ઝાકીર હુસૈને વિદ્યાર્થીઓને કહ્યું કે સફળતા પર ધ્યાન ના આપો પણ રિયાઝ કરો
ઝાકીર હુસૈન ૮ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ વડોદરા આવ્યા હતા
વડોદરા : પ્રસિધ્ધ તબલા વાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું આજે અમેરિકા ખાતે ૭૩ વર્ષની વયે નિધન થયુ છે. તેમના મૃત્યુના સમાચારથી દેશ વિદેશમાં સંગીત પ્રેમીઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
મ્યુઝિક કોલેજની મુલાકાત લઇને ગાયન-વાદનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે સંવાદ કર્યો હતો
ઝાકીર હુસૈન ૮ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ વડોદરા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં આવ્યા હતા. આ સમયે તેઓએ પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી (મ્યુઝિક કોલેજ) ની ખાસ મુલાકાત લીધી હતી. અહી તેઓ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને મળ્યા હતા અને કોલેજના વિવિધ વિભાગોનું નિરિક્ષણ કર્યુ હતું.
મ્યુઝિક કોલેજના ડીન પ્રો. ડો. ગૌરાંગ ભાવસાર તે દિવસને યાદ કરતા કહે છે કે વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન એક વિદ્યાર્થીએ ઉસ્તાદ ઝાકીર હુસૈનને પુછ્યુ કે ગાયન અને વાદનમાં સૌથી મહત્વની ચીજ કઇ છે તો તેઓએ જવાબ આપ્યો હતો કે રિયાઝ કરવો એ જ કલાકારનું કર્મ છે. સફળતા પર ધ્યાન કેન્દ્રિત ના કરો. બને તેટલો વધુ રિયાઝ કરો. તેઓની એક વિશેષતા એ હતી કે ક્યારેય પોતાના તબલા કોઇને ઉપાડવા માટે આપતા નહી. ગાડીમાંથી તેઓ જાતે જ તબલા લઇને સ્ટેજ ઉપર આવતા હતા. તબલાને તેઓ ભગવાન માનતા હતા.