યુસુફ પઠાણની મુશ્કેલી વધી, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી ભાડું વસૂલવા ભાજપની માગ
Yusuf Pathan Land Controversy: પશ્ચિમ બંગાળના તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર કબજો જમાવ્યો છે. આ મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગ કરી છે કે, કોર્પોરેશનના પ્લોટનો કબજો છોડાવીને તેમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવે. આ ઉપરાંત તેમણે જ્યારથી જમીન કબજો જમાવ્યો છે, ત્યારથી આજ સુધીનું ભાડું વસૂલવામાં આવે.
યુસુફ પઠાણ સામે કાર્યવાહી કરવા ભાજપની માગ
ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે પત્રમાં લખ્યુ છે કે, 'તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણ સામે કોર્પોરેશનના પ્લોટ પર છેલ્લા કેટલાક સમયથી કબજો જમાવ્યો છે. આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરાવી પ્લોટ પાછો મળવવો જોઈએ. આ ઉપરાંત કોર્પોરેશને કાર્યવાહી કરી છે કે કેમ તેની તપાસ થવી જોઇએ. આ પ્લોટ દબાણ થયા બાદ જો કોઈ અધિકારી કે સ્થાનિક નેતાઓ દ્વારા અંદરખાને મદદ કરી હોય તો તે અંગે તપાસ કરી શકાય.
પત્રમાં વધુ લખ્યું છે કે, 'અમારી ફરિયાદ બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી દબાણ દૂર કરવાને બદલે નોટીસ આપી સમય આપવો જોઈએ નહીં. યુસુફ પઠાણ સામે તાત્કાલિક લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવે. જ્યારથી જમીન કબજો જમાવ્યો છે, ત્યારથી આજ સુધીનું ભાડું વસૂલવામાં આવે. લીગલ શાખા શું એક્શન લેશે? અગાઉ કેમ ના લીધી અને આ જમીન પાછી લેવીજ જોઈએ તે દિશામાં નક્કર કામગીરી કરવી જોઈએ.'
જાણો શું છે મામલો
તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણે પોતાના બંગલાની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટનો કેટલોક ભાગ દબાવીને ગેરકાયદે રીતે દીવાલ બાંધી દઈ તબેલો કરી દીધાનું સામે છે. વડોદરાના તાંદળજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી આંગન સોસાયટી નજીક ટી.પી. સ્કીમ નં.22ના ફાઈનલ પ્લોટ નં.90 વાળી રહેણાંકનો હેતુ ધરાવતી 978 ચોરસ મીટર જમીન ક્રિકેટર યુસુફ પઠાણે વર્ષ 2012 વેચાણે લેવાની માંગણી કરી હતી. જેને લીધે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી. જો કે, વર્ષ 2014માં જ શહેરી વિકાસ વિભાગે આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવ્યો હતો. આ જમીન યુસુફ પઠાણને નહીં આપવાના નિર્ણય બાદ તેમણે આ જમીન પર દીવાલ બાંધીને કબજો કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.