ઝાકિર હુસૈને કહ્યું કે 'ઇતને અચ્છે કામ કે લીયે પૈસો કી બાત નહીં કરતે હૈ'
વડોદરામાં ઉ.ઝાકિર હુસૈન, તેમના પિતા ઉ.અલ્લારખાં સાહેબ અને સુલતાન ખાં સાહેબે નિઃશુક્લ કાર્યક્રમ આપ્યો હતો
વડોદરાના તબલા વાદક નિખીલ મુલે સાથે ઉ.ઝાકિર હુસૈન |
વડોદરા : 'જેમ હૃદયના ધબકારા જીવન માટે જરૃરી છે તેમ ઉસ્તાદ ઝાકિર હુસૈન સંગીતના ધબકારા હતા. તેઓના તાલની જોડે કોઇ ના આવે. જેટલા ઉચ્ચ દરજ્જાના કલાકાર હતા તેટલા જ ઉચ્ચ દરજ્જાના તેઓ ઇન્સાન હતા. મે તેમને ગુસ્સે થતાં ક્યારેય જોયા નથી.' આ શબ્દો છે વડોદરાના તબલા વાદક નિખીલ મુલેના.
નિખીલભાઇ કહે છે કે 'હું ઝાકિરભાઇનો નહી પરંતુ તેમના પિતા ઉસ્તાદ અલ્લારખાં સાહેબ (અબ્બાજી)નો શિષ્ય. હું પ્રથમ વખત મુંબઇ ખાતે નેપિઅન સી રોડ ઉપર આવેલા તેઓના નિવાસ સ્થાન સિમલા હાઉસમા અબ્બાજીને મળવા ગયો ત્યારે ઝાકિરભાઇ મળ્યા હતા. હું તેમને ત્યાં બે દિવસ રોકાયો હતો. ઝાકિર ભાઇ મને મુંબઇ ફરવા લઇ ગયા હતા અને મને સુચના આપી હતી કે હું જે સ્થળ (જ્યાં અનૈતિક ધંધા ચાલતા હોય )બતાવુ તે સ્થળે ક્યારેય નહી જવાનું. પછી જો હું જેટલી વખત તાલીમ માટે અબ્બાજી પાસે જતો ત્યારે જો ઝાકિરભાઇ હાજર હોય તો ચોક્કસ મળતા અને તેઓ પણ તાલીમ આપતા હતા.'
આ વાત વર્ષ ૧૯૮૫-૮૬ની છે વડોદરામાં બાળકો માટે કામ કરતી એક સંસ્થા છે. તેમણે મારો સંપર્ક કર્યો અને બાળકો માટે ફંડ એકઠુ કરવા માટે ઝાકિર હુસૈનના કાર્યક્રમ માટે વિનંતી કરી. મે મુંબઇ જઇને ઝાકિર ભાઇને વિનંતી કરી કે તમે અને અબ્બાજી વડોદરા આવીને કાર્યક્રમ આપો અને કહ્યું કે સંસ્થા તમને યથાશક્તિ પુરસ્કાર આપશે. ઝાકિર ભાઇએ મને કહ્યું કે 'ઇતની અચ્છે કામ કે લીયે પૈસો કી બાત નહી કરતે હૈ, આપને જો બતાયા વો બહોત અચ્છા કામ હૈ હમ સિર્ફ જાને-આને કા ખર્ચ લેંગે બાકી કુછ નહી ચાહીએ' અને પછી અબ્બાજી, ઝાકિરભાઇ અને તેમની સાથે સુલતાન ખાં સાહેબ વડોદરા આવ્યા હતા અને કાર્યક્રમ આપ્યો હતો.