વિશ્વમાં દર વર્ષે 7 લાખ લોકો હાથ નહીં ધોવાના કારણે જીવ ગુમાવે છે, 150 વર્ષ પહેલા શરૂ થઈ હેન્ડવોશ કરવાની પ્રથા

વિશ્વમાં દર વર્ષે ૧૪.૫૦ લાખ લોકો ખરાબ સેનેટાઈઝેશન, પાણીજન્ય બિમારીથી મોતને ભેટે છે

માણસના હાથમાં ૩૦૦૦ જ્યારે ફોનમાં ૩૦,૦૦૦ બેક્ટેરિયા હોય છે જે ચેપીરોગ ફેલાવે છે

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
વિશ્વમાં દર વર્ષે 7 લાખ લોકો હાથ નહીં ધોવાના કારણે જીવ ગુમાવે છે, 150 વર્ષ પહેલા શરૂ થઈ હેન્ડવોશ કરવાની પ્રથા 1 - image

સમગ્ર વિશ્વ દ્વારા કોરોના જેવી ભયાનક ચેપી મહામારીનો સામનો કરવામાં આવ્યો હતો. હાલમાં પણ વિશ્વના અલગ અલગ ખૂણે કોરોનાના નવા વેરિયન્ટ મળવાની અને આગામી સમયમાં વધારે ભયાનક મહામારી અને બિમારી આવવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. લોકોની હાથ નહીં ધોવાની ખરાબ આદતોના કારણે આ બિમારીઓ વધી છે અને આગામી સમયમાં પણ તેમાં વધારો થવાની શક્યતાઓ છે. થોડા સમય પહેલાં જ આવેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, વિશ્વમાં પાણીજન્ય રોગો, અયોગ્ય સેનેટાઈઝેશનથી થતા રોગો અને હાથ ન ધોવાના કારણે થતા રોગોથી મોતનું પ્રમાણ વધારે છે. વિશ્વમાં ૧૪.૫૦ લાખ લોકો આ પ્રકારની બિમારીઓના કારણે જીવ ગુમાવે છે. વિશ્વમાં ૭ લાખ લોકો હાથ નહીં ધોવાના કારણે ફેલાતી ચેપી બિમારીથી દર વર્ષે જીવ ગુમાવે છે. એક અહેવાલ પ્રમાણે દરરોજ ૪૦૦૦ લોકો હાથ નહીં ધોવાના અને શરીરની અયોગ્ય સાફસફાઈના કારણે થતી બિમારીથી જીવ ગુમાવે છે. આ મોતમાંથી ૧૦૦૦ મોત પાંચ વર્ષથી નીચેના બાળકોના હોય છે. 

કોરોનાકાળથી લોકો ભારતીય પરંપરાને અનુસરવા લાગ્યા હતા. વિશ્વમાં એકબીજાને મળતા સમય જે હાથ મિલાવવાની પ્રથા હતી તે બદલાઈ છે. લોકો નમસ્તે કરી રહ્યા છે. આ નમસ્તેની પ્રથા ભારતમાં યુગોથી ચાલે છે. ભારતમાં પ્રાચિન સમયથી માનવામાં આવે છે કે, હાથ મિલાવવા તે રોગોને એકબીજાને આપવા સમાન છે. આ ઉપરાંત માનવ ઇતિહાસની પશ્ચિમી પ્રથા જોઈએ તો તેમાં પણ ઈ.સ. પૂર્વે ૭૦૦ની સાલમાં આ વિશે ઉલ્લેખ આવે છે. તે સિવાય બેબિલોનિયન કાળમાં પણ હાથ દ્વારા રોગ ફેલાતા હોવાની માન્યતા હતી. કોરોનાકાળમાં સૌથી વધારે હાથ ધોવાની અને સેનેટાઈઝ કરવાની જાહેર શિસ્ત શરૂ થઈ હતી. તે પહેલાં હાથ ધોવાની શિસ્ત લોકોમાં હતી પણ માત્ર ભોજન કરતા પહેલાં અથવા તો વોશરૂમનો ઉપયોગ કર્યા બાદ. 

૨૦૦૮થી હોથ ધોવા(Hand Wash) અંગે જાગ્રતી લાવવાની શરૂઆત કરાઈ

૨૦૦૮થી લોકોમાં હાથ ધોવા અંગે સજાગતા આવે તે માટે ઓક્ટોબરમાં ૧૫ તારીખે હેન્ડ વોશિંગ ડેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તબક્કાબાર આ કામગીરી વધતી ગઈ અને લોકો હાથ ધોવા અને સ્વસ્છ રાખવા તરફ વધારે ધ્યાન આપવા લાગ્યા. આ હાથ ધોવાની પરંપરાના મેડિકલના ઈતિહાસ ઉપર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, તેની શરૂઆત ૧૫૦ વર્ષ પહેલાં અકસ્માતે થઈ હતી. એક ડોક્ટર દ્વારા મેટરનિટી વોર્ડમાં કામ કરવા દરમિયાન હાથ ધોવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. ૧૯મી સદીમાં એક ડોક્ટર દ્વારા અકસ્માતે જ હાથ સ્વચ્છ રાખવાનો એક પ્રયોગ શરૂ કરવામાં આવ્યો અને લોકોમાં ખાસ કરીને તે સમયે ડોક્ટર્સમાં હાથ સ્વચ્છ અને સેનેટાઈઝ રાખવાની જાગ્રતી આવી. તે સમયે પણ સમાજ દ્વારા વ્યાપક રીતે આ બાબત સ્વીકારવામાં કે અનુસરવામાં આવી નહોતી. તેને પણ લોકોએ સામાન્ય જીવનમાં સ્વીકારતા બે દાયકા જેટલો સમય લીધો હતો. 

મેટરનિટી વોર્ડમાં મહિલાઓનાં મોત વધુ થતાં ચિંતા વ્યાપી

યુનિવર્સિટી ઓફ વિયેનામાંથી ઈગ્નાઝ સેમેલવેઈઝ ૧૮૪૬માં ડોક્ટરની પદવી મેળવી. ત્યારબાદ તેઓ વિયેના જનરલ હોસ્પિટલમાં કામગીરી કરવા લાગ્યા. તે વખતે તેમનું કામ સિનિયર ડોક્ટર્સ આવે તે પહેલાં વોર્ડના દર્દીઓને ચકાસી લેવા, જે સમસ્યા હોય તે નોંધી લેવી અને અન્ય વિભાગોના મેડિકલ ડેટા રાખવ. તેમની હોસ્પિટલમાં બે મેટરનિટી વોર્ડ હતા. ઈગ્નાઝે નોંધ્યું કે, એક વોર્ડ જ્યાં પુરુષ સ્ટાફ દ્વારા ડિલિવરી અને દેખરેખ કરવામાં આવતી હતી ત્યાં મૃત્યુનો દર વધારે હતો. બીજી તરફ મહિલા ડોક્ટર્સ અને નર્સ જે વોર્ડ સાચવતી હતી ત્યાં મૃત્યુ દર વધારે હતો પણ પુરુષોના વોર્ડ જેટલો નહોતો. ઈગ્નાઝે નોંધ્યું કે ડિલિવરી કરવામાં તો પુરુષ અને સ્ત્રી ડોક્ટર્સ એક્સપર્ટ હતા પણ બાળકના જન્મ પછી સ્ત્રીઓમાં ચાઈલ્ડબેડ ફિવર અથવા તો પ્યુર્પેરલ ફિવરના કારણે મૃત્યુ વધારે થતા હતા. ઈગ્નાઝે આ દિશામાં વિગતે તપાસ શરૂ કરી.

ઓટોપ્સી કર્યા બાદ ડોક્ટર્સ હાથ સાફ કરતા નહોતા

ઈગ્નાઝ આ દિશામાં તપાસ કરતા હતા ત્યારે તેમના ડોક્ટર મિત્ર જેકબનું ચાઈલ્ડબેડ ફિવરના કારણે મોત થયું. જેકબ આ ફિવરથી મૃત્યુ પામતી મહિલાઓની ઓટોપ્સી કરતા હતા. એક દિવસ ઓટોપ્સીમાં ઉપયોગમાં લીધેલું સ્કેલ્પલ જેકબને વાગી જતાં તેમને ચેપ લાગ્યો અને તેમનું મોત થયું. આ ઘટનાએ ઈગ્નાઝને વધુ ચિંતિત કરી દીધા. તેમણે નોંધ્યું કે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ્સ પોતાના દિવસની શરૂઆત ઓટોપ્સીથી કરે છે અને ત્યાંથી સીધા જ તેઓ લેબર રૂમમાં જતા રહે છે. તેઓ યોગ્ય રીતે હાથ સાફ કરતા નથી. ઈગ્નાઝે ત્યારે તર્ક લગાવ્યો કે, ચાઈલ્ડબેડ ફિવરથી મૃત્યુ પામતી મહિલાઓનો ચેપ ડોક્ટર્સના હાથ દ્વારા અન્ય મહિલાઓમાં પહોંચે છે જે ડિલિવરી બાદ એકાદ-બે દિવસમાં મૃત્યુ પામે છે. તેમણે આ તર્કના આધારે દરેક ડોક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ માટે ક્લોરિનના પાણીથી હાથ ધોવાનું ફરજિયાત બનાવ્યું. તેમણે લેબરરૂમ અને ઓટોપ્સી રૂમમાં ક્લોરિનના પાણીના ટબ મુકાવ્યા જેમાં હાથ સાફ કર્યા બાદ જ ડિલિવરી અથવા ઓટોપ્સી કરવા દેવાતી.

અદ્વિતિય પરિણામ મળ્યું પણ ડોક્ટરોએ ઈગ્નાઝની ઠેકડી ઉડાડી

ઈગ્નાઝ દ્વારા જે અખતરો કરવામાં આવ્યો હતો તે કારગર સાબિત થયો. તેમણે ક્લોરિનથી હાથ ધોવાનું ફરજિયાત કરવામાં આવતા હોસ્પિટલમાં મહિલાઓનો મૃત્યુદર ઘટવા લાગ્યો. પહેલા જ મહિને ચાઈલ્ડબેડ ફિવરનો મૃત્યુઆંક ૯૦ ટકા ઘટી ગયો અને બીજા મહિને કોઈ મોત થયું નહીં. તબક્કાવાર માત્ર મહિલાઓને પોતાની રીતે લાગતા ચેપથી જ મોત થવા લાગ્યા પણ ડોક્ટર્સ દ્વારા ચેપનો ફેલાવો અટકી ગયો. તેમની આ અકસ્માતે થયેલી શોધને ડોક્ટરોએ સ્વીકારી નહીં. ડોક્ટર્સ યોગ્ય રીતે હાથ સાફ કરતા નથી આ બાબતને તેઓ પોતાનું અપમાન ગણતા હતા. તેઓ ઈગ્નાઝની મજાક ઉડાવતા હતા. તત્કાલિન ડોક્ટર સમુદાય દ્વારા ઈગ્નાઝની આ શોધને સ્વીકારવામાં આવી નહીં. 

ઈગ્નાઝને પાગલ ગણીને કેદ કરાયા અને તેમનું મોત થયું

ઈગ્નાઝ સેમલવેઈઝનો ત્યારબાદ વિયેનામાં મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો. તેઓ વિયેને છોડીને બુડાપેસ્ટ જતા રહ્યા. ત્યાં યુનિવર્સિટીમાં અને મેડિકલ હોસ્પિટલમાં તેમણે આ જ દિશામાં કામ કર્યું અને તેમને ચમત્કારિક પરિણામો મળ્યા. તેમણે ૧૮૬૦માં ધ ઈટિયોલોજી કોન્સેપ્ટ એન્ડ પ્રોફિલેક્સી ઓફ ચાઈલ્ડબેડ ફિવર નામનું પુસ્તક લખ્યું. તેમાં તેમણે રોગ થવાના કારણો અને ક્લોરિનના પાણીથી હાથ સાફ કરવાના ફાયદા તથા પરિણામો જણાવ્યા હતા. મેડિકલ જગત દ્વારા પુસ્તકનો વિરોધ કરાયો. ઈગ્નાઝને પાગલ ગણીને કેદ કરવામાં આવ્યા. ત્યાં તેમને કોરડા મારવામાં આવતા હતા. કેદ થયાના માત્ર બે જ અઠવાડિયામાં ઈગ્નાઝનંુ મોત થયું. તેમની ઓટોપ્સીમાં સામે આવ્યું કે, આજીવન તેઓ જે રોગને અટકાવવા માટે મથતા રહ્યા તેના કારણે જ તેમનું મોત થયું હતું. 

ફાધર ઓફ હેન્ડ હાઈજીન તથા સેવિયર ઓફ મધર

નવાઈની વાત એ હતી કે, ઈગ્નાઝનું મોત થયું તેની કોઈના દ્વારા નોંધ લેવામાં આવી નહીં. મેડિકલ જગતે તેમને ભુલાવી દીધા હતા. ઈગ્નાઝના મોત બાદ પેસ્ટ યુનિવર્સિટી બુડાપેસ્ટ ખાતે તેમના ઉત્તરાધિકારી તરીકે ડોક્ટર જેનોસ ડિસ્ચરની નિમણુક કરવામાં આવી હતી. તેમના કાર્યકાળમાં ફરીથી મેટરનિટી વોર્ડમાં માતાઓના મોતમાં છ ગણો વધારો થઈ ગયો પણ ડોક્ટરોએ તેને અવગણ્યો. તેમને ઈગ્નાઝની શોધ અને મહેનતને સ્વીકાર્યા નહીં. તે સમયે વિયેના અને બુડાપેસ્ટના મેડિકલ જગતમાં ઈગ્નાઝને સદંતર અવગણવામાં આવ્યા. તેમની મોતના બે દાયકા બાદ તેમની હાથ સાફ રાખવાની પદ્ધતિને સ્વીકારવામાં આવી. તે સમયના નવા મેડિકલ જગત દ્વારા ઈગ્નાઝની શોધને સ્વીકારવામાં આવી અને તેમને ફાધર ઓફ હેન્ડ હાઈજિન તથા સેવિયર ઓફ મધર્સ તરીકે સ્વીકારવામાં આવ્યા. ત્યારથી તેમની કામગીરીને આજદિન સુધી યાદ કરવામાં આવે છે. આજે પણ ઓક્ટોબર મહિનામાં હેન્ડ વોશિંગ ડેની ઉજવણીએ ડોક્ટર ઈગ્નાઝના યોગદાનને યાદ કરવામાં અને બિરદાવવામાં આવે છે.

આપણા હાથ કેટલા ચોખ્ખા છે?

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોરોના બાદ હાથ ધોવાની આદતમાં ૮૫% વધારો થયો છે. બીજા કેટલાક અભ્યાસ આ આંકડાનું સમર્થન કરતા નથી છતાં સ્વીકારે છે કે, લોકો હાથ સાફ રાખતા થયા છે. અહીંયા આપણે જાણીશું કે વિશ્વમાં હાથ ધોવાની આદતો કેવી છે અને લોકો કેવી રીતે આ આદતને ટકાવી રાખે છે અથવા તો તેનાથી દૂર રહે છે.

વિશ્વમાં દર વર્ષે 7 લાખ લોકો હાથ નહીં ધોવાના કારણે જીવ ગુમાવે છે, 150 વર્ષ પહેલા શરૂ થઈ હેન્ડવોશ કરવાની પ્રથા 2 - image

હાથ સાફ રાખવાનો ઈતિહાસ

જાણકારો માને છે કે, વ્યક્તિ એક સમયે સ્નાન કરવાનું ચૂકી જાય છતાં હાથ ધોવાની આદતને ભુલવી જોઈએ નહીં.

ડો. ઈગ્નાઝ સેમલવેઈઝે સાબિત કર્યું કે, હાથ સાફ રાખવાથી મહિલાઓમાં ચાઈલ્ડબેડ ફિવરમાં ઘટાડો થયો હતો.

સ્ટ્રેપ્ટોકોકસના કારણે મહિલાઓમાં પ્રસૂતિ દરમિયાન ચાઈલ્ડબેડ ફિવરનું પ્રમાણ વધી ગયું હતું

હોસ્પિટલમાં પ્રસુતિ માટે જતી મહિલાઓમાં ઘરે રહેવાની સરખામણીએ ચાઈલ્ડબેડ ફિવરનું પ્રમાણ છ ગણું વધુ હતું

ડોક્ટરો દ્વારા ઓટોપ્સી બાદ ડિલિવરી પહેલાં હાથ સાફ કરવામાં આવતા જ નહોતા

  • ૧૮૬૫ - ઈગ્નાઝની વાતો પ્રોફેશનલ્સ દ્વારા નકારાઈ. તેને પોતાના પ્રોફેશનના લોકોને ખોટા ચિતરવા બદલ કેદની સજા કરાઈ
  • ૧૮૭૯ - લુઈ પેસ્ચર દ્વારા પણ ચાઈલ્ડબેડ ફિવર અને સ્ટ્રેપ્ટોકોકસના ફેલાવા અંગે સમાન તારણ આપવામાં આવ્યું
  • ૧૯૦૬-૧૯૨૨ - ટાઈફોઈડ મેરીએ હોસ્પિટલમાં સ્વચ્છતા ન રાખવાના કારણે ૪૭ લોકોને સાલ્મોનેલાનો ચેપ લગાડયો અને ૩ લોકોનાં ચેપથી મોત પણ થયા હતા

હાથની સ્વચ્છતા અને સ્વાસ્થ્ય

  • હાથમાં ૧સે.મી. જગ્યામાં અંદાજે ૧૫૦૦ બેક્ટેરિયા હોય છે
  • હાથ સાફ રાખવાથી દર પાંચમાંથી ૧ શ્વાસને લગતી બિમારીથી બચી શકાય છે
  • હાથ સાફ રાખવાથી ડાયેરિયા જેવી દર ૩માંથી ૧ બિમારીથી બચી શકાય છે
  • સંશોધકો માને છે કે, દરેક વ્યક્તિ હાથ સાફ રાખે તો વર્ષે ૧૦ લાખ મોત અટકાવી શકાય છે
  • દર ૫ પાંથી ૩ લોકો પાસે જ હાથ ધોવાની યોગ્ય વ્યવસ્થા છે

૮૦% રોગોનો ફેલાવો સ્પર્શ દ્વારા થાય છે

હાથમાં સૌથી વધારે માઈક્રોઓર્ગેનિઝમ થવાનો ભય છે. હાથ સાફ રાખવા તે રોગને દૂર રાખવામાં સૌથી મહત્ત્વના છે. હાથની સાફસફાઈ સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. હાથ સાફ કર્યા બાદ કોરા કરવા પણ એટલા જ જરૂરી છે.

  • કોરા હાથ કરતા ભીના હાથ ૧૦૦૦ ગણા વધારે બેક્ટેરિયાનો ચેપ ફેલાવે છે
  • ૮૫% માઈક્રોઓર્ગેનિઝમ મોટાભાગે હાથ દ્વારા ફેલાય છે
  • સરેરાશ માણસના હાથમાં ૩૦૦૦ જેટલા બેક્ટેરિયા રહેલા હોય છે
  • ઓફિસ ડેસ્ક ઉપર સરેરાશ ટોઈલેટ સીટ કરતા ૪૦૦ ગણા વધારે બેક્ટેરિયા હોય છે
  • ચલણી નોટો ઉપર સરેરાશ ૨૬,૦૦૦ બેક્ટેરિયા હોય છે
  • સ્માર્ટફોન ઉપર સરેરાશ ૧ યુનિટ સ્વેબ જેટલી જગ્યામાં ૩૦,૦૦૦ બેક્ટેરિયા હોય છે

Google NewsGoogle News