કેરલમાં 5 વર્ષની બાળકીનું બ્રેઇન પાણીમાં રહેતો સુક્ષ્મજીવ અમીબા ખાઇ ગયો, સ્વીમિંગ કરનારા સાવધાન રહેજો
નેગલેરિયા ફાઉલેરીને બ્રેઇન ઇટિંગ અમીબા કહેવામાં આવે છે
અમીબા ગંદા નહી પરંતુ તાજા સ્વચ્છ પાણીમાં પેદા થાય છે
તિરુઅનંતપુરમ, 23 મે,2024,ગુરુવાર
નદી, તળાવ, ઝરણા અને સ્વીમિંગ પુલના તાજા પાણીમાં નેગલેરિયા ફાઉલેરી નામનો એક સુક્ષ્મજીવી અમીબા હોઇ શકે છે. આ ખાસ પ્રકારનો અમીબા નાક વાટે મગજમાં ઘૂસીને મગજના કોષોને કોતરી ખાતો હોવાથી તેને બ્રેઇન ઇટિંગ અમીબા કહેવામાં આવે છે એવો એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે.
તાજા પાણીમાં નાહતા હોય કે ડાઇવિંગ કરતા હોય ત્યારે જો પાણીમાં અમીબા હોયતો નાક વાટે મગજ સુધી પહોંચી જવાની સૌથી વધુ શકયતા રહેલી છે. તાજેતરમાં કેરલના કોઝિકોડમાં નદીમાં સ્નાન કરતી પ વર્ષની બાળકીનું "મગજ ખાનાર અમીબા"ના કારણે કોઝિકોડની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મુત્યુ થયું હતું. 1 મે ના રોજ નદીમાં સ્નાન કર્યા પછી 20 મી મેના રોજ બ્રેઇન ઇટિંગ અમીબા મોતનું કારણ બન્યો હતો.
અમીબા 40 થી 46 ડિગ્રી જેટલા ઉંચા ગરમ તાપમાનમાં પેદા થાય છે
નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં આ દુર્લભ રોગના 20 થી 25 જેટલા કેસ બને છે તેમ છતાં સ્વીમિંગ કરવાના શોખીનોએ હંમેશા ધ્યાન રાખવું જોઇએ અમીબા ગરમ તાજા પાણીમાં મળી શકે છે, સરોવરો અને નદીઓ, સ્વિમિંગ પુલ, સ્પ્લેશ પેડ્સ, સર્ફ પાર્ક અથવા અન્ય મનોરંજન સ્થળો કે જેની જાળવણી નબળી છે અથવા ન્યૂનતમ ક્લોરિનેટેડ છે ત્યાં પણ ચેપની શકયતા રહે છે. 115°F (46°C) સુધીનું ઊંચું તાપમાન તેની વૃદ્ધિ માટે અનુકૂળ પડે છે. ટેપ વોટરથી અમીબા ઇન્ફેકશનની શકયતા ઘણી જ ઓછી રહેલી છે પરંતુ ઇનહેલિંગ ડસ્ટથી ચેપ લાગી શકે છે.
કલાયમેટ ચેંજના કારણે બ્રેઇન ઇટિંગ અમીબાના કેસ વધશે
અમીબા એટલો માઇક્રો જીવ છે કે તેને નરી આંખે જોઇ શકાતો નથી. અમીબા માટીમાં પણ રહી શકે છે તેને જીવનકાળ માટે કોઇના આશરાની (હોસ્ટ)ની જરુર પડતી નથી. જેને પણ અમીબાનું સંક્રમણ લાગુ પડે છે તેને બચવાનો ચાન્સ રહેતો નથી. નિષ્ણાતોનું માનવું છે કે મગજમાં અમીબા ડેવલપ થવાની સ્થિતિને પ્રાયમરી એમેબિક મેનિન્ગોએનફાલીટીસ (પામ) રહેવામાં આવે છે.
પામ મગજની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ખતમ કરી નાખે છે. આથી તેને બ્રેઇન ઇટિંગ અમીબા કહેવામાં આવે છે. અમેરિકામાં માત્ર થોડાક કેસ ઇટિંગ અમીબાના નોંધાય છે. અંદાજે ૮ થી ૧૦ કેસ જેમાંના મોટા ભાગના દક્ષિણી રાજયો, ફલોરિડા અને ટેકસાસમાં છે.
ઇટિંગ અમીબાનો ભોગ મોટા ભાગે યુવાનો જ બને છે કારણ કે યુવાનો સ્વીમિંગ અને વોટર પ્લેઇંગ, ડાઇવિંગ વગેરેમાં વધારે રસ લેતા હોય છે. કેટલાક કેસ નોર્ધન સ્ટેટમાં ગરમીની સિઝન દરમિયાન જોવા મળે છે. કલાયમેટ ચેંજના કારણે બ્રેઇન ઇટિંગ અમીબાના કેસમાં વધારો થઇ શકે છે.
હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં ૯૭ ટકા દર્દીઓ મોતને ભેટે છે.
નાએગ્લેરી ફાઉલેરી અમીબા બોડીમાં પ્રવેશ કરે ત્યારે કેટલાક કિસ્સામાં એન્ટીબોડી સિસ્ટમ એકટિવ થાય છે. જેનામાં એન્ટીબોડી વધારે સક્રિય હોય તેમને વાંધો આવતો નથી. બાકીના કિસ્સામાં મગજને ખોતરી ખાતા અમીબાથી મોત થાય છે.
હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં ૯૭ ટકા મોતને ભેટે છે. મગજમાં અમીબાનો પ્રવેશ થયો છે તેના લક્ષણો પરથી જાણી શકે છે. ખૂબ તાવ આવવો, માથાનો સખ્ત દુખાવો, શરદી, ઉલટી, માનસિક દ્વીધા વગેરે લક્ષણો જોવા મળે છે. કેટલાકને લાઇટ માટે સેન્સિટિવિટી એટલે કે ફોટોફોબિયા જોવા મળે છે.
બ્રેઇન ઇટિંગ અમીબાના લક્ષણો 15 દિવસમાં જ દેખાવા લાગે છે
અમીબા નાક વાટે ઘૂસ્યા પછી ૨ થી ૧૫ દિવસમાં જ લક્ષણો દેખાવા લાગે છે. એક વ્યકિતથી બીજી વ્યકિતમાં ચેપ ફેલાતો હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. ટીશ્યુ દ્વારા કે ઓર્ગેન ડોનશનથી ચેપ ફેલાય છે કે નહી તે અંગે હજુ સંશોધન ચાલું છે. બ્રેઇન બાયોપ્સી અને ટીશ્યુ સેમ્પલથી અમીબાની હાજરી તપાસી શકાય છે. અમીબા કેટલાક કલાકો સુધી નાકમાં રહે છે તે દરમિયાન તેની સારવાર થઇ શકે છે. એક વાર મગજ સુધી પહોંચી જાય પછી કોઇ ઉપાય કારગત રહેતા નથી.
પાણીમાં તરતી વખતે નોઝ પ્લગ પહેવાનો આગ્રહ રાખવો જોઇએ
અમેરિકામાં આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે પાણીમાં તરતી વખતે નોઝ પ્લગ પહેવાનો આગ્રહ રાખવો જોઇએ. નાક આસપાસની જગ્યા સતત સાફ કરવા રહેવું જોઇએ. તેના માટે સ્ટરીલાઇઝ પાણીનો ઉપયોગ કરવો જોઇએ. જો તમે નળના પાણીનો સીધો પીવા માટે ઉપયોગ કરતા હોવ તો તેને બે મિનિટ માટે ઉકાળીને પછી ઠંડુ કરવું જોઇએ. જો તમારા ધ્યાનમાં આવ્યું હોય કે સ્વીમિંગના પાણીમાં અમીબાની હાજરી હતી તો તરત જ તબીબની સલાહ લઇને નાક બતાવવું જરુરી છે.