ભરૂચ દુષ્કર્મ કેસ: 10 વર્ષની પીડિતાનું મોત, આઠ દિવસથી વડોદરાની SSG હૉસ્પિટલમાં હતી સારવાર હેઠળ
Zaghdiya molestation case : ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનામાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ બાળકીનું આઠ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું છે. બાળકીને બે દિવસમાં ત્રણ યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું તેમ છતાં ગુજરાતની નિર્ભયાએ આખરે જીવ છોડી દીધો છે. GIDCમાં આવેલી શ્રમજીવી વસાહતમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી. પડોશમાં જ રહેતા ઝારખંડના આરોપી વિજય પાસવાને કુમળી બાળકીને પીંખી નાખી હતી. દુષ્કર્મ પહેલા વિજય પાસવાને બાળકીના મોઢા ઉપર પથ્થરથી વાર કરીને લોહી લુહાણ કરી નાખી હતી અને પીડિતાના ગુપ્તાંગમાં સળિયો નાખીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
હૉસ્પિટલના RMOએ જણાવ્યું બાળકીના મોતનું કારણ
SSG હૉસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે, 'બાળકી પર બપોરે બે વાગ્યે કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો, તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. પરંતુ અમારી ટીમે સારવાર આપ્યા બાદ તે સ્ટેબલ થઈ હતી. પરંતુ બાદમાં ફરીથી સાંજે 5:15 એ બીજીવાર કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. ડૉક્ટરોની ટીમે તમામ પ્રયાસ કર્યા પરંતુ અંદાજે સાંજે 6:15 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. ઓર્ગન ફેઇલ થઈ જવાથી તેને કાર્ડિયાક અટેક આવ્યા હતા. હવે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાશે'.
આરોપી જેલના સળિયા પાછળ
આ કેસમાં નરાધમ આરોપી વિજય પાસવાન હાલ જેલમાં છે. પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી, ત્યારબાદ 18 ડિસેમ્બરે હવસખોર આરોપીને સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેણે સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે પોલીસને જણાવ્યું હતું. પોલીસ જ્યારે આરોપીને લઈને લોકઅપની બહાર આવી ત્યારે આરોપીના ચાલવાના પણ ઠેકાણા નહોતા.
શું હતી સમગ્ર ઘટના?
16 ડિસેમ્બરે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું આરોપી વિજય પાસવાને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ નિર્ભયા જેવા કાંડથી રાજ્યભરમાં ચકચાર મચી હતી. નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે આચરી હતી. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. જ્યાં પીડિતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી અને પીડિતા બન્ને મૂળ ઝારખંડના વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી છે.
નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ
આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી. જેના લીધે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સમાજમાં આબરૂ જવાની બીકે મા-બાપે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. કેસની ગંભીરતા જોતાં તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.
આ પણ વાંચો : 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં અમદાવાદ બંધની ચિમકી