ગણેશ જાડેજા સામે ફરિયાદ કરનાર યુવક, તેના પિતા, ભાઈ, કાકા સામે 'ગુજસીટોક'
પોલીસ પર હુમલો, હત્યાનો પ્રયાસ, ચોરી ફરજમાં રૂકાવટ સહિતના ગુના આચર્યા હતા : LCBએ કરેલી દરખાસ્તને પોલીસ મહાનિરીક્ષકે મંજૂરી આપતા 4 શખ્સની ધરપકડ : એક હત્યાના પ્રયાસના ગુનામાં હાલ જેલમાં
જૂનાગઢ, : ગોંડલના ગણેશ જાડેજા સહિતનાઓ સામે ફરિયાદ કરનાર યુવક અને તેના પરિવાર સામે મારામારી, પોલીસ પર હુમલો, ચોરી, લૂંટ, જુગાર સહિતના ગુના દાખલ થયા હતા. આ મામલે એલસીબીએ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવા દરખાસ્ત કરી હતી. જેને પોલીસ મહાનિરીક્ષકે મંજૂરી આપતા આજે એલસીબીના પી.આઈ.એ યુવક અને તેના પિતા, ભાઈ, કાકા સહિત પાંચ શખ્સ સામે ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે પાંચેય સામે ગુનો દાખલ કરી ચારની ધરપકડ કરી છે. જ્યારે એક શખ્સ હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં છે.
જૂનાગઢના દાતાર રોડ પર રહેતા સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકીએ ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે અપહરણ કરી ગોંડલ પંથકમાં લઈ જઈ ખુની હુમલો કર્યાની ફરિયાદ કરી હતી. પોલીસે સંજયની ફરિયાદના આધારે ગણેશ જાડેજા સહિત ૧૧ શખ્સ સામે અપહરણ, હત્યાનો પ્રયાસ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ગઈકાલે પોલીસે આ કેસમાં ૪૫૦૦થી વધુ પેજનું ચાર્જશીટ દાખલ કર્યું હતું.
ફરિયાદ કરનાર યુવક સંજય તેમજ તેના પિતા, કાકા, ભાઈ સંગઠિત થઈને ગુના આચરતા હતા. આ ટોળકી સામે અનેક ગુના દાખલ થયા હતા. જેથી એલસીબીએ આ શખ્સો સામે 'ગુજસીટોક' હેઠળ ગુનો દાખલ કરવા દરખાસ્ત કરી હતી. જેને પોલીસ મહાનિરીક્ષકે મંજૂરી આજે એલસીબી પી.આઈ. જે.જે. પટેલે પ્રદીપ ખાડીયામાં રહેતા આ ગેંગના લીડર રાજુ બાવજી સોલંકી, તેના ભાઈ જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી, પુત્ર દેવ રાજુ સોલંકી, સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી અને ભણીયા યોગેશ કાળા બગડા સામે ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે ગુજસીટોકની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે આ ટોળકી સામે પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ, ચોરી, લૂંટ, દારૂ, ખંડણી ઉઘરાવવી, અપહરણ, ગેરકાયદેસર અટકાયત, મારામારી, ધાક ધમકી, હથિયાર ધારા સહિતના ગુના નોંધાયેલા છે. આ અંગેની તપાસ માંગરોળ ડીવાયએસપી ડી.વી.કોડિયાતરને સોંપવામાં આવી છે. રાજુ સોલંકી, તેના બે પુત્ર સંજય અને દેવ તેમજ ભાણીયા યોગેશ બગડાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી હાલ હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં છે. આ આરોપીઓને આવતીકાલે સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. હાલ તો પોલીસની આ કાર્યવાહીના કારણે અસામાજીક પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.