Get The App

ભરૂચ બાળકી દુષ્કર્મ કેસ: આરોપીના ચાલવાના પણ ઠેકાણા ન રહ્યા, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
ભરૂચ બાળકી દુષ્કર્મ કેસ: આરોપીના ચાલવાના પણ ઠેકાણા ન રહ્યા, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું 1 - image


Zaghdiya molestation case : ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર જગાવી છે. આ કેસમાં પોલીસે નરાધમ આરોપી વિજય પાસવાનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આજે ગુરુવારે હવસખોર આરોપીને સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં તેણે સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે પોલીસને જણાવ્યું હતું. પોલીસ જ્યારે આરોપીને લઈને લોકઅપની બહાર આવી ત્યારે આરોપીના ચાલવાના પણ ઠેકાણા નહોતા. જેનાથી સ્પષ્ટ થાય છે કે આરોપી કદાચ પોલીસને યોગ્ય સહકાર નહીં આપતો હોવાથી તેની કડકાઈથી પૂછપરછ કરાઈ રહી છે. 

શું હતી સમગ્ર ઘટના?

ગઈ કાલે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું આરોપી વિજય પાસવાને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે આચરી હતી. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. જ્યાં પીડિતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી અને પીડિતા બન્ને મૂળ ઝારખંડના વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી છે.

નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ 

આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી. જેના લીધે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સમાજમાં આબરૂ જવાની બીકે મા-બાપે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. કેસની ગંભીરતા જોતાં તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.


Google NewsGoogle News