રાજ્યની વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષા સામે ઉઠ્યા સવાલ, વર્ગ-3ની પરીક્ષામાં છબરડાનો યુવરાજસિંહ જાડેજાનો આરોપ
Gujarat News: ગુજરાતમાં અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ અને છબરડાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે આવી જ વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષા પર આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ કામધેનુ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિ પર સવાલ કરતાં ફિશરીઝ વર્ગ-3ની પરીક્ષામાં છબરડાનો આરોપ લગાવ્યો છે.
યુવરાજસિંહ જાડેજાએ કર્યા ગંભીર સવાલ
આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષામાં છબરડાનો આરોપ લગાવતાં કહ્યું કે, આજથી નવ મહિના પહેલાં એટલે કે, 12 માર્ચ 2024ના દિવસે કામધેનુ યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ સંવર્ગની ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં 15 માર્ચથી ફોર્મ ભરવાની શરુઆત થઈ હતી. જેમાં સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ફિશરીઝ વર્ગ-3 (પોસ્ટ/વેકેન્સી-1) માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી વાત એ છે કે આ પરીક્ષામાં 200 માર્ક્સનું MCQ પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું હતું. જે પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું હતું તે પહેલાંથી જ એટલે કે 2021થી એક સોશિયલ મીડિયા વેબ બ્લોગ પોસ્ટ પર ઉપલબ્ધ હતું. તેથી આ એક મોટો છબરડો છે.
આ પણ વાંચોઃ BZ કૌભાંડ : રૂ.6000 કરોડની પોન્ઝી સ્કીમના આરોપીને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની ધરપકડ
દવાલાને પાસ કરવાનું ષડ્યંત્ર?
આ વિશે વધુ વાત કરતાં જાડેજાએ કહ્યું કે, જે બ્લોગ પર પેપર ઉપલ્બધ હતું તે હિંમતનગરના ફિશરીઝ કૉલેજના પ્રોફેસર દ્વારા ચલાવાતું હતું. પ્રોફેસર દ્વારા હિંમતનગરથી જ ચલાવવામાં આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે, થોડા સમય પહેલાં જ મેરિટ યાદી બનાવવામાં આવી છે અને જે ઉમેદવાર મેરિટમાં પહેલાં નંબરે છે તે વ્યક્તિ પણ હિંમતનગરથી જ છે. તેથી, પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, પબ્લિક ડોમેનમાં 2021નું અપલોડ થયેલા પેપર 2024માં પૂછી પોતાના વાલા દવાલાને પાસ કરવાનું ષડ્યંત્ર તો નથી ચાલતું ને?
આ પણ વાંચોઃ વડોદરામાં ચોમાસા બાદ વરસાદી ગટરની સફાઈના બહાને ચાર મહિના પહેલા બનાવેલો રોડ તોડતા વિવાદ
નોંધનીય છે કે, ફિશરીઝ માટે તો ગુજરાતમાં ત્રણ જગ્યાએ જ કૉલેજ આવેલી છે. નવસારી, વેરાવળ અને હિંમતનગરમાં. આ સાથે જાડેજાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ પણ ખૂબ ઓછા હોવાનો મતલબ એવો તો નથી કે વિદ્યાર્થી સાથે અન્યાય થાય.