Get The App

ડીંડોલીમાં રૂ. 10 હજારની લેતીદેતીમાં તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી યુવાનની હત્યા

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
ડીંડોલીમાં રૂ. 10 હજારની લેતીદેતીમાં તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી યુવાનની હત્યા 1 - image


- મિત્રના લગ્નની પીઠીમાં જવાનું છે અને કપડા ખરીદવા વર્ષ અગાઉ મિત્રને ઉછીના આપેલા રૂ. 10 હજાર લેવા જાઉં છું એવું કહીને નીકળ્યો હતોઃ મરનારે સગીર વયમાં હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો



સુરત


ડીંડોલીના સી.આર. પાટીલ રોડ સ્થિત શંકર ભગવાનના મંદિર પાસે ગત મોડી રાતે રૂ. 10 હજારની લેતીદેતીના ઝઘડામાં માથાભારે અને સગીર વયે બે હત્યા કરનાર યુવાનને તલવાર અને ચપ્પુના આઠથી દસ ઘા ઝીંકી રહેંસી નાંખતા ડીંડોલી પોલીસ દોડતી થઇ ગઇ છે. જો કે પોલીસ ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપીની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

ડીંડોલીમાં રૂ. 10 હજારની લેતીદેતીમાં તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી યુવાનની હત્યા 2 - image
ડીંડોલીના સી.આર. પાટીલ રોડ સ્થિત અમીધારા સોસાયટીમાં રહેતી અને સાડીમાં ડાયમંડ લગાવવાનું કામ કરતી સંગીતા ભાગવત પાટીલ (ઉ.વ. 45 મૂળ રહે. ધરનગાંવ, જી. જલગાંવ, મહારાષ્ટ્ર) નો મોટો પુત્ર દેવીદાસ ભાગવત પાટીલ (ઉ.વ. 25) ગત રાતે 10 વાગ્યાના અરસામાં મહાદેવનગરમાં રહેતા મિત્રના લગ્ન હોવાથી પીઠીના કાર્યક્રમ જવાનું કહીને નીકળ્યો હતો. ઘરેથી જવા અગાઉ દેવીદાસે માતાને એવું પણ કહ્યું હતું કે લગ્ન માટે કપડા ખરીદવાના હોવાથી એકાદ વર્ષ અગાઉ મિત્ર રોશન ઉર્ફે બાળા પાટીલ (રહે. માનસી રેસીડન્સી, ડીંડોલી) અને આશુતોષ ઉર્ફે ચીના રાજપૂત (રહે. શ્રી હરિનગર, ડીંડોલી) ને રૂ. 10 હજાર ઉછીના આપ્યા હતા તે લેવા જાઉં છું એમ કહી તેના મિત્ર અર્જુન યાદવ, ગન્યા વાઘ સહિતના ચારેક મિત્રો સાથે બાઇક ઉપર નીકળ્યા હતા. પરંતુ તેની ગણતરીની મિનીટોમાં જ સી.આર. પાટીલ રોડ સ્થિત શંકર ભગવાનના મંદિર સામે પૈસાની લેતીદેતી મુદ્દે રોશન ઉર્ફે બાળા અને આશુતોષ ઉર્ફે ચીના સાથે ઝઘડો થયો હતો. જેથી રોશન, ચીના અને તેના મિત્ર બટકો તથા ખુશાલ ઉર્ફે માયા ઉર્ફે મારવાડી (રહે. શ્રી હરિનગર, ડીંડોલી) વિગેરેએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી દેવીદાસના પેટ, ગળા અને પીઠમાં આઠથી દસ ઘા ઝીંકી દીધા હતા. જેથી ઘટના સ્થળે દોડધામ મચી ગઇ હતી. અર્જુન યાદવે દેવીદાસ ઉપર થયેલા હુમલાની જાણ તેના પરિવારને કરતા માતા-પિતા અને નાનો ભાઇ રાજ પાટીલ દોડી આવ્યા હતા અને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તબીબોએ દેવીદાસને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા તુરંત જ ડીંડોલી પોલીસ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મરનાર દેવીદાસે સગીર વયે હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો અને રીઢો ગુનેગાર છે.


Google NewsGoogle News