10 વર્ષની બાળાને નરાધમે વરેલીના રૂમમાં આખી રાત રાખી દુષ્કર્મ કર્યું હતું
અગાઉ બાળાની સોસાયટીમાં રહેતા ત્રણ સંતાનનો પિતા ઝડપાયો : સવારે રૂ.600 આપી પેસેન્જર રીક્ષામાં સહારા દરવાજા મોકલી હતી : ત્યાંથી બીજી રીક્ષામાં બાળા લોહીલુહાણ હાલતમાં કડીવાલા ચોકડી પહોંચી હતી
મૂળ ઉત્તરપ્રદેશનો 38 વર્ષીય જયસિંગ કુંભાર મિત્રને મળવા પાંડેસરા આવ્યો હતો પણ મિત્ર નહીં મળતા એકલી બાળકી પર નજર પડતા તેને ચંપલ અપાવી રીક્ષામાં વરેલી લઈ ગયો હતો
- અગાઉ બાળાની સોસાયટીમાં રહેતા ત્રણ સંતાનનો પિતા ઝડપાયો : સવારે રૂ.600 આપી પેસેન્જર રીક્ષામાં સહારા દરવાજા મોકલી હતી : ત્યાંથી બીજી રીક્ષામાં બાળા લોહીલુહાણ હાલતમાં કડીવાલા ચોકડી પહોંચી હતી
- મૂળ ઉત્તરપ્રદેશનો 38 વર્ષીય જયસિંગ કુંભાર મિત્રને મળવા પાંડેસરા આવ્યો હતો પણ મિત્ર નહીં મળતા એકલી બાળકી પર નજર પડતા તેને ચંપલ અપાવી રીક્ષામાં વરેલી લઈ ગયો હતો
સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગુમ થયેલી અને બાદમાં રીંગરોડ કડીવાલા ચાર રસ્તા પાસેથી ગુપ્તાંગમાં ઈજા સાથે લોહીલુહાણ હાલતમાં મળેલી 10 વર્ષની બાળકી સાથે અગાઉ તેની જ સોસાયટીમાં રહેતા ત્રણ સંતાનના પિતાએ વરેલી લઈ જઈ આખી રાત રૂમ પર રાખી દુષ્કર્મ આચર્યું હતું.સુરત ક્રાઈમ બ્રાન્ચે આખી રાત સીસીટીવી કેમેરા અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી આજે વહેલી સવારે મૂળ ઉત્તરપ્રદેશના 38 વર્ષીય શ્રમજીવીને તેના વરેલીનાં રૂમ પરથી ઝડપી પાડી ગણતરીના કલાકોમાં દુષ્કર્મના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાંડેસરા કૈલાશનગર ચોકડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 10 વર્ષની બાળકી ગત ગુરુવારે સાંજે ગુમ થયા બાદ ગત સાંજે રીંગરોડ કડીવાલા ચાર રસ્તા પાસેથી ગુપ્તાંગમાં ઈજા સાથે લોહીલુહાણ હાલતમાં મળી હતી.બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું.બનાવની જાણ થતા દોડી ગયેલી ખટોદરા અને પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી.બાદમાં પાંડેસરા પોલીસે બાળકીના પિતાની ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ અપહરણ કરી તેને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધી હતી.દરમિયાન, તપાસમાં જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચે આખી રાત સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરા, ટેકનીકલ વર્કઆઉટ અને બાતમીદારોની મદદથી આજે વહેલી સવારે કડોદરા વરેલી ત્રિમૂર્તિ વે બ્રિજની પાછળ જે.કે.એન્જીનીયરીંગ કંપનીની ઉપર આવેલા રૂમમાં એકલા રહેતા 38 વર્ષીય જયસિંગ રામેશ્વરસિંગ કુંભાર ( મૂળ રહે.માજાઠો, પૈલાની ડેરા, જી.બાંદા, ઉત્તરપ્રદેશ ) ને તેના રૂમ પરથી ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચે તેને સુરત લાવી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે 20 વર્ષ અગાઉ રોજગારી માટે સુરત આવ્યો હતો અને પાંડેસરા વિસ્તારમાં બાળકી જ્યાં રહે છે ત્યાં જ રહી પાંડેસરાની જુદીજુદી મિલોમાં બેગારી કામ કરતો હતો.તે વેલ્ડીંગ કામ શીખીને વર્ષ અગાઉ વરેલીની જે.કે.એન્જીનીયરીંગ કંપનીમાં વેલ્ડીંગ કામની મજૂરીએ લાગ્યો હતો.જયસિંગ ગત ગુરુવારે સાંજે તે પાંડેસરામાં અગાઉ જ્યાં રહેતો હતો તે સોસાયટીમાં રહેતા મિત્રને મળવા આવ્યો હતો.પણ મિત્ર નહીં મળતા તે પરત જતો હતો ત્યારે બાળકી એકલી નજરે ચઢતા તેને પોતાના રૂમ પર લઈ જવાનું નક્કી કરી તેને ચંપલ અપાવવાની લાલચ આપી સાથે લઈ ગયો હતો.બાળકીને ચંપલ અપાવીને તે ચાલતો ચાલતો કૈલાશનગર ચોકડી પહોંચ્યો હતો.ત્યાંથી પેસેન્જર રીક્ષામાં બેસીને સહારા દરવાજા અને ત્યાંથી બીજી રીક્ષામાં તે બાળકી સાથે પોતાના રૂમ પર પહોંચ્યો હતો.
જયસિંગે બાળકીને આખી રાત પોતાના રૂમ પર રાખી દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં ગત સવારે તેણે બાળકીને રૂ.600 આપ્યા હતા અને તેને વરેલીથી પેસેન્જર રીક્ષામાં બેસાડતા બાળકી સહારા દરવાજા પહોંચી હતી.બાળકી સહારા દરવાજાથી રીક્ષામાં કડીવાલા રસ્તા પહોંચી હતી અને ત્યાં રોડ પર બેસી રડતી હતી ત્યારે એકત્ર થયેલા લોકોમાંથી કોઈકે પોલીસને જાણ કરતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલો જયસિંગ પરણિત છે અને એક દીકરી અને બે દીકરાનો પિતા છે.તેનો પરિવાર વતન ઉત્તરપ્રદેશમાં રહે છે.ક્રાઈમ બ્રાન્ચે તેનો કબજો પાંડેસરા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
બાળકી સહારા દરવાજાથી જે રીક્ષામાં બેસી તે ગેરેજ માલિકે તેને ગભરાયેલી જોઈને રૂ.50 આપી ઘરે જવા કહી નાનપુરામાં ઉતારી હતી
જયસિંગે બાળકીને પૈસા આપી વરેલીથી રીક્ષામાં બેસાડયા બાદ તે સહારા દરવાજા ઉતરી હતી.ત્યાં તેણે ઘરે જવા માટે જે રીક્ષા અટકાવી તે કોઈકે રીપેરીંગ માટે આપી હતી તે હતી અને એક ગેરેજ માલિક લઈને કામ માટે નીકળ્યો હતો.બાળકીએ ગેરેજ માલિકને કૈલાશનગર ચોકડી લઈ જવા કહ્યું હતું પણ ગેરેજ માલિકને કામ હોવાથી તે રીક્ષા નાનપુરા વિસ્તારમાં લઈ ગયો હતો અને બાળકી ગભરાયેલી હોય તેને સામેથી રૂ.50 આપી ઘરે જવા કહ્યું હતું.બાળકી એટલી ગભરાયેલી હતી કે તે રીક્ષામાંથી ઉતરતી જ નહોતી.ગેરેજ માલિકે કેટલાક રીક્ષાવાળાઓને બાળકીને મૂકી જવા કહ્યું હતું.પણ કોઈ તૈયાર થયું નહોતું.બાદમાં બાળકી ત્યાંથી ચાલતી ચાલતી ઝીંગા સર્કલ પહોંચી હતી અને એક રીક્ષામાં કડીવાલા ચાર રસ્તા પહોંચી હતી.
125 થી વધુ પોલીસ જવાનો-અધિકારીઓએ એક પછી એક કડી જોડી નરાધમને ઝડપ્યો
સુરત, : 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના બનાવનો ભેદ ઉકેલવા સુરત ક્રાઈમ બ્રાન્ચ અને પાંડેસરા પોલીસ કામે લાગી હતી.સુરત પોલીસના 125 થી વધુ પોલીસ જવાનો-અધિકારીઓએ બાળકી ગુમ થઈ તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક સ્થળે બાળકી કોઈકની સાથે જતી નજરે ચઢી હતી.દુષ્કર્મના મોટાભાગના બનાવોની જેમ આ બનાવમાં પણ પોલીસને કોઈ નજીકના વ્યક્તિની સંડોવણીની આશંકા હતી.આથી પોલીસે જે ફૂટેજ મળ્યા તેમાં જયસિંગ સ્પષ્ટ નજરે ચઢતો ન હોય તેની ઓળખ કરવા માટે સમગ્ર વિસ્તારના લગભગ તમામ ઘરે જઈ તપાસ કરી હતી.તેમાં એક વ્યક્તિએ તેની ઓળખ કર્યા બાદ એક પછી એક કડી જોડીને પોલીસે છેવટે તેના સુધી પહોંચી હતી.