સાવધાન! જોજો બીમારીની સારવાર અંગે ChatGPTને પૂછવું મોંઘું ના પડે, દવા અંગે આપે છે ખોટા જવાબ
Image:FreePik
નવી મુંબઇ,તા. 6 ડિસેમ્બર 2023, બુધવાર
ChatGPT નો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. કેટલાક લોકો નોટ્સ બનાવવા માટે કરી રહ્યા છે અને કેટલાક ડાયેટ પ્લાન બનાવવા માટે કરી રહ્યા છે. ChatGPT નો સૌથી વધુ ઉપયોગ કસ્ટમર સપોર્ટમાં થાય છે, પરંતુ કેટલાક લોકો એટલા સ્માર્ટ છે કે, તેઓ તેમના રોગો માટે પણ ChatGPT ની સલાહ લઈ રહ્યા છે.
લોકો પોતાની બીમારી ChatGPT ને જણાવીને તેમના દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે દવાઓ લે છે, પરંતુ આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કેટલાક નિષ્ણાતોએ આ અંગે લોકોને ચેતવણી આપી છે.
લોંગ આઇલેન્ડ યુનિવર્સિટી ખાતે ફાર્માસિસ્ટ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રશ્નોના જવાબ આપવા માટે ChatGPT નો ઉપયોગ તપાસમાં આવ્યો છે. ફાર્માસિસ્ટના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચેટબોટ, ChatGPT, દવા સંબંધિત લગભગ ત્રણ-ચતુર્થાંશ પ્રશ્નોના ખોટા અથવા અપૂર્ણ જવાબો આપે છે.
અભ્યાસ દરમિયાન, ChatGPT તરફથી 39 સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 10 પ્રશ્નોના જવાબ જ સંતોષકારક હતા. બાકીના 29 દવા-સંબંધિત જવાબોને ખોટા અને અધુરા ગણવામાં આવ્યા હતા.
ChatGPT એ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે Pfizer ની Paxolovid અને બ્લડ પ્રેશર ઘટાડતી દવા વેરાપામિલનો એકસાથે ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી, જ્યારે સત્ય એ છે કે, આ બંને દવાઓ એકસાથે લેવાથી બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે અને તેનાથી દર્દીઓ માટે સંભવિત જોખમ ઊભું થઈ શકે છે. આ અધ્યયન પછી એવુ કહેવાયુ કે, ChatGPTનું ફ્રી વર્ઝન વધુ ખતરનાક છે, કારણ કે તેની પાસે માત્ર સપ્ટેમ્બર 2021 સુધીની માહિતી ઉપલબ્ધ છે.