મોરબીના નાની વાવડી ગામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા
પૈસાની લેતીદેતીમાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધાની શંકા
હુમલાખોર બે શખ્સો સામે ફરિયાદ દાખલ કરી ઝડપી લેવાની તજવીજ, યુવાન હત્યાના બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર
મોરબીના નાની વાવડી ગામના રહેવાસી દીપકભાઈ ભાણજીભાઈ મકવાણા (ઉ.વ.૩૫) નામના યુવાનનો મૃતદેહ ગામની સીમમાંથી મળી આવ્યો હતો.રાત્રીના યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો.અને બાદમાં છુટા પડયા બાદ સવારે મૃતદેહ મળી આવ્યો હતો.મૃતકના શરીર પર ઈજાના નિશાનો જોવા મળતા પોલીસને હત્યા થયાનું જણાઈ આવ્યું હતું. અને હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ શરુ કરી હતી. જે બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક દીપકભાઈ મકવાણાની હત્યામાં બે ઈસમોની સંડોવણી ખુલવા પામી છે.
બે ઇસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પૈસાની લેતીદેતી મામલે યુવાનની હત્યા થયાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. મોરબી તાલુકા પોલીસ ટીમે હેમત અને ગૌતમ એમ બે આરોપીઓના નામજોગ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.અને આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવશે. યુવાનની હત્યાના બનાવને પગલે પંથકમાં ચકચાર મચી હતી.