રાજકોટથી યુવકનું અપહરણ, થરાદથી 6 આરોપીઓ ઝડપાયા
રૂ. 4 લાખની લેતીદેતી કારણભૂત : આરોપીઓ અપહૃત યુવકને હરિયાણા લઇ જઇ રહ્યા હતા : પોલીસના બે ડુપ્લીકેટ કાર્ડ કબજે
રાજકોટ, : ભાવનગર રોડ ઉપરથી ગઇકાલે રાત્રે મિત્રો સાથે બેઠેલા યુવાનનું સ્કોર્પિયોમાં આવેલા છ આરોપીઓ અપહરણ કરી ગયા હતા. જેના પગલે ક્રાઇમ બ્રાંચે આપેલી માહિતીના આધારે બનાસકાંઠાની થરાદ પોલીસે છએ આરોપીઓને ઝડપી લઇ અપહૃતને મુક્ત કરાવ્યો હતો. ચાર લાખની લેતીદેતીના મુદે અપહરણ થયાનું બહાર આવ્યું છે.
કાલાવડ રોડ પર આરએમસી પરિશ્રમ યોજનાના ક્વાર્ટરમાં રહેતો સુરેશ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૨૭) ગઇકાલે સાંજે મિત્રના લગ્નમાં જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો. રાત્રે પોણા બારેક વાગ્યા આસપાસ તે મિત્રો સાથે ભાવનગર રોડ પર અમૂલ સર્કલ નજીક સેટેલાઇટ બસ સ્ટેન્ડ પાસે બેઠો હતો ત્યારે કાળા કલરની હરિયાણા પાસિંગની સ્કોર્પિયોમાં ધસી આવેલા છ આરોપીઓ તેને ઉપાડી ગયા હતાં. તેની સાથે રહેલાં મિત્ર ગંજીવાડાના હુસેનભાઈ હીંગોરાએ આ અંગે સુરેશની પત્ની પૂજાબેનને કોલથી જાણ કરતાં પરિવારના સભ્યો સ્થળ પર દોડી ગયા હતાં. ત્યાર પછી થોરાળા પોલીસ મથકે જઇ સુરેશની માતા લીલાબેન (ઉ.વ. 45)એ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જાણ થતા ક્રાઇમ બ્રાંચ પણ સક્રિય થઇ હતી. સ્કોર્પિયો નંબરના આધારે રાજ્યભરની પોલીસને એલર્ટનો મેસેજ આપ્યો હતો.
જેના આધારે બનાસકાંઠાની થરાદ પોલીસે છએ આરોપીઓને ઝડપી લઇ અપહૃતને મુક્ત કરાવ્યો હતો. છ આરોપીઓમાં ત્રણ હરિયાણાના અને ત્રણ રાજસ્થાનના છે. આરોપીઓમાં હરિયાણાના સોનીપત જિલ્લાના નિરજ રાજેન્દ્રસિંહ જાટ, રાહુલ સુભાષભાઈ જાટ, હરિયાણાના જિંદ જિલ્લાના નિરજ વજીરસિંહ જાટ, રાજસ્થાનના બ્યાવર જિલ્લાના ગુલશનસિંગ રાજુસિંગપવાર રાવત, રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના મહીપાલ ઉદેસિંહ રાજપૂત અને રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રાહુલસિંહ રમેશસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે. આ છએ આરોપીઓ પાસેથી બનાસકાંઠા પોલીસે સ્કોર્પિયો કાર, પોલીસના ડુપ્લીકેટ બે કાર્ડ, પાંચ મોબાઇલ ફોન અને રોકડા રૂ. 12,200 મળી કુલ રૂ. 10.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જાણ થતા ક્રાઇમ બ્રાંચની ટીમ છ આરોપીઓનો કબજો લેવા થરાદ પહોંચી હતી. ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ચાર લાખની લેતીદેતીના મામલે અપહરણ કરાયાનું બહાર આવ્યું છે. આરોપીઓ અપહૃત સુરેશને હરિયાણા લઇ જઇ રહ્યા હતાં.