વડોદરા કોર્પોરેશનની જમીન પર યુસુફ પઠાણનો કબજો! ગેરકાયદે દબાણ કરી તબેલો બનાવ્યો
Yusuf Pathan Possession on VMC Land: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીતા રમતવીરોને રાહતદરે જમીન આપવાની યોજના અમલમાં મૂકી હતી. તેમાં ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માંગણી કરી હતી. તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી, પરંતુ રાજ્ય સરકારે તે માંગણી નામંજૂર કરી દીધી હતી. હવે તે જમીન પર ગેરકાયદે દબાણ કરી તબેલો અને દીવાલ બાંધી જમીનનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવી લીધો હોવાની વિગતો બહાર આવી છે.
જાણો શું છે મામલો
પશ્ચિમ બંગાળમાંથી સાંસદ તરીકે યુસુફ પઠાણ ચૂંટાઈ આવ્યા બાદ ભાજપના પૂર્વ મેયરે સોશ્યિલ મીડિયા પર મેસેજ ફરતો કરતા વિવાદ સર્જાયો હતો, ત્યારે હવે તેમના બંગલાની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટનો કેટલોક ભાગ દબાવી લઈ ગેરકાયદે રીતે દીવાલ બાંધી દઈ તબેલો કરી દીધાનું બહાર આવતા પઠાણ બંધુઓ વિવાદમાં આવ્યા છે. તાંદળજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી આંગન સોસાયટી નજીક ટી.પી. સ્કીમ નં.22ના ફાઈનલ પ્લોટ નં.90 વાળી રહેણાંકનો હેતુ ધરાવતી 978 ચોરસ મીટર જમીન ક્રિકેટર યુસુફ પઠાણે વર્ષ 2012 વેચાણે લેવાની માંગણી કરી હતી. જેને લીધે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી. જો કે, વર્ષ 2014માં જ શહેરી વિકાસ વિભાગે આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવ્યો હતો. આ જમીન યુસુફ પઠાણને નહીં આપવાના નિર્ણય બાદ તેમણે આ જમીન પર દીવાલ બાંધીને કબજો કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
ક્રિકેટર યુસુફ પઠાણ સામે કાર્યવાહી કરવા માંગ
ક્રિકેટર અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ, ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા કોર્પોરેશનની જમીનના કેટલાક ભાગ પર કબજો જમાવી દીધો છે. જે અંગે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિ અધ્યક્ષને પત્ર લખી સરકારના આદેશનું પાલન કરી કોર્પો.નો પ્લોટ કોર્પોરેશને પોતાને હસ્તક લઈ લેવા રજૂઆત કરી છે. તેમણે પત્રમાં રજૂઆત કરી છે કે, ગરીબ ઝૂંપડાં વાસીઓ હોય અથવા તો લારી ગલ્લાવાળા હોય તો તેના દબાણ તોડવામાં આવે છે. તો પર પ્રાંતમાંથી સાંસદ બનેલા અને ક્રિકેટર યુસુફ પઠાણે કોર્પોરેશનના પ્લોટની માંગણી કરી હતી તે રાજ્ય સરકારે નામંજૂર કરી હોય તો પછી તે પ્લોટ પર તેમણે કબજો જમાવી દીધો હોવાથી તાત્કાલિક અસરથી દીવાલ તોડી કોર્પોરેશને કબજો લેવો જોઈએ.