ગર્ભવતી માટે સુપરફૂડ છે સીતાફળ, બાળકનું મગજ થાય છે તેજ
નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2019, મંગળવાર
સીતાફળ પોષક તત્વોનો ખજાનો ધરાવતું ફળ છે. ખાસ કરીને સગર્ભા માટે તે અમૃત સમાન ફળ છે. ગર્ભાવસ્થામાં માતા નિયમિત સીતાફળ ખાય તો તેનાથી ગર્ભસ્થ બાળકને પણ લાભ થાય છે. તેનું મગજ તેજ થાય છે.
જો કે સીતાફળ શરીરના અન્ય રોગો માટે પણ ખૂબ ફાયદાકારક છે. જેમકે હાઈ અને લો બીપી, ડાયાબિટીઝ, હૃદય રોગના જોખમો સામે રક્ષણ આપવા અને રોગપ્રતિકારક શક્તિને પણ તે મજબૂત કરે છે.
સીતાફળ વિટામિન સી અને એન્ટી ઓક્સિડેન્ટમાં ભરપૂર હોવાના કારણે તે એલર્જી અને કેન્સરના જોખમથી પણ બચાવે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા ખૂબ સારી હોય છે. સીતાફળ આંખો માટે ખૂબ સારું છે. તમે સીતાફળનું શેક બનાવીને પણ પી શકો છો.
ગર્ભાવસ્થામાં ફાયદાકારક
સીતાફળને ગર્ભાવસ્થા દરમિયાન દૈનિક આહારનો એક ભાગ બનાવો. દરરોજ ઓછામાં ઓછા ત્રણ સીતાફળ અલગ અલગ સમયે ખાવા જોઈએ. આમ કરવાથી બાળકનો વિકાસ ઝડપથી થશે.
આ ઉપરાંત બાળકના મગજ અને રોગપ્રતિકારક શક્તિનો પણ વિકાસ થશે. સીતાફળ ખાવાથી કસુવાવડ થવાનું જોખમ પણ ઓછું થાય છે અને નોર્મલ ડિલિવરી દરમિયાન થતી પીડા પણ ઓછી થાય છે. સીતાફળ શરીરને અંદરથી મજબૂત બનાવે છે.
હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે
સીતાફળમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ વધુ માત્રામાં હોય છે અને તે હાર્ટ એટેકના જોખમને રોકવામાં ખૂબ મદદરૂપ થાય છે. જો દરરોજ તેનું સેવન કરવામાં આવે તો તે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને પીડામાં રાહત આપે છે અને હૃદયરોગનું જોખમ ઘટાડે છે.
રોગપ્રતિકારક શક્તિ થાય છે મજબૂત
દરરોજ ત્રણ સીતાફળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, આ ઉપરાંત કોઈ રોગ થયો હોય તો તેની રીકવરીમાં પણ મદદ મળે છે.
સુસ્તી અને થાક દૂર કરે છે
સીતાફળ ખાવાથી થાક, સુસ્તી અને નબળાઇ દૂર થાય છે સાથે જ તે માંસપેશીઓના દુખાવામાં પણ રાહત આપે છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર
ટાઇપ 2 ડાયાબિટીઝનું જોખમ ઘટાડવાની સાથે સીતાફળ હાઈ અને લો બીપીમાં પણ ફાયદાકારક છે, કારણ કે તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ખૂબ જ સારા માત્રામાં હોય છે જે આ બંને રોગોને નિયંત્રણમાં રાખે છે.