ગાંધીનગરમાં ઝિકા વાયરસનો કેસ પોઝિટિવ આવતા હડકંપ, આરોગ્ય વિભાગ થયું દોડતું
Zika Virus Case in Gandhinagar : ગુજરાતમાં ઝિકા વાયરસના કેસ સામે આવતાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. રાજ્યમાં આ વર્ષે મચ્છરજન્ય બિમારી અને તાવની સિઝન લાંબી ચાલી છે. ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગના કેસ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ગાંધીનગરમાં શંકાસ્પદ ઝિકા વાયરસનો કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. દર્દીનો રિપોર્ટ પુણેની લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. જેમાં આજે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ દર્દી સારવાર હેઠળ છે.
ગાંધીનગરમાં ઝિકા વાયરસનો કેસ નોંધાતા ગાંધીનગર મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. જે વિસ્તારમાં કેસ નોંધાયો છે ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ પણ ગાંધીનગરમાં ઝિકા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો. 75 વર્ષિય વૃદ્ધની તબિયત લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે દરમિયાન ડોક્ટરોએ દર્દીનો રિપોર્ટ પુણેની લેબોરેટરીમાં મોકલ્યા છે.
ઝિકા વાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે? જાણો...
ડોકટરોના મતે, ઝિકા વાયરસ મચ્છર કરડવાથી ફેલાય છે અને વરસાદની સિઝન દરમિયાન તેનું જોખમ વધારે હોય છે. ઝિકા એક વાયરલ ચેપ છે અને તે સગર્ભા સ્ત્રીઓને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિએ આ વાયરસથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ અને લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધાની રાખવી
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે, ઝિકા વાયરસનો ચેપ ગર્ભવતી મહિલાઓ માટે સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે આ ચેપ ગર્ભમાં રહેલા બાળકને પણ ખરાબ રીતે અસર કરી શકે છે. આ ચેપને કારણે બાળકોમાં જન્મજાત ખામીઓ આવી શકે છે અને કેટલીકવાર ગર્ભપાત પણ થઈ શકે છે. આ વાયરસના કારણે જન્મજાત ખામી ધરાવતા બાળકોની સ્થિતિને ઝિકા સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ સિન્ડ્રોમથી પ્રભાવિત બાળકોનો શારીરિક અને માનસિક રીતે યોગ્ય વિકાસ થતો નથી. આ કારણે તેઓ અન્ય બાળકો કરતા નબળા રહે છે.
ઝિકા વાયરસના લક્ષણો કેવા હોય છે?
ઝિકા વાયરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે અને વરસાદ દરમિયાન તેનું જોખમ વધી જાય છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જેમ ઝિકા એ પણ વાયરલ ચેપ છે. જ્યારે આનો ચેપ લાગે છે, ત્યારે લોકોને તાવ, માથાનો દુખાવો, સાંધામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, લાલ આંખો અને ત્વચા પર ફોલ્લીઓ જેવા લક્ષણો દેખાય છે. ઝિકા વાયરસ મચ્છર કરડવાના 2 થી 7 દિવસમાં ચેપનું કારણ બને છે અને ઘણા કિસ્સાઓમાં તેના લક્ષણો દેખાતા નથી. તેથી ચેકઅપ જરૂરી છે.
આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણી ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાશે, નવી મતદાર યાદી બહાર પાડવામાં આવશે
ઝિકા વાયરસથી કેવી રીતે બચવું?
હવે પ્રશ્ન એ છે કે ઝિકા વાયરસ સામે કેવી રીતે રક્ષણ કરવું? તેના પર ડોક્ટરનું કહેવું છે કે ઝિકા વાયરસથી બચવાનો સૌથી સારો ઉપાય એ છે કે મચ્છરોથી બચવું. મચ્છર માત્ર તમને ઝિકા વાયરસથી સંક્રમિત કરી શકતા નથી, પરંતુ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનું જોખમ પણ વધારી શકે છે. જો કોઈ વ્યક્તિ ઝિકા વાયરસથી સંક્રમિત છે, તો તેનાથી અંતર રાખો. આ સિવાય જો તમને તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અથવા આંખની સમસ્યા હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો અને તમારું બ્લડ ટેસ્ટ કરાવો. ટેસ્ટ રિપોર્ટના આધારે ડૉક્ટર તમારી સારવાર શરૂ કરી શકે છે.
તમારા આહારનું ધ્યાન રાખો
સગર્ભા સ્ત્રીઓ કે જેઓ એવા વિસ્તારમાં રહે છે જ્યાં ઝિકા વાયરસ પ્રચલિત છે તેઓએ ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે. આવી મહિલાઓએ ચેપગ્રસ્ત વિસ્તારોમાં રહેતા કોઈપણ વ્યક્તિના નજીકના સંપર્કમાં ન આવવું જોઈએ અને નિયમિતપણે તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવવી જોઈએ. કારણ કે આ વાયરસ સામે રક્ષણ માટે કોઈ રસી નથી. આવી સ્થિતિમાં, આ નિવારણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.