખોરાક ખાઓ. આ સિવાય ભોજનનો અડધો હિસ્સો શાકભાજી અને ફળફળાદિ આધારિત હોવો જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને કેન્સર જેવા રોગ સામે રક્ષણ આપે છે.
5. ચેપથી બચવા માટે રસી લો
કેટલાક ચેપી રોગોથી બચવા તેમજ કેન્સર જેવા જોખમ ટાળવા માટે રસી લેવી જરુરી છે. જેમ કે, માનવ પેપિલોમાવાયરસ, હિપેટાઈટિસ વગેરે જેવા રોગોથી બચવા માટે રસી લેવી જોઈએ.
6. રેડિએશનથી દૂર રહો
રેડિયેશનને કારણે કેન્સર થવાનું જોખમ રહેલું છે. એટલે શક્ય હોય ત્યાં સુધી રેડિયેશન આવતાં હોય ત્યાંથી દૂર રહો.
7. નિયમિત સ્તનપાન
જે મહિલાઓ માતા બને છે તેમણે બાળકોને નિયમિત રીતે સ્તનપાન કરાવવું જોઈએ. તેનાથી મહિલાઓમાં કેન્સરનું જોખમ ઘણે અંશે ઘટી જાય છે.