મરીનો સાદો ઉપાય મટાડશે શરદી- સળેખમ- કફ
અમદાવાદ, તા. 4 નવેમ્બર 2018 રવિવાર
કાળા મરીને કિંગ ઓફ સ્પાઈસ પણ કહેવાય છે. તેમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોવાથી તે શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. શરદી, કફ અને ખાંસીમાં તેના સેવનથી ઝડપી ફાયદો થાય છે. શરદી, ખાંસી થાય ત્યારે 8-10 કાળા મરી, 10-15 તુલસીના પાન નાખેલી ચા પીવાથી આરામ મળે છે. ખાંસીમાં મરી, પીપર અને સુંઠને સપ્રમાણ લઇને દળી લો, તેમાં 2 ગ્રામ મધ મિક્સ કરીને દિવસમાં 2-3 વખત ચાંટો. 4-5 મરીને આશરે 15 દાણાં કિશમિસ સાથે ખાવાથી પણ ખાંસી મટે છે.
- નાકમાં એલર્જી થાય તો 10-10 ગ્રામ સુંઠ, કાળા મરી, ઇલાયચી પાવડર અને સાકરનેનું ચુર્ણ બનાવી લો. તેમાં દાણા કાંઢેલી કાળી દ્રાક્ષ અને 10-12 તુલસીના પાન નાખીને મિક્સ કરો. આ મિશ્રણની 3-5 ગ્રામની નાની ગોળીઓ બનાવીને છાંયડે સુકવો અને સવાર-સાંજ 2-2 ગોળીઓ ગરમ પાણી સાથે લો.
- કાળા મરીને ઘી અને સાકરમાં મિક્સ કરીને ચાંટવાથી બંધ ગળું ખુલી જાય છે અને ણવાજ સુરીલો થાય છે.
- 8-10 કાળા મરીને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરો. આનાથી ગળાનું ઇન્ફેક્શન પણ મટી જશે.
-કાળા મરીમાં રહેલા પિપેરિનને લીધે રક્તસંચાર વધે છે. આનાથી માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે. તેલને સહેજ ગરમ કરીને એમાં કાળા મરી મિક્સ કરીને પીઠ અને ખભાની માલિશ કરવી. સંધિવામાં પણ કાળા મરીથી ફાયદો થાય છે.
- મરીથી પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડ વધારે બને છે જે પાચનમાં મદદ કરે છે. યુનાની મતાનુસાર મરી ખાવાથી પેટમાં દુખાવો, કબજિયાત, અપચન અને એસિડિટીમાં રાહત થાય છે. પેટમાં ગેસ થયો હોય તો એક કપ પાણીમાં અડધા લીંબુનો રસ અને અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી સંચળ નાંખીને પીવો. કબજિયાત હોય તો રાતે 4-5 મરીને દૂધ સાથે પીવાથી રાહત થાય છે.