Get The App

યુસુફ પઠાણ તૃણમૂલના સાંસદ બનતા જ ભાજપને વાંધો પડ્યો, વડોદરામાં પ્લોટની તપાસ શરૂ

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
 TMC MP Yusuf Pathan


Yusuf Pathan Possession On VMC Land: રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન નથી હોતું. આ વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે. વાત એમ છે કે, ક્રિકેટર યુસુફ પઠાણ મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાંથી ચૂંટાઈને સાંસદ બની ગયા છે. આ સાથે જ તેઓ ભાજપના દુશ્મન થઈ ગયા છે. વડોદરાના તાંદળજામાં મ્યુનિસિપાલિટીના પ્લોટ પર યુસુફ પઠાણે તબેલો ઊભો કર્યો છે. તેથી ભાજપના કોર્પોરેટરે આ પ્લોટ પાછો લઈ લેવાની રજૂઆત કરી હતી, પરંતુ ભાજપે પાલિકાની સામાન્ય સભામાં આ અંગે સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરી દીધી. આમ, એ વખતે ભાજપને પઠાણ સાહેબને પ્લોટ આપવામાં વાંધો ન હતો, પરંતુ હવે તેઓ તૃણમૂલમાં છે એટલે વાંધો પડ્યો. 

યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા ભાજપની માંગ

તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણ સામે કોર્પોરેશનના પ્લોટ પર છેલ્લા કેટલાક સમયથી કબજો જમાવ્યો છે. તેમને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નોટિસ ફટકારીને જમીન ખાલી કરવા સૂચના આપી છે. બીજી તરફ વોર્ડ નં.10ના ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા  માંગ કરી છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરને વિનંતી પત્ર પાઠવીને રજૂઆત કરી છે. 

ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ પત્રમાં લખ્યું છે કે, 'યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળની બહરામપુર બેઠકથી ચૂંટણી લડ્યા હતા. તેમણે સોગંદનામામાં પણ વડોદરાના ટી.પી. 22ના ફાઈનલ પ્લોટ નં. 90ને પોતાની રેસીડન્સીયલ મિલકતનો ભાગ દર્શાવી છે. તેના પરથી સાબિત થાય છે કે આ કોર્પોરેશનની જમીન તેમણે પચાવી પાડી છે. જેથી યુસુફ પઠાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.' તો રસપ્રદ વાત તો એ છે કે, કોર્પોરેશનનો એ ઠરાવ રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો અને છતાં ભાજપના કોર્પોરેટરો અત્યાર સુધી ચૂપ હતા. ખેર હવે યુસુફ પઠાણ તૃણમૂલમાં હોવાથી ભાજપના નેતાઓની યાદશક્તિ સતેજ થઈ જવી સ્વાભાવિક છે.

યુસુફ પઠાણ તૃણમૂલના સાંસદ બનતા જ ભાજપને વાંધો પડ્યો, વડોદરામાં પ્લોટની તપાસ શરૂ 2 - image


Google NewsGoogle News