અચાનક સાંભળવાનું બંધ થવાના આનુવંશિક રોગમાં બે વર્ષમાં વધારો, મહિલાઓને સૌથી વધુ અસર
Genetic Hearing Loss In Women Increased: પરેશભાઇને 50 વર્ષની ઉંમરે અચાનક જ કાનમાં બહેરાશ આવી ગઈ, સંભળાતું બંધ થઈ ગયું. ઉંમરના આ તબક્કે હિયરિંગ એઇડ્સ પણ મદદ કરી શકે તેમ નહોતી. સાંભળી ન શકવાની ક્ષમતાના કારણે તેઓ તણાવમાં મુકાયા અને લોકો સાથે ઝઘડા કરવા લાદ્યાં. આખરે ડૉક્ટરે તેમને જણાવ્યું કે, તેમને આનુવંશિક કાનનો રોગ છે. પરેશભાઇનો આ કેસ ભલે કાલ્પનિક હોય પણ અચાનક સાંભળવાનું બંધ થઇ જાય તેવા આનુવંશિક રોગમાં સતત વધારો થઇ રહ્યો છે.
આનુવંશિક કાનના રોગના મોટાભાગના કેસમાં સાંભળવાની નસ સામાન્ય હોવા છતાં મગજ સુધી અવાજ લઇ જતાં કાનની અંદરના કોક્લિયા ધીરે-ધીરે બ્લોક થાય છે અને અમુક સમય બાદ તે વ્યક્તિનું સાંભળવાનું સદંતર બંધ થઇ જાય છે. આ રોગના અંતિમ ઈલાજ તરીકે કોક્લિયર ઈમ્પ્લાન્ટનો વિકલ્પ છે. કાનનો આનુવંશિક રોગ મહિલાઓને સૌથી વધારે અસર કરે છે. તેમાં 60 ટકાથી માંડી 100 ટકા સુધીની બહેરાશ આવી જાય છે, જેથી સામાજીક જીવન ઉપર અસર પડે છે.
દર 100માંથી 11ને આનુવંશિક રોગના કારણે બહેરાશ
જેનો ઈલાજ હિયરિંગ એઇડ્સ છે અને તેનાથી ન સંભળાય તો કોક્લિયર ઈમ્પ્લાન્ટ કરાવવો પડે છે. આ અંગે સોલા સિવિલ હોસ્પિટલનાં ઈએનટી વિભાગનાં હેડ-પ્રો. નીના ભાલોડિયાએ જણાવ્યું કે, ‘બહેરાશ આવવાના ઘણા કારણો છે. તેમાં બહેરાશનું પ્રમાણ છેલ્લા બે વર્ષથી વધી રહ્યું છે, તેમાં પણ ખાસ 15થી 35 વયની વ્યક્તિમાં આ લક્ષણ વધુ જોવા મળે છે. જેમાં 11 ટકા કેસ સંપૂર્ણ બહેરાશના છે. એટલે કે, 100 લોકો બહેરા હોય તો તેમાંથી 11ને આનુવંશિક રોગના કારણે ધીરે-ધીરે કે અચાનક બહેરાશ આવે છે.
આ પણ વાંચોઃ ભારતમાં દર નવમાંથી એક વ્યક્તિને કેન્સર થવાનું જોખમ, તમાકુ અને ખરાબ જીવનશૈલી છે જવાબદાર
આ જન્મજાત આનુવંશિક રચના ધરાવતી વ્યક્તિને જીવન દરમિયાન પ્રોગ્રેસિવ બહેરાશ આવતી હોય છે અને તે કોઇ હાઇ ઈન્ટેન્સિટીવાળી રમત અથવા કાર્ય કરે તો તેની સડન બહેરાશમાં પરિણમે છે. ઈએનટી વિભાગમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દરેક ઓપીડીમાં બહેરાશવાળા દર્દીમાંથી એક દર્દી તો આ રચનાને કારણે બહેરું થતું હોય છે. સોલા સિવિલમાં જ છેલ્લા બે વર્ષમાં 107જેટલા દર્દી આવ્યા છે. આપણા સમાજમાં બહેરાશની ચિંતાને હંમેશાં હાસ્યનું માઘ્યમ ગણવામાં આવે છે. જેના કારણે બહેરાશની સમસ્યા અંગે ડૉક્ટરની સલાહ લેવાનું પણ ટાળે છે. સાંભળવામાં સહેજ પણ સમસ્યા લાગે તો વ્યક્તિએ તાકીદે ઈએનટીનો સંપર્ક કરવો જોઇએ. જેમ દ્રષ્ટિમાં ઉણપ આવે તો તેના માટે આંખે ચશ્મા પહેરીએ છીએ તેવી જ રીતે સાંભળવામાં સમસ્યા નડે તો તેના માટે હિયરિંગ એઇડ્સ સહિતના વિવિધ વિકલ્પો છે. ’
બહેરાશના કેસમાં વધારો થવાના કારણો
- ઘ્વનિ પ્રદૂષણને કારણે સાંભળવાની શક્તિ ક્રમશઃ ક્ષીણ થઈ રહી છે.
- 80-90 ડેસિબલનો અવાજ 8 કલાકથી વધારે માત્ર સાત જ દિવસ સુધી સાંભળવામાં આવે તો અચાનક બહેરાશ આવી શકે છે.
- આજુબાજુના કોમર્શિયલ ઘોંઘાટ , ડ્રિલ વર્કમાં જો વ્યક્તિ સતત રહે તો બહેરાશની સાથે સ્ટ્રેસ પણ આવે છે.
- ઈયરફોનના સતત ઉપયોગને કારણે બહેરાશ આવતી જાય છે. 30 મિનિટથી વધુ ઈયરફોનનો ઉપયોગ કરવો જોઇએ નહીં.
- 60 ડેસિબલથી વધુ અવાજ કાન માટે જોખમી
- ડૉક્ટર્સના મતે સાંભળવાની પ્રક્રિયામાં કાનના તંતુઓ કામ કરે છે. આ તંતુ સામાન્ય છે કે તકલીફવાળા તે તપાસથી ખબર પડે છે. 60 ડેસિબલ કમ્ફર્ટ લેવલ છે. આથી જેમ-જેમ થ્રેશહોલ્ડ વધતો જાય તેમ તેમ સમસ્યા વધવા લાગે છે.