સાવધાન! સામે આવ્યું એક રિસર્ચ, ડેન્ગ્યુ માત્ર લીવર જ નહિ પણ હૃદય માટે પણ જોખમી
હેલ્થ એક્સપર્ટના એક રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે ડેન્ગ્યુ માત્ર લીવર જ નહિ પણ હૃદય માટે પણ ખતરનાક સાબિત થાય છે
Dengue Effects On Heart: શિયાળાની શરૂઆત થતા જ મચ્છરનો ઉપદ્રવ વધે છે અને ડેન્ગ્યુના કેસ જોવા મળે છે. મચ્છરના કરડવાથી ફેલાતા આ વાયરસથી ખુબ જ તાવ આવે છે અને શરીરને ખુબ જ નુકશાન પહોંચાડે છે. જેના કારણે તાવ આવવાની સાથે લીવર પર સોજો આવે છે. તેમજ એક નવા રીસર્ચ પરથી જાણવા મળ્યું છે કે ડેન્ગ્યુના કારણે હૃદયની કોશિકાઓને પણ નુકશાન પહોંચે છે.
ડેન્ગ્યુ હૃદય માટે પણ જોખમી
દિલ્હીની એક મેડિકલ કોલેજમાં ડેન્ગ્યુથી પીડિત દર્દીઓ પર એક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે દરમ્યાન જાણવા મળ્યું હતું કે ડેન્ગ્યુ વાયરસના ન્યુરો, લીવર અને હાર્ટ સાથે સંબંધિત ગંભીર લક્ષણો જોવા મળે છે. જે હવે એક્સટેન્ડેડ ડેન્ગ્યુ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. જ્યારે ડેન્ગ્યુ હૃદયને અસર કરે છે, ત્યારે હૃદયના ધબકારા વધવા, હૃદયના સ્નાયુઓમાં સોજો આવી જાય છે. તેમજ ડેન્ગ્યુની સૌથી વધુ અસર હૃદયની નસો પર પડે છે, એટલે કે જ્યારે હૃદયના સ્નાયુઓમાં સોજો આવે છે, ત્યારે હૃદયને લોહી પમ્પ કરવામાં મુશ્કેલી સર્જાય છે. આવી સ્થિતિમાં, હૃદયના ધબકારા પર પણ અસર પડે છે. તેના કારણે દર્દીને છાતીમાં બળતરા અને દુખાવો થવા લાગે છે. આવી સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જો સ્થિતિ ગંભીર બને તો હાર્ટ એટેક કે હાર્ટ ફેઈલ થવાની શક્યતા પણ રહે છે.
હૃદયનું એમઆરઆઈ એ ડેન્ગ્યુના દર્દીઓની સારવાર
હેલ્થ એક્સપર્ટ કહે છે કે જ્યારે ડેન્ગ્યુના દર્દીના ઇસીજી રિપોર્ટમાં કેટલાક ફેરફારો દેખાવા લાગે છે, ત્યારે તરત જ હૃદયનું એમઆરઆઈ અને સ્ટ્રેસ ઇકો ટેસ્ટ કરાવવો જોઈએ. તેમજ એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં દાખલ થયેલા ડેન્ગ્યુના લગભગ 4.2 ટકા દર્દીઓમાં હૃદયના સ્નાયુઓમાં સોજો જોવા મળ્યો હતો. ઘણી વખત બેદરકારીના કારણે ડેન્ગ્યુના દર્દીઓનું ECG કરાવાતું નથી અને આવી સ્થિતિમાં વાયરસની અસરથી તેમના હૃદયના સ્નાયુઓમાં સોજો આવી જાય છે. જો સમયસર તેનું નિરાકરણ કરવામાં ન આવે તો દર્દીને હાર્ટ એટેક આવી શકે છે. તેથી, ડૉક્ટરો અને હેલ્થ એક્સપર્ટ દર્દીને ડેન્ગ્યુ પછી હૃદયનું એમઆરઆઈ કરાવવાની સલાહ આપે છે.