સુરતના યુવક મંડળની અનોખી ભક્તિ, તાપી શુદ્ધિકરણ અને પૂરથી રક્ષણના સંદેશા સાથે તાપી નદીમાં ગણેશજીની સ્થાપના
Surat Ganesh Utsav Special : સુરતની જીવાદોરી સમાન તાપી નદીના શુદ્ધિકરણ અને સુરતીઓને તાપીના પૂરથી બચાવવા માટેની માનતા સાથે સુરત-રાંદેરના યુવાનોએ તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરી છે. તાપી નદીમાં ફાઈબરનું પ્લેટફોર્મ બનાવી તેને ગણેશ પંડાલમાં ફેરવીને યુવાનોએ અહીં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી છે. આ ગણેશજીની પ્રતિમાની સ્થાપના સાથે સવાર અને સાંજ ગણેશજીની આરતી અને પુજા કરવા માટે મંડળના યુવકો હોડી મારફત જઈ રહ્યાં છે.
સુરત શહેરમાં ગણપતિ ઉત્સવનો માહોલ જામી રહ્યો છે. શહેરના જુદા-જુદા વિસ્તારમાં ગણેશ મંડળો દ્વારા બહુ નવી રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. એમાં પણ પાણી નવી વ્યવસાય સાથે સંકળાયેલા રાંદેરના યુવાનોએ આ વર્ષે કંઈક અલગ રીતે ગણપતિ ઉત્સવની ઉજવણી કરી છે. પાંચપીપળા સ્ટ્રીટ ગણેશ મંડળના યુવકો કહે છે તેમને વડવાઓ નદી અને દરિયામાં વ્યવસાય કરી રહ્યા હતા અને તેમને પાણી સાથે અનેરો નાતો છે. તાપી નદીમાં આવતા પૂરથી સુરતને બચાવવા તથા તાપી શુદ્ધિકરણના સંદેશા સાથે આ યંગસ્ટર્સે તાપી નદીના તટમાં ગણેશજીની સ્થાપના કરી છે.
પાંચ પીપળા સ્ટ્રીટના ગૌરવ સેલર કહે છે, તાપી નદીના પૂરનો જ્યારે પણ ખતરો હોય ત્યારે અમારા પૂર્વજો ગણેશજીની આરાધના કરતા અને તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરતા હતા. અમારા વડીલોની પરંપરા અમે 2014 અને 2016માં જાળવી રાખી હતી અને નદીમાં ગણેશજીની સ્થાપના કરી હતી.
આ વખતે પણ સુરતને પૂરનો ખતરો હતો તેથી અમે પણ વડીલોની જેમ પૂરથી સુરત બચી જાય તો વડીલોની જેમ તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરવા માટે માનતા રાખી હતી. જેના કારણે અમે તાપી નદી કિનારે રહીએ છીએ તે નદીની વચ્ચે ફાઇબરનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેને ગણપતિ પંડાલની જેમ ડેકોરેશન પણ કર્યું છે.
પાંચ પીપળા સ્ટ્રીટના યંગસ્ટર્સ એવા ઓમ સેલર, રમેશ સેલર, નિમેશ સેલર, કમલેશ અને ઉમંગ સેલર સહિત અનેક યુવાનોએ તાપી નદીમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી છે અને તેઓ પૂજા પણ તેઓ કરે છે. પહેલા દિવસે ગણેશજીની સ્થાપના માટે બ્રાહ્મણને હોડીમાં લઈ ગયા હતા. ત્યારબાદ રોજ આ યુવાનો સવાર સાંજે બાપ્પાની આરતી માટે હોડીમાં બેસીને જાય છે. હાલમાં થોડું પાણી વધ્યું છે તેથી પંડાલ થોડો કિનારા નજીક લાવવામાં આવ્યો છે. જો કોઈએ આ ગણેશજીના દર્શન કરવા જવું હોય તો લોકોએ કિનારાથી દર્શન કરવાના હોય છે અથવા આ યુવાનો સાથે બોટમાં જવું પડે છે.
સ્થાપના તાપીમાં વિસર્જન કૃત્રિમ તળાવમાં કરી સુરતીઓને તાપીમાં કચરો ન ફેંકવા
સુરતના રાંદેરના પાંચપીપળા સ્ટ્રીટના યુવાનોએ તાપી નદીની વચ્ચે પ્લેટફોર્મ બનાવી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી છે. આ યુવાનોએ ભલે તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરી છે પરંતુ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં જ કરે છે. આ સાથે તેઓ સુરતીઓને એવો સંદેશો આપે છે કે તાપી નદી આપણી જીવાદોરી છે. 80 લાખ જેટલા સુરતીઓને પીવાનું પાણી આ તાપી નદીમાંથી જ પુરું પાડવામાં આવે છે. તેથી આપણે તાપી નદીમાં કચરો ફેંકવો જોઈએ નહીં. તાપી નદીમાં ગંદકી ન કરી અને તાપી શુધ્ધ રાખવા માટે લોકોને અપીલ કરી છે. જો અમે ગણેશજીની પ્રતિમાની સ્થાપના તાપીમાં કરીએ છીએ, પરંતુ વિસર્જન કૃત્રિમ તળાવમાં કરીશું. જ્યારે બીજી તરફ કેટલાક લોકો પુજાપો અને અન્ય કચરો તાપી નદીમાં પધરાવે છે તે યોગ્ય નથી તેથી લોકોએ જીવાદોરી સમાન તાપી માતામાં કચરો પધરાવવો જોઈએ નહીં તેવી અપીલ કરી છે.