સતત તાવ, સાંધા તથા માંસ-પેશીઓમાં દુઃખાવો, ચામડી ઉપર ચકામા, થાક લાગતો હોય તો ચેતી જજો

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
સતત તાવ, સાંધા તથા માંસ-પેશીઓમાં દુઃખાવો, ચામડી ઉપર ચકામા, થાક લાગતો હોય તો ચેતી જજો 1 - image


Symptoms of dengue :  ચોમાસા દરમિયાન મચ્છરજન્ય બીમારીઓનું પ્રમાણ વધી જાય છે. ત્યારે લોકોમાં મચ્છરોના આશ્રયસ્થાનોના નાશ, તેનાથી બચવાના  ઉપાય અંગે જાગૃતિ સહિતના મચ્છરજન્ય રોગચાળાની રોકથામ માટે ઘર ઘર સર્વે, દવા છંટકાવ, પોરાનાશક કામગીરી સહિતની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. આમ છતાં એક જાગૃત નાગરિક તરીકે અમુક સાવચેતીઓ રાખવાથી ડેન્ગ્યુ, મલેરીયા સહિતની નાની મોટી બીમારીઓથી સરળતાથી બચી શકાય છે. તો આવો જાણીએ ડેન્ગ્યુથી બચવા આપણે શું સાવચેતીના પગલા ભરી શકીએ.

ડેન્ગ્યુના લક્ષણો

ડેન્ગ્યુનો તાવએ એક પીડાદાયક અને મચ્છરજન્ય રોગ છે. આ મચ્છરો મેલેરિયાના વાઇરસનું વહન કરે છે જે મનુષ્યમાં મચ્છરજન્ય બીમારીનું કારણ બને છે. ડેન્ગ્યુ મચ્છરની વિશેષ પ્રજાતિ એડીસ પ્રજાતિઓને કારણે ફેલાય છે.ઘણીવાર લોકોને ખબર પણ નથી પડતી કે આ તાવ ગંભીર છે. ડેન્ગ્યુના લક્ષણોમાં સતત તાવ, સાંધા તથા માંસ-પેશીઓમાં દુઃખાવો, ચામડી ઉપર ચકામા, થાક લાગવો અને ગભરામણ થવી તેને લોકો સામાન્ય માનીને અવગણી નાખે છે. જે લાંબા ગાળે હાનિકારક બની શકે છે. જેથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી લોકોને સમજ આપી મચ્છર  ઉત્પતિના સ્થાનો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. 

ડેન્ગ્યુ અટકાવવા માટેના ઉપાયો

ઘરની આસપાસ ખાનગી/ કોમન પ્લોટમાં પાણીના ભરાવાને દૂર કરવું, પાણીની ટાંકી તથા સંગ્રહ કરવાના વાસણો જેવા કે, કેરબા, માટલા, ડોલ, હોજ જેવી જગ્યાએ આ મચ્છરો ઉત્પન્ન થાય છે. જેથી આવા પાણી સંગ્રહના સાધનો ખુલ્લા ન રાખી હવા ચુસ્ત ઢાંકવુ અથવા કપડાથી બાંધી દેવુ, પશુ પક્ષીઓ માટે સંગ્રહેલા પાણીને દર ત્રીજા દિવસે એક વાસણમાંથી બીજા વાસણમાં ગાળી ઉત્પન્ન થયેલા પોરાઓનો નાશ કરવો અને મચ્છરના ઈંડાના નાશ માટે વાસણના તળિયા ખૂબ ઘસીને સાફ કરવા અને પાણીના મોટા હોજ અને ટાંકામાં પોરા ભક્ષક માછલી આરોગ્ય કેન્દ્રમાંથી લાવીને નાંખવી હિતાવહ છે.

ડેન્ગ્યુને કેમ ગંભીર ગણવામાં આવે છે ?

માદા ચેપી મચ્છર કરડવાથી આ રોગ થાય છે. જે લોહીમાં સફેદ કણને ખાઈ જાય છે. માનવ શરીરમાં સફેદકણના ઘટાડાના લીધે માનવ શરીરની ચામડીમાંથી લોહી આવે છે અને માનવી મૃત્યુ  પણ પામે છે. જેથી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ રોગથી બચવા માટે લોકોને જાગૃત કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News